ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી તણાવભર્યા સંબંધો રહ્યા છે. ઘણા પ્રયાસો પછી પણ આપણે પાડોશી દેશ સાથે સારા સંબંધ જાળવી ન શક્યા. જેનું મુખ્ય કારણ પાકિસ્તાન છે. કેમ કે ભારતમાં અવારનવાર થતા નાના-મોટા આતંકવાદી હુમલાઓ પાછળ ક્યાંક પાકિસ્તાની તાર જોડાયેલા હોય છે. આ વખતે પહલગામમાં તેમણે હિંસાની હદ વટાવી, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા અને બહેનોના સિંદૂર ઉજાડનાર પર ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું. આ ઓપરેશન બાદ PMએ આખી દુનિયાને બતાવી દીધું કે ભારત સાથે આતંકવાદી હુમલા કરવા કેટલા મોંઘા પડે છે. જેના જવાબમાં પાકિસ્તાને 8 મેના રોજ ડ્રોન અને મિસાઈલોનો હુમલો કર્યો, જેનો જવાબ ભારતની ત્રણ પાંખની સેનાએ યોગ્ય રીતે આપ્યો. હુમલા નિષ્ફળ બનાવવા સાથે પાકિસ્તાનને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું.
આ તમામ ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, દરેક વખતે થતા આતંકવાદી હુમલાનો અંત શું યુદ્ધ જ છે? શું ભારતે ઉદ્ઘોષિત રીતે યુદ્ધનું એલાન કરવું જોઈએ?
તરુણ ગોહિલ, નિવૃત્ત આર્મી ઓફિસર
જ્યારે યુદ્ધ શરૂ થાય, ત્યારે દેશ મંદી તરફ આગળ વધે છે. આપણે પહેલાથી ઘણા દેશોથી પાછળ છીએ, સાથે ઘણા એવા સેક્ટર છે જે મંદીનો સામનો કરી રહ્યા છે. દેશ-દુનિયામાં ચારે તરફ રાજનીતિ ચાલી રહી છે. ઘણા એવા પાસા છે જે સામે આવતા નથી. આ પ્રકારના નાના આતંકવાદી હુમલાઓથી યુદ્ધ થવાની સંભાવના ઓછી છે. મારા મતે, આપણે યુદ્ધ પહેલાં એ ચકાસવું જોઈએ કે આ આતંકવાદી ક્યાંથી આવ્યા હતા. જે સ્થળ રેડ એલર્ટ પર હોય, ત્યાં કોઈ જાતની સુરક્ષા કેમ ન હતી? આ પ્રશ્ન સૌથી મોટો ઊભો થાય, જેનો જવાબ હાલ સુધી અજાણ્યો છે. યુદ્ધ થશે, તો પછી બંને દેશોને નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. એ પછી એક દેશને વધારે નુકસાન થાય, એક દેશને ઓછું નુકસાન થાય.
શિવ રાવલ, લેખક, ભાવનગર
‘ઓપરેશન સિંદૂર’ બાદ જે યુદ્ધનો માહોલ ઊભો થયો છે, તે યોગ્ય નથી. યુદ્ધ માત્ર 5-25 લોકો વચ્ચે પૂર્ણ નથી થતું. યુદ્ધમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. સરકારે સમજદારીપૂર્વક આ યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને સાથે પબ્લિકના સંતોષ માટે કોઈ પણ આક્રમક હુમલાનો પ્રતિકાર કરવો જોઈએ. જે આપણી સરકારે બરાબર રીતે કરી લીધો છે. જો આ યુદ્ધ પાછળ સરકારનો અન્ય હેતુ હોય, તો પછી પાકિસ્તાનને ખોટું સાબિત કરીને યુદ્ધ કરી શકે છે. યુદ્ધ થવાની સંભાવના આપણી જરૂરિયાત પર છે, આપણો દેશ કઈ વસ્તુ માટે લડત આપી રહ્યો છે અને મહેનત કરી રહ્યો છે. જો આપણે કોઈ જરૂરી વસ્તુ, ખનીજ કે જમીન મેળવવાના ધ્યેયથી યુદ્ધ થાય, તો કંઈ ખોટું નથી. આવા માટે યુદ્ધ થાય તો કંઈક મોટા આયોજનથી જ થાય છે. આ યુદ્ધથી નુકસાન ભારત અને પાકિસ્તાનને જ થવાનું છે, પણ ફાયદો બીજું કોઈ લઈ જઈ શકે છે. મહત્વની વાત એ છે કે કોઈ પણ આતંકવાદી 25-50 લોકો માટે આટલું મોટું જોખમ ઉપાડે જ નહીં. જો આ યુદ્ધ થાય, તો તે પાછળ ભારત અને અમેરિકાનો કોઈ મોટો ઉદ્દેશ હોઈ શકે અને જો આ યુદ્ધ ન થાય, તો ભારતમાં સાંપ્રદાયિક રમખાણ થવાની પૂરેપૂરી શક્યતા છે.
