શું તમને ખબર છે કે આજકાલ ગુજરાતની એક દીકરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે વડોદરાથી લંડનની યાત્રાએ નીકળી છે? હા, નિશાકુમારી નામની આ યુવતી ગઇ 23 જૂને વડોદરાથી સાયકલ યાત્રા પર લંડન જવા માટે નીકળી છે. હાલમાં એ કઝાકિસ્તાનમાં છે. ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરોની ચેતવણી આપવા માટે નિશાકુમારીની યાત્રાનું સ્લોગન પણ ‘ચેન્જ ધ ક્લાઇમેટ ચેન્જ’ છે. નિશાએ 27 વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કર્યો હતો અને હવે 28 વર્ષની ઉંમરે દુનિયાના સૌથી લાંબા રોડ પર સાઈકલ લઈને ભારતથી લંડન જવા માટે નીકળી છે. લગભગ 15,000 kmના આ અંતરમાં નિશા કુમારી 16 દેશોની મુલાકાત લેશે છે અને આ રૂટમાં 200થી વધુ શહેરોને આવરી લેશે. યાત્રા દરમિયાન નિશાની સાથે તેમના કોચ નિલેશ બારોટ પણ કાર લઈને ચાલી રહ્યા છે.
આખરે કેમ નિશાકુમારીએ આ સાયકલ યાત્રા કરવાનું વિચાર્યું? તેમનું બેગ્રાઉન્ડ શું છે? તેમને કોના તરફથી સપોર્ટ મળી રહ્યો છે?
આવાં જ કેટલાંક સવાલોના જવાબ મેળવવા માટે ચિત્રલેખા.કોમ એ નિશાકુમારી સાથે વાતચીત કરી.
બેકગ્રાઉન્ડ
નિશાના પિતાજી એરફોર્સમાં હતા. જન્મ દિલ્હીમાં અને પિતાજીની નોકરીના કારણે ઉછેર અલગ-અલગ શહેરોમાં થયો. કોલેજનો અભ્યાસ વડોદરામાં. ગણિત વિષય સાથે એમ.એસ.યુનિવર્સિટીમાંથી B.Sc. અને M.Sc. કર્યું. પરિવારમાં માતા-પિતા અને બે મોટાં ભાઈઓ. પિતાજીના દેહાંત પછી હવે માતા અને બે ભાઈઓ સાથે રહે છે.
સૌપ્રથમ વખત ધોરણ-10માં હતી ત્યારે ટ્રેકિંગના અનુભવ પછી એને આ ફિલ્ડમાં રસ જાગ્યો.
નિશાનું કહેવું છે કે “સ્પોર્ટ્સના ફિલ્ડમાં ખાસ કરીને છોકરીઓને પ્રોત્સાહન મળવું જોઈએ. કંઈ નહીં તો સેલ્ફ ડિફેન્સ તો તેમને આવડવું જ જોઈએ. આ જ સંદેશ સાથે મેં ગુજરાતની અનેક શાળાઓમાં જઈને બાળકીઓ માટે કેમ્પ કર્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં, ત્યારે એક દિવસ એક છોકરીએ મને પૂછી લીધું કે તમે અમને સંદેશ આપવા માટે આવો છો. પરંતુ જીવનમાં તમે એવી કઈ સિદ્ધિ મેળવી છે જેના કારણે તમે અમને સંદેશ આપો છો કે અમે તમારી વાત સાંભળીએ.”
એક ગામડાની છોકરી દ્વારા પૂછવામાં આવેલાં આ સવાલથી જ નિશાને પોતાના અસ્તિત્વને લઈને પ્રશ્નો ઉભા થયા, કે ખરેખર મેં મારા જીવનમાં શું અચિવમેન્ટ કર્યું છે? એ વખતે પણ નિશા માઉન્ટેનેરિંગ અને ટ્રેકિંગ તો કરતી જ હતી, પણ સવાલનો જવાબ મેળવવા તેણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું. લગભગ સાત વર્ષ સખત મહેનત કરીને તૈયારી કરી. વચ્ચે વચ્ચે બીજા નાના-મોટાં માઉન્ટેન પણ સર કર્યા. વર્ષ 2023માં તેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો.
જો કે તેના જીવનમાં બનેલી એક ઘટનાએ તેને હચમચાવી દીધી.
