અમેરિકામાં નવા વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં પ્રમુખપદનો ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે ત્યારે એમના નિવેદનોની નોંધ અત્યારે વિશેષ લેવાઇ રહી છે. ચૂંટાયા પછી ટ્રમ્પે જે નિવેદનો આપ્યા છે એમાં ભારત સાથેના વેપારમાં ટેરીફ વધારવાને લઇને અપાયેલું નિવેદન વધારે ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે, એક અર્થમાં ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો ભારત અમેરિકાના માલ-સામાન પર ઊંચી ટેરીફ વસૂલશે તો અમેરિકા પણ વળતા જવાબમાં ઊંચી ફી વસૂલશે.
જો ખરેખર આવું થાય તો શક્ય છે કે અમેરિકા સાથેના આપણા વેપાર સંબંધોમાં બદલાવ આવે. અલબત્ત, શું થશે એ કહેવું અત્યારથી અઘરું છે, પણ વેપાર જગતમાં આ મુદ્દાને લઇને ચણભણ તો ચાલી જ રહી છે.
આ વખતે ઓપિનિયન વિભાગમાં આવો જાણીએ, શું કહે છે આ મુદ્દે વિવિધ વર્ગના લોકો?
અપૂર્વ શાહ, વાઈસ પ્રેસીડેન્ટ, GCCI
“મારી દ્રષ્ટિએ ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે. જેમ આપણે આપણા દેશના કૃષિ અને ગૃહ ઉદ્યોગોને બચાવવા માટે ટેક્સ લગાડીએ છીએ, એ જ રીતે અમેરીકા પણ તેમના લોકોની સુરક્ષા માટે ટેક્સ ભારણ લગાડી શકે છે. આ માત્ર વિચાર છે. એના પર કોઈ સત્તાવાર મહોર લાગી નથી. બીજી બાજુ એ લોકો જાણે છે કે ભારત મિત્રતા રાખવામાં વિશ્વાસ રાખતો દેશ છે. અમેરિકા પાસે ભારત જેવા સારો વિકલ્પ બીજો કોઈ લાગતો નથી. આ ટૂંક સમયની પોલીટીકલ ગેમ પણ હોઈ શકે છે.”
ગૌરાંગ શાહ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ., અમદાવાદ
“અમેરિકા જ્યારે પણ આ નિર્ણયને લાગુ કરે, એ જ દિવસે નિર્ણયની બજાર પર અસર જોવા મળી શકે. અત્યારના સમયમાં બજાર કોઈ રિએક્શનના આપે કેમ કે, ક્યા સેક્ટર પર નિર્ણય લગાવવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, કેટલી માત્રામાં આ ટેક્સ લગાડવાના છે એ પણ નક્કી કરવામાં આવ્યું નથી. આ વસ્તુ ત્યારે ખબર પડે જ્યારે ટ્રમ્પની સરકારનું ગઠન થઈ જાય. હાલના સમયમાં ભારત સર્વિસ એન્ડ ગુડમાં વધુ પ્રમાણે ટેક્સ લઈ રહ્યું છે. આવા નિર્ણયોથી સંબંધ બગડે, આ દ્વિપીક્ષી વેપારી સંબંધો છે. જેમાં બુદ્ધિમત્તાનો પ્રયોગ કરવાનો હોય જેમાં અહંકાર વચ્ચે ના આવવો જોઈએ. હાલ સુધીમાં ટ્રમ્પની સરકાર આવી નથી. આ નિર્ણય તેમની સરકાર બન્યા પછીનો છે. બીજી બાજુ ભારતથી પણ એવી વાત સાંભળવા મળી રહી છે. કે ભારત ટેક્સમાં ઘટાડો કરી શકે છે. જેની સત્તાવાર જાહેરાત નથી.”
અતુલ જોશી, ફાઉન્ડર અને CEO, ઓઇસ્ટર કેપિટલ, મુંબઈ
“હાલના સમયમાં ભારતનું એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતા વધારે છે. એટલે કે ટ્રેડના મામલામાં ભારત સરપ્લસમાં અને અમેરિકા ડેફિસીટમાં છે. ભારતે પોતાના ગૃહ ઉદ્યોગ માટે સુરક્ષા માટે અમુક ટેરીફ મુકેલી છે. અને સામે પક્ષે ટ્રમ્પ પણ મેક ઈન અમેરિકાના વિઝનથી તમામ કન્ટ્રી પર ટેરીફ લાદવાની વાત કરી છે. આમ જોવા જઈએ તો ટેરીફ વધશે તો, ત્યાંનું ઈંફ્લેશન પણ વધશે. તેની માહિતી FED પોતાના સ્ટેટમેન્ટમાં આપી હતી. અને ત્રણની જગ્યા પર બે જ રેટ કટ કરશે. જો અમેરિકા ટેક્સનું ભારણ વધારે તો તેમને જ નુકસાન છે. મારા મત પ્રમાણે આ નિવેદન પોઝીટીવ છે. અમેરિકા જો બીજા દેશોમાં ટેક્સ વધારે, તો ભારત ત્યાં પોતાનું એક્સપોર્ટનો વેપાર શરૂ કરી શકશે. ભારત PLI સ્કીમની અને એક્સપોર્ટ ઈનસેટીવની જાહેરાત કરી મેન્યુફેકચરીંગ કિંમત ઘટાડી શકાય છે.”
માનવ મોદી, પ્રેસિયસ મેટલ્સ એનાલિસ્ટ, સિનિયર મેનેજર, મોતીલાલ ઓસવાલ, અમદાવાદ
“ડોલર ઈન્ડેક્સમાં હાલ સુધીમાં સ્ટ્રેન્થ દેખાય છે. છેલ્લી વખત જ્યારે ટ્રમ્પ આવ્યા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે, તેમનું ફોકસ મેક ઈન અમેરિકા પર છે. આ જે રીતે જાહેરાત કરી છે, તે પ્રમાણે કહી શકાય કે સપ્લાય સાઈડ ઇન્ફ્લેશન વધી શકે છે. મારા મત પ્રમાણે એટલા ફેડની મિટિંગમાં ત્રણ ની જગ્યા પર બે રેટ કટની જાહેરાત કરવામાં આવી છે. એટલે હવે આગામી જાન્યુઆરીમાં રેટ કટ થવાની આશા નથી. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત અમેરિકા સંબંધ પર હવે બધાની નજર રહેશે. ઈમ્પોર્ટ ડ્યુટી અત્યારે ઓછી છે પણ જો હવે ઈમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવશે તો ભારત એ નિર્ણયને કેવી રીતે જોવે છે અને તેના રીએક્શનમાં શુ કરે છે. એ મોટો પ્રશ્ન છે. પરંતુ મારા પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર માટે આ નિર્ણય લાભદાયી થવો જોઈએ. બેઝ મેટલ્સ પણ આમ તો 2025 માં સારુ ભવિષ્ય દેખાય રહ્યું છે.”