ના, એમાં મહિલાઓનો વાંક નથી…

મમ્મી..મમ્મી… એમ બૂમો પાડતી ભાવના ઘરમાં પ્રવેશી, કોકિલાબહેને ઘરમાં એકલા જ હતા. એમને ગભરાતા સ્વરે પુત્રવધૂને પૂછ્યું, શું થયું બેટા? કેમ આમ બૂમો પાડે છે? જવાબમાં કાંઇ બોલ્યા વિના ભાવના સાસુમાના ખોળામાં માથું નાખીને ધ્રુસકે..ધ્રુસકે રડવા લાગી. કોકિલાબહેન પણ સામે કશું બોલ્યા વિના પુત્રવધુના માથે હાથ ફેરવતા રહ્યા. આ પ્રથમ વખત નથી બન્યું. આ પહેલા પણ ભાવના આ જ રીતે આવીને સાસુમાના ખોળામાં લપાઈને કલાકો રડી છે. લગ્નના પાંચ વર્ષમાં ભાવનાને ત્રીજી વખત મિસકેરેજ (કસુવાવડ) થયું. ભાવનાનો અવાજ સાંભળી બાજુના ઘરમાંથી કોકિલાબહેનના જેઠાણી એટલે કે ભાવનાના કાકીસાસુ પણ આવી પહોંચ્યા. ભાવનાને રડતી જોઈને એ તરત બોલ્યા, ફરી છોકરું પડી ગયું! કોકીલા, તારી વહુને તો છોકરા જણતા જ નથી આવડતા!

કોકિલાબહેને ગુસ્સો તો ઘણો આવ્યો પરંતુ જેઠાણીને સીધું કેમ કહેવું? છતાં એટલું તો બોલ્યા જ કે મોટીબેન આમાં ભાવનાનો જરાય વાંક નથી, ભગવાનની ઈચ્છા હશે તારે બધુ સારુ થશે. અત્યારે એને આપણી લાગણીની જરૂર છે. એને મહેણાં મારવાથી એનું દુઃખ વધશે ઓછું નહીં થાય. કારણ કે સંતાન ગુમાવવાની જે પીડા માતાને થાય એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ.

સવાલ એ થાય કે ગર્ભવતી મહિલાને કસુવાવડ થઈ જાય ત્યારે એમાં એ સ્ત્રીનો કેટલો વાંક? કેમ સમાજ, પરિવાર કે સગા સબંધી મહિલાને જ ખરી-ખોટી સંભળાવે છે? હકીકતમાં મિસકેરેજ થયા પછી મહિલાને માનસિક, શારિરીક, ભાવનાત્મક અને સામાજિક અનેક પ્રકારની સમસ્યા અને સવાલોનો સામનો કરવો પડે છે. ભાવનાને એની સાસુનો સપોર્ટ મળ્યો એવો સહકાર કસુવાવડ પછી બહુ ઓછી મહિલાઓને મળતો હોય છે. કારણ કે આપણા ત્યાં મિસકેરેજ માટે પણ માતાને જ જવાબદાર માનવામાં આવે છે, પરિસ્થિતિને નહીં.

મહિલા પર મિસકેરેજનું આળ નાંખવાની જરૂર નથી

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વલસાડના જાણીતા MD, DGO IVF નિષ્ણાત ડો. કુરેશા એમ. કુરેશી કહે છે, “કુદરતી પ્રેગ્નન્સી રહે એમાંથી 10 ટકા ગર્ભાવસ્થા જ કસુવાવડમાં પરિણમે છે. આ ખુબ નોર્મલ છે. મિસકેરેજ થઈ જાય પછી જ્યારે પણ પ્રેગ્નન્સી રહે એ સમયે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે મહિલાને એક વખત મિસકેરેજ થઈ ગયું હોય એવી મહિલાને બીજી વખત સારી જ પ્રેગનેન્સી રહેવાના 75 ટકા ચાન્સ છે. એજ રીતે કોઈને બે વખત એબોર્શન થયું હોય તો પણ એ મહિલાને 60 ટકા ચાન્સ છે સારી પ્રેગ્નન્સી રહેવાનો. પરંતુ સમસ્યા એ છે કે એક વખત ગર્ભપાત થઈ જાય પછી મહિલા માનસિક રીતે ખૂબ તણાવમાં રહે છે. પણ આ રીતે ગભરાવાની કે મેન્ટલ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, આ નોર્મલ જીનેટિક અથવા નોર્મલ ફિઝિયોલોજી ડેવલોપમેન્ટના કારણે જ થાય. આવા સમયે પરિવારે સહકાર આપવો જોઈએ.”