માઉન્ટ મનાસલી પર જ્યારે તે ક્લાઈમ્બિંગ કરવા ગઇ ત્યારે ત્યાં અચાનક એવલાન્ચ એટલે કે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં તેના સાથીઓ અને ગાઈડ શેરપા બરફમાં દટાઈ ગયા હતા. આ ઘટના સ્થળથી તે માત્ર 200 થી 300 મીટર જ દૂર હતી. લગભગ 7,000 ફૂટની ઉંચાઈએ બનેલી આ ઘટનામાં જ્યારે નિશા ફસાઇ હતી તે સમયે થયેલાં અનુભવ તેના જીવનની સૌથી ભયાનક યાદોમાંનો એક છે. ચાર દિવસ બાદ જીવના જોખમે તે નીચે પાછી ફરી.
નિશાકુમારીનું કહેવું છે, “ગ્લોબલ વોર્મિંગના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે અમે લોકો જે સિઝનમાં માઉન્ટ ક્લાઈમ્બિંગ કરવા માટે જઈએ છીએ, તેનો અભ્યાસ કરીને હવામાન વિભાગના સલાહ-સૂચન બાદ જ પ્રવાસનું પ્લાનિંગ કરીએ છીએ. તેમ છતાં જો બરફના તોફાનો આવી રહ્યા છે તો તેના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે મનુષ્યો કુદરતને પુષ્કળ પ્રમાણમાં નુક્સાન પહોંચાડી રહ્યા છીએ. પરિણામે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે. આ જ સંદેશને સમગ્ર દુનિયામાં પહોંચાડવા માટે હું વડોદરાથી લંડન સુધી સાયકલ યાત્રાએ નીકળી છું. આ દરમિયાન માર્ગમાં આવતા દરેક દેશ, દરેક શહેરમાં જવાબદાર નાગરિકો સુધી હું પોતાની વાત પહોંચાડી રહી છે. જ્યાં તક મળે છે ત્યાં રસ્તામાં વૃક્ષારોપણ પણ અમે કરી રહ્યા છીએ.”
એનું એક તાજું ઉદાહરણ નિશાએ પોતાની યાત્રા દરમિયાન ઉઝકેબિસ્તાનમાં પણ જોયું.
એ કહે છે, “અહીં 1977માં એક એરિયલ સી હતું. જ્યાં એક સમયે ભરપૂર માત્રામાં દરિયાઈ જીવો રહેતા હતા. તેમાં શીપ ચાલતા હતા. હવે આ જગ્યા સાવ સૂકાઈ ગઈ છે. તેમાં એક માછલી જોવા મળતી નથી અને નામ માત્રનું પાણી બાકી રહ્યું છે. બાકીનો વિસ્તાર સાવ કોરાં રણ સમાન બની ગયો છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે.”
નિશાની સમગ્ર યાત્રા દરમિયાન ચીનમાં થોડાંક ખરાબ અનુભવો પણ થયા છે. તેને ચીનથી પાછા નેપાળ ડિપોર્ટ કરી દેવામાં આવી હતી. જ્યાંથી તેમને ફરી વિઝાની પ્રોસેસ કરીને ચીનમાં પ્રવેશ કરીને કીર્ગિઝસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. ચીનમાં નિશા અને તેમના કોચ નિલેશ બારોટને તંત્ર તરફથી કડકાઈ, અવિશ્વાસ, શંકા, અસહયોગ જેવા અનુભવ થયા હતા. ચીનના વર્તનના કારણે નિશાના પ્રવાસમાં અનેક અડચણો આવી. તેનો સમય અને નાણા બંન્ને વેડફાયા છે એના કારણે હાલ તે પોતાના નિર્ધારીત શિડ્યૂલ કરતા પાછળ ચાલી રહી છે અને સાથે જ ફંડની અછતનો પણ સામનો કરી રહી છે.
22મી નવેમ્બર સુધીમાં નિશા રશિયામાં પ્રવેશ કરશે અને લગભગ દોઢ મહિના બાદ તે લંડન પહોંચવા માટેનો ટાર્ગેટ રાખી રહી છે. ભારતમાં માઉન્ટેન ગર્લ તરીકે પ્રખ્યાત નિશાકુમારી હાલમાં તો જે રૂટ, જે શહેર કે જે દેશમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં સૌને વૃક્ષો વાવો અને કુદરતને બચાવવાનો સંદેશ આપી રહી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)