ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા લીંચ ગામમાં રંગ અવધૂતની યાદો છે એની સાથે ગામના પાદરે જ શીતળા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. શીતળા માતા તેમજ દક્ષ રાજાના મંદિરો હાલ પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત છે.
આ મંદિર 12મી સદીમાં બંધાયેલું છે. એના બચેલા અવશેષોમાં ઉત્તરની દીવાલની મધ્યમાંના ગોખમાં ગજસવાર ઈન્દ્રનું શિલ્પ છે. પશ્ચિમ ગવાક્ષમાં કુબેર છે. પરંતુ અહીં એક એક કુંભમાં દેવી દેવતાઓની મૂર્તિ કંડારેલી હોવાથી શક્તિ મંદિર હોવાનું ફલિત થાય છે.
મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શનાર્થે પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડે છે. દરેક પ્રાંત અને ગામોમાં એક લોકવાયકા હોય છે એમ આ મંદિરે પણ ચૈત્રમાસમાં ભક્તો પાણીના ઘડુલા ભરી શીતળા માતાને ઠારવા આવે છે. અહીં મેળા પણ થાય છે. બસ, જરૂર છે થોડીક જાળવણી અને કાળજીની.
(પ્રજ્ઞેશ વ્યાસ)