 

મિસકેરેજ પછી મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

શારીરિક સમસ્યાઓ

થાક અને નબળાઇ: મિસકેરેજ પછી શારીરિક રીતે થાક અનુભવાય છે, ખાસ કરીને રક્તસ્રાવ થવા કે સર્જરી પછી સમસ્યા વધે છે.

હોર્મોનલ પરિવર્તન: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના હોર્મોનમાં મોટા ફેરફાર થાય છે, અને મિસકેરેજ પછી હોર્મોનલ સંતુલન ફરીથી સામાન્ય પરિબળ પર આવે છે. આ ફેરફારો મૂડ સ્વિંગ્સ, તાણ અને અન્ય માનસિક પરેશાનીઓનું કારણ બની શકે છે.

અન્ય આરોગ્ય સમસ્યાઓ: મિસકેરેજ પછી મહિલાઓને ઈન્ફેક્શન અથવા અન્ય આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો સર્જરી થઈ હોય તો એનાથી પીડા તથા અન્ય જટિલ મુશ્કેલીઓ આવે છે.

માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ

દુઃખ અને શોક: ઘણી વખત ગર્ભપાત થવાથી જીવનસાથી સાથે પણ થોડા સમય માટે સંબંધમાં અણગમો આવી જાય છે જે ગાઢ દુઃખનું કારણ બને છે.

અપેક્ષાઓનો તણાવ: પરિવારમાં, સમાજમાં, અથવા નજીકના સંબંધોમાં નવા બાળકના આવવાની અપેક્ષાઓ સાથે મિસકેરેજને લીધે લાગણીઓ અને સંબંધોમાં તણાવ અનુભવાય છે.

સ્વ-દોષ અને ડિપ્રેશન: ઘણી વખત મહિલાઓ મિસકેરેજ માટે પોતાને જ જવાબદાર માને છે, ભલે એ બિનજરૂરી હોય. આ પ્રકારની ભાવનાઓ વ્યક્તિને વધુ તણાવમાં મૂકી શકે છે. ખાસ કરીને જો એ પ્રથમ ગર્ભાવસ્થા હોય અથવા લગ્નના લાંબા સમય પછી પ્રેગેન્સી રહી હોય એવા સમયમાં મહિલાને જાત પ્રત્યે નફરત થઈ જાય છે. જે સ્વને દોષિત માનવા લાગે છે.

ભય: એક કે બે વખત મિસકેરેજ થયું હોય તો ઘણી વખત મહિલાઓ ફરીથી પ્રેગ્નેન્ટ રહે ત્યારે ભય અને ચિંતા અનુભવતી હોય છે કે ફરીથી મિસકેરેજ ન થાય.

સામાજિક સંબંધિત તણાવ

સામાજિક દબાણ: મિસકેરેજ પછી સમાજમાંથી ઘણું દબાણ આવતું હોય છે. કુટુંબ અને મિત્રો સાથેની ચર્ચા અથવા સહાનુભૂતિને કારણે પણ મહિલાઓને વધુ તણાવ થાય છે.

લગ્નજીવનમાં તણાવ: મિસકેરેજના દુઃખના કારણે દંપતિઓ વચ્ચેના સંબંધમાં તણાવ આવી શકે છે, ખાસ કરીને જો દુઃખની પ્રક્રિયા બંને માટે જુદી હોય.

