ખુશી પંચાલે ‘ડ્રોન પેન્યોર’ બની, એક વર્ષમાં કરી લાખોમાં કમાણી!
‘‘મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને UAV (Unmanned Aerial Vehicle)માં મેજર કર્યું છે. જ્યારે હું મારી કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી, ત્યારે જ મેં ‘Aviatic’ નામની ક્લબની રચના કરી હતી. વર્ષ 2023માં હું સ્નાતક થઈ અને તે સમય દરમિયાન અમને પહેલેથી જ ડ્રોન માટે ઓર્ડર મળી રહ્યા હતા. મેં અને મારા બેચમેટ દિશીતે સાથે મળીને એ સમયે અમારી પોતાની કંપની ‘રેવડ્રોન્સ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ બનાવવાનું નક્કી કર્યું.
કંપની સંપૂર્ણપણે બુટસ્ટ્રેપ છે. 2023માં, અમે અમારું પ્રથમ ડ્રોન ખરીદ્યું અને કમાણી કરવાનું શરૂ કર્યું. 23 વર્ષની ઉંમરે અમે કોઈ પણ કામ માટે મળવા જતા તો અમારે એ લોકોને કહેવું પડતું કે, અમે કંપનીના ફાઉન્ડર છીએ. લોકો અમને કામ આપતા પહેલાં અનેક શંકાઓ સાથે જુએ કે, આ લોકો અમારું કામ કરી શકશે કે નહીં? પણ ધીમે-ધીમે અમારો પોર્ટફોલિયો મજબૂત થતો ગયો. કંપની શરૂ કર્યાના માત્ર એક જ વર્ષમાં અમારું ટર્નઓવર પણ સારૂં થયું અને હવે તો લોકો મને ‘ડ્રોન ગર્લ’ તરીકે ઓળખે છે. મારા કામને ઓળખે છે. સૌથી મોટી વાત અમારા માટે એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારા કામની નોંધ લીધી હતી.’’ આ શબ્દો છે વડોદરા નિવાસી ખુશીના.
23 વર્ષીય ખુશી પંચાલ, તેમના જેવી અન્ય યુવતીઓ માટે વિકસી રહેલા ડ્રોન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે. તેઓ મિત્ર દિશીત મુંજપરા સાથે મળીને એક ડ્રોનની કંપની ચલાવી રહ્યા છે. ખુશી વિશે જો વાત કરવામાં આવે તો તેમણે SVIT વાસદમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં B.Techનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં તેઓ ડ્રોન પ્રેન્યોર ક્ષેત્રમાં કાર્યરત છે. ત્યારે ચિત્રલેખા.કોમએ દીવાદાંડી વિભાગમાં જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ડ્રોન ઉડાવવાનો શોખ ખુશીને ક્યારથી અને અને કેવી રીતે થયો?
તાજેતરના સમયમાં ડ્રોન સામાન્ય લોકોમાં પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. તે માનવ રહિત હવાઈ વાહન (UAV) તરીકે પણ ઓળખાય છે. પરંતુ આપણા બધાંના મનમાં ડ્રોન એટલે લગ્નની વિડીયોગ્રાફી કરવા ઉડાડવામાં આવતા કેમેરા અથવા તો ખુબ જ મોટો સોશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સર પોતાની રિલ બનાવવા માટે વાપરે એ જ ડ્રોનની ખબર હોય છે. પરંતુ ખરેખર ડ્રોનના આના કરતાં પણ વધારે મહત્વના ઉપયોગ હોય છે. આ મશીન મૂળ લશ્કરી હેતુઓ માટે વિકસાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે , નવીનીકરણીય ઊર્જા ઉદ્યોગોના ક્ષેત્ર સહિત અનેક ઉદ્યોગોમાં વ્યાપકપણે કરવામાં આવે છે. ખુશી અને મિત્ર દિશીતે ડ્રોનના બિઝનેસમાં ભવિષ્યની જબરદસ્ત તકો જોઈને કંપની શરૂ કરી. માત્ર એક વર્ષની કામગીરીમાં તેમણે નોંધપાત્ર આવક પણ ઊભી કરી. હવે તેઓ વ્યવસાયને વિસ્તારવા અને સમાજનાં લાભ માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
આ વિશે વાત કરતા ખુશી જણાવે છે કે, “ડ્રોન વ્યવસાય માટે મેં અને દિશીતે લગભગ 2 લાખ જેટલું શરૂઆતમાં રોકાણ કર્યું હતું. બિઝનેસ શરૂ કર્યાના એક વર્ષમાં જ અમે 60 લાખથી વધુની આવક પણ મેળવી લીધી છે. અમારી આ જ સિદ્ધિના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારા કામની નોંધ લીધી હતી. ભણતા-ભણતા જ અમે જોયું કે વિદેશોમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં અનેક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. જેમ કે ફેક્ટરીઓમાં ઈન્સ્પેક્શન માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. આમ તો ઈન્સ્પેક્શન ખૂબ જ નાનું કામ છે. પરંતુ ફેક્ટરીમાં પાઈપ ડેમેજ છે કે નહીં તે વાતનું ઈન્સ્પેક્શન કરવાનું છે. તો તેમાં મોટાં ટાવર પર ચઢીને આ કામ કરવામાં માણસને આખો દિવસ નીકળી જાય. સાથે જ તે વ્યક્તિના જીવને જોખમ પણ રહેતું હોય છે. જ્યારે આ જ કામ અમે મિનિટોમાં