Opinion: શું કાયદાના ભક્ષકને લોક શાસનની સત્તા સોંપવી જોઈએ?

સર્વોચ્ચ અદાલતે થોડા સમય પહેલા એક સળગતા પ્રશ્ન પર કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અને તેને કસૂરવાર ઠેરવ્યો હોય, તેવા કર્મચારીઓને સરકારી નોકરીથી હાથ ધોઈ બેસવું પડે છે. સામે પક્ષે આ નિયમ આપણા જનપ્રતિનિધિઓ પર લાગુ નથી પડતો. તેના પર વધુમાં વધુ છ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેના પછી તે ફરી જે તે વિસ્તારમાં ચૂંટણી લડી શકે છે. આ જ નિયમને બદલવા માટે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. જેનો વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.

અલબત્ત, જ્યારે રાજા અપરાધી માનસિકતાનો હશે, તો પ્રજાને કઈ તરફ વાળશે એવો પણ એક પ્રશ્ન અહીં ઊભો થાય છે. આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો આ વિષય પર પ્રજા શું કહે છે.

પંક્તિ જોગ, ગુજરાત રાજ્ય સંયોજક, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)

  કોઈ પણ રાજકીય નેતા હોય તે અપરાધી સાબિત થાય તો તેને ચૂંટણી લડવાનો અધિકાર ન મળવો જોઈએ. હાલના સમયમાં સંસદની અંદર 42% MPનો ગુનાહિત ઈતિહાસ છે. જોકે આવા નેતાના કેસનો નિકાલ ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવાનું સૂચન સુપ્રીમ કોર્ટે કર્યું છે. તેમ છતાં કેસોનો નિકાલ થતો નથી. પરિણામે ક્રિમિનલાઇઝેશન અને પોલિટીક્સ વધતું જાય છે. પીપલ વિથ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ રાજકારણમાં આવે છે. જો રાજકારણમાંથી ગુનાહિત પ્રવૃત્તિને હટાવવી હોય તો, આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને અટકાવવા જરૂરી છે. મહત્વની વાત એ છે કે જે લોકો ચૂંટાઈને આવે તે પોલીસી મેકર્સ છે. કોઈ પણ કાનૂન કે નિયમો ઘડવાની સત્તા માત્ર MP અને MLAને જ છે. જ્યારે નેતા પોતે જ કાયદાને નથી માનતા, જેના પર અનેક કલમ લાગેલી છે તેની પાસેથી જનતા શું અપેક્ષા રાખે? આવા નેતા ચૂંટાઈને આવે પછી પોતાના પર લાગેલા કેસ નબળા કરવા કે નીલ કરવા માટે સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરવાના પણ ચાન્સ વધી જાય છે.

આનંદ એમ. બ્રહ્મભટ્ટ, એડવોકેટ, અમદાવાદ

કોઈ નેતા જેના પર ગુનો દાખલ થયો છે, પણ સાબિત થયો નથી, તેવા લોકોને ચૂંટણી લડવા દેવામાં આવે તો વાંધો નથી. પરંતુ જે લોકોનો ગુનો સાબિત થઈ ચૂક્યો છે, તેવા લોકોને ચૂંટણી ન જ લડવા દેવાય. આવા લોકો માટે આજ સુધી કોઈ કાયદો બન્યો નથી, હા એ વાત અલગ છે કે નૈતિકતાના આધારે ચૂંટણી ન લડે તો વધુ સારું. આપણે સરકારી કર્મચારી પર આ કાયદો છે કે, તે કોઈ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો ન હોવો જોઈએ. તો આવો જ કાયદો નેતા માટે પણ હોવો જોઈએ. આ માટે કોઈ ગંભીર કાયદાનુ નિર્માણ કરવું જ જોઈએ.

તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર, નારાયણ ગ્રુપ ઓફ એજ્યુકેશન

જે નેતા દોષિત સાબિત થયા છે, તેમને ચૂંટણી લડવાનો હક ન મળવો જોઈએ. હા એ વાત છે કે નેતાના અપરાધના પ્રકારની પણ એક વખત સમીક્ષા કરવી જોઈએ. જઘન્ય ગુનાઓ અને ભ્રષ્ટાચારના કેસો માટે આજીવન પ્રતિબંધ બરાબર છે. પરંતુ હ્યુમન એરર જેને કહી શકાય તેવા અપરાધ માફ કરી અમુક સજા નિર્ધારિત કરી તેમને ચૂંટણી લડવાનો ચાન્સ આપવો જોઈએ. મારા મત પ્રમાણે મોટા ગુનામાં સંડોવાયેલા લોકોને ચૂંટણી ન જ લડવા દેવામાં આવે કેમ કે, એ સમાજ માટે પણ એક ખોટું ઉદાહરણ બની બહાર આવશે. લોકો પણ એવું કહેતા હોય છે કે, અપરાધી હશે તો લોકો જ મત નહીં આપે, પણ લોકશાહીમાં લોકોને ઘણી વખત ભ્રમિત પણ કરવામાં આવે છે. તેથી આવા લોકો સત્તા પર બેસી જાય છે.

જય શંકર જાની, MJMC વિદ્યાર્થી, અમદાવાદ

રાજકીય ક્ષેત્રમાં ગુનાખોરીના પ્રભાવને હલ કરવા માટે કેટલાંક મુખ્ય સુધારાની જરૂર છે. પ્રથમ, ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર સંબંધિત ગુનાઓ માટે  આજીવન પ્રતિબંધ લાદવા જોઈએ, જ્યારે ઓછા ગંભીર ગુનાઓ માટે અનૈતિક વર્તન અને જાહેર હિતના આધાર પર અયોગ્યતા થવી જોઈએ. ચૂંટણી આયોગને અયોગ્યતાના સમયગાળાઓમાં ઘટાડો કરવાનો વિધાન વિષયક અધિકાર પુનઃપરીક્ષણ માટે મૂકવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે અવ્યાખ્યાયિત નિર્ણયો રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ આપવી જોઈએ. સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા માટે, રાજકારણીઓ પર ક્રિમીનલ કેસ માટે ફાસ્ટ-ટ્રેક અદાલતનું નિર્માણ કરવું જોઈએ. રાજકીય પાર્ટીએ જવાબદારી લેવી જોઈએ અને ગંભીર ક્રિમીનલ કેસ ધરાવતા ઉમેદવારને ટિકિટ ન આપવી જોઈએ અને વધુ યોગ્ય અને સાફ છબીવાળા ઉમેદવારોને મેદાનમાં લાવવાની જવાબદારી લેવી જોઈએ. મતદાતાઓ માટે શિક્ષણ મહત્વપૂર્ણ છે અને નાગરિકોને ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ વિશે જાગૃત કરવા જોઈએ. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અગત્યની છે, જેથી રાજકારણમાં ગુનાખોરીના પ્રભાવ ઘટી શકે છે.

મારા મતે, રાજકારણમાં અપરાધીકરણ લોકશાહી અને જનતાના વિશ્વાસને નબળો પાડે છે. જઘન્ય ગુનાઓ અને ભ્રષ્ટાચારના કેસ માટે આજીવન પ્રતિબંધ વાજબી હોવા છતાં, રાજકીય દુરુપયોગને રોકવા માટે તેનો કાળજીપૂર્વક અમલ કરવો જોઈએ. અયોગ્યતા કાયદાને મજબૂત બનાવવો, ફાસ્ટ-ટ્રેકિંગ ટ્રાયલ અને કડક ઉમેદવારની પસંદગી લાગુ કરવાથી લોકશાહીના અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના સ્વચ્છ શાસન સુનિશ્ચિત કરી શકાય છે.

(તેજસ રાજપરા, અમદાવાદ)