 

સુવાવડની પીડા કરતા પણ વધુ મિસકેરેજનું દર્દ

‘જે લોકો ગર્ભપાત માટે મહિલાને જ જવાબદાર માને છે, એ મારી દ્રષ્ટિએ તો પાપ કરે છે.’ આ શબ્દો છે અમદાવાદના દક્ષાબહેન દવેના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, વિશ્વની કોઈ માતા એમ ન ઈચ્છે કે એને ગર્ભપાત થઈ જાય. સુવાવડની પીડા કરતા પણ વધુ મિસકેરેજનું દર્દ હોય છે. પરંતુ આવા સમયે સમાજ, પરિવાર કે ઘણીવાર પોતાના જ કહેવાતા લોકો સમજી નથી શકતા. જે મહિલા પહેલેથી જ પોતાના બાળકને ગુમાવવાનું દુઃખ સહન કરી રહી હોઈ એને એમ કહેવામાં આવે છે કે તે બરાબર ધ્યાન ન રાખ્યું માટે જ તારે મિસકેરેજ થયું. આ યોગ્ય નથી. જ્યારે સ્ત્રીને એવી ખબર પડે છે કે એ માતા બનવાની છે ત્યારે એને સ્વર્ગ કરતા પણ વધારે સુખનો અહેસાસ થાય છે અને જ્યારે એનો ગર્ભપાત થાય ત્યારે એની પર આભ ફાટે છે. આવા સમયે પરિવાર, પતિ અને આસપાસના લોકોની લાગણીની જરૂર હોય છે. અફસોસ કે આજે પણ લોકોને આ વાત સમજાતી નથી.’

ગર્ભાવસ્થા જીવનનો સુંદર તબક્કો છે તો કસુવાવડ સ્ત્રીના જીવનનો સૌથી કપરો સમય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં વીસ ટકા ગર્ભાવસ્થા કસુવાવડમાં પરિણમે છે. મિસકેરેજનાં ત્રણ કારણો હોઈ શકે છે. પહેલાં ત્રણ મહિનાની અંદર બ્લીડિંગ શરૂ થઈ જવું, ઓટોઇમ્યુન ડિસઓર્ડરના લીધે જન્મતાં પહેલાં જ બાળકનું મૃત્યુ અને ત્રીજું પ્રોજેસ્ટરોન હોર્મોન અથવા યુટ્રસને લગતી સમસ્યા.

પહેલા ત્રિમાસિકમાં કસુવાવડ થવાનું જોખમ વધુ છે. ઓટોઇમ્યુન ડિસઓર્ડરમાં માતાનું શરીર બાળકને સ્વીકારતું નથી. માતાના શરીરમાં એબ્નોર્મલ ઍન્ટિબોડીઝ તૈયાર થવા લાગે છે. આ કન્ડિશનમાં વારંવાર એબોર્શનની શક્યતા વધી જાય છે. ગર્ભધારણ કરવા માતાના શરીરમાં પ્રોજેસ્ટરોન હોર્મોનનો સપોર્ટ અત્યંત જરૂરી છે. આ હોર્મોનની માત્રા ઓછી હોય ત્યારે કસુવાવડ થઈ જાય છે. આ ઉપરાંત યુટરસને લગતી કોઈ સમસ્યામાં પણ વારંવાર કસુવાવડ થવાનું જોખમ રહેલું છે. એક વાર કસુવાવડની પીડામાંથી પસાર થઈ ગઈ હોય એવી માતાએ બીજી વાર ગર્ભધારણ કરતાં પહેલાં ડોક્ટર પાસે કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં જરૂરી છે. પ્રોજેસ્ટરોન હોર્મોનની સમસ્યા હોય તો ટેબ્લેટ્સ અથવા ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે. હોર્મોનના પાવરથી બેબી ડેવલપ થાય છે. વારંવાર કસુવાવડમાં માત્ર માતાની જ નહીં પિતાની સારવાર પણ કરવી પડે છે.

જો કે એક વાત અહીં સમજવી અત્યંત જરૂરી છે કે કસુવાવડ થવી એમાં મહિલાનો વાંક નથી. સમય અને સંજોગ કામ કરે છે માટે જે સ્ત્રી આ કપરી સ્થિતિમાંથી પસાર થતી હોય એમને લાગણીની જરૂર હોય છે. જો એ ન આપી શકીએ તો કમસેકમ એમના પર પોતાના જ બાળકનું ધ્યાન ન રાખવાના ખોટા આક્ષેપો તો ન જ કરી શકાય.