ઉત્તરાયણના પર્વની સર્વે ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. પતંગ રસિયાઓ દિવાળીનો તહેવાર પતે કે તરત જ પતંગ ચગાવવા લાગે છે. જેમ-જેમ ઉતરાયણનો તહેવાર નજીક આવે છે તેમ-તેમ આકાશમાં રંગબેરંગી પતંગોનીસંખ્યા રોજબરોજ વધતી જાય છે. આ તહેવરા આપણી માટે મજાનું પર્વ છે પરંતુ અબોલ પક્ષીઓ માટે સજારૂપ પર્વ છે. પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓની પાંખો કપાય જાય છે અથવા તો તેઓ ઘાયલ થાય છે. રાજ્ય સરકાર તરફથી ખાસ ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ‘કરૂણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. ચિત્રલેખા.કોમના ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આ સપ્તાહે અમદાવાદ જિલ્લાના મદદનીશ વન સંરક્ષક અધિકારી હિતેન્દ્રસિંહ એન. ચાવડા સાથે વાત કરી અને કરૂણા અભિયાન વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.
ચિત્રલેખા.કોમ: કરૂણા અભિયાન શું છે અને તેમાં કેવી રીતે કામ થાય છે?
હિતેન્દ્રસિંહ ચાવડા: કરુણા અભિયાન એટલે ઘાયલ થયેલા પશુ-પક્ષીઓ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક કરૂણાસભર પહેલ છે. દર વર્ષે ઉત્તરાયણ પર્વ વખતે તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં કરૂણા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ સાથે સમગ્ર સરકારી તંત્ર સાથે ખાસ કરીને NGO અને સ્વયં સેવકોનું સક્રિય યોગદાન રહેતું હોય છે.
અમદાવાદ ખાતે વનવિભાગના 120 જેટલા અધિકારી/કર્મચારીઓ, 176 જેટલા વેટરનરી ડૉક્ટરો, 69 જેટલાં NGO સાથે 2900 જેટલા સ્વયંસેવકો જોડાયેલા છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે 134 જેટલાં કલેક્શન સેન્ટર તથા 21 જેટલાં સારવાર કેન્દ્ર કાર્યરત રહે છે. 16 જેટલી કરૂણા એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત રહે છે. રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો આ ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે.
સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે પક્ષી ઘાયલ થાય તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય?
રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 83200-02000 જાહેર કરાયો છે. આપને કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો આપ વોટસઅપ પર 83200-02000 નંબર પર hi લખીને મેસેજ કરી શકો છો. અથવા તો 1962 તથા 1926 પર કોલ કરીને સંપર્ક કરી નજીકના કલેક્શન કેન્દ્ર/સારવાર કેન્દ્ર સુધી ઘાયલ પક્ષીને પહોંચાડવામાં મદદ કરી શકો છો.
સૌથી વધુ ક્યા પક્ષી ઘાયલ થાય છે? ક્યા શહેરમાંથી સૌથી વધુ કોલ આવતા હોય છે?
કબૂતર વધુ ઘાયલ થતાં હોય છે. ગુજરાતભરમાંથી સૌથી વધુ ઘાયલ પક્ષીઓ અમદાવાદમાં થતાં હોય છે. ગયા વર્ષે અમદાવાદમાં 5200થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાંથી 92 ટકાથી વધુ પક્ષીઓને બચાવી શકાયા હતા.
ઘાયલ થયેલા પક્ષીને સારવાર આપી સ્વસ્થ થયા બાદ મુક્ત કરવામાં આવતા હોય છે. અમારી નમ્ર અપીલ છે કે મોટેભાગે વહેલી સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા બાદ આકાશમા પક્ષીઓ વધુ ઉડતા/વિચરતા હોય છે. તે દરમિયાન પતંગ ચગાવશો નહીં. ચાઇનીઝ દોરી કે કાચવાળી દોરીનો પતંગ ચગાવવા ઉપયોગ કરશો નહીં. હર્ષોલ્લાસથી ઉત્તરાયણ પર્વ મનાવશો. જો કોઈ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર 1926/1962/8320002000 પર સંપર્ક કરી કરુણા અભિયાનમાં સહભાગી થઈ આપનું અમૂલ્ય યોગદાન આપવા અમારી નમ્ર અપીલ છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)