જય શંકર જાની, જર્નલિઝમ સ્કોલર, અમદાવાદ
ભારતે આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત અને નિર્ધારિત સંદેશો આપ્યો છે. વર્ષોથી પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત અને સમર્થિત ક્રોસ બોર્ડર આતંકવાદ ભારત માટે સૌથી મોટી રાષ્ટ્રીય સુરક્ષા સમસ્યા બની રહ્યો છે. એવી સ્થિતિમાં, જ્યારે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવે અને પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે, ત્યારે ભારતે નક્કર પગલાં લેવું યોગ્ય અને જરૂરી છે. પૂર્ણ યુદ્ધ કોઈ પણ રાષ્ટ્ર માટે પ્રથમ પસંદગી હોવી જોઈએ નહીં, પરંતુ જ્યારે દુશ્મન વારંવાર શાંતિને પડકાર આપે અને આપણા ધૈર્યને દુર્બળતા માને, ત્યારે ભારતે પોતાની સુરક્ષા માટે કડક નિર્ણય લેવા જ પડે. ‘ઓપરેશન સિંદૂર’ એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર વિવેચક નથી, પણ આત્મરક્ષા માટે સજ્જ અને સક્રિય છે. યુદ્ધનો ઇતિહાસ કહે છે કે તે ક્યારેય લાંબા ગાળે કોઈ દેશ માટે લાભદાયક સાબિત નથી થયો. ભારત અને પાકિસ્તાન બંને અણુ શક્તિઓ ધરાવે છે. જો પૂર્ણ યુદ્ધ થાય, તો તેમાં માત્ર સૈનિકો નહીં, પરંતુ હજારો નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં પડી શકે. અર્થતંત્ર પર પણ ભારે અસર પડે — રોકાણ ઘટે, મોંઘવારી વધે અને રોજગારના અવસરો ઘટે. પૂર્ણ યુદ્ધ જો ભારત માટે અંતિમ વિકલ્પ બની જાય, તો તે માત્ર આતંકવાદનો અંત લાવવા નહીં, પણ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ભારતની સ્થાપિત છબી માટે પણ મહત્વપૂર્ણ બની શકે. જો શાંતિ માટે રસ્તા બંધ થાય અને દુશ્મન સતત આતંકવાદી ષડયંત્રો રચતો રહે, તો ભારતે સંપૂર્ણ શક્તિથી જવાબ આપવો જોઈએ – દેશની એકતા, સુરક્ષા અને ગૌરવ માટે.
રાજુભાઈ સરવૈયા, સામાજિક કાર્યકર, અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ ચિંતાજનક છે. બંને દેશોની સૈન્ય કાર્યવાહીઓ એકબીજા સામે ચાલુ છે, જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. સામાજિક કાર્યકર તરીકે, હું માનું છું કે પૂર્ણ યુદ્ધ કોઈ ઉકેલ નથી. યુદ્ધથી નાગરિકોના જીવન, અર્થતંત્ર અને સામાજિક રચનાને ભારે નુકસાન થશે. બંને દેશો પરમાણુ શક્તિ ધરાવે છે, જે યુદ્ધના પરિણામોને વૈશ્વિક સ્તરે વિનાશક બનાવી શકે છે. આના બદલે, શાંતિ અને સંવાદ દ્વારા તણાવ ઘટાડવો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો, જેમ કે UN દ્વારા મધ્યસ્થી કરાવી શકાય. આતંકવાદનો મુદ્દો ગંભીર છે, પરંતુ તેનો ઉકેલ સૈન્યવાદમાં નહીં, પરંતુ સહકાર અને કડક રાજદ્વારી પગલાંમાં છે. નાગરિકોની સુરક્ષા અને માનવ અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ. સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામતીની વ્યવસ્થા અને લોકજાગૃતિ અભિયાન શરૂ કરવું જરૂરી છે. શાંતિની હિમાયત કરતાં સામાજિક કાર્યકર તરીકે, હું બંને દેશોને સંયમ રાખવા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા વિનંતી કરું છું.
(તેજસ રાજપરા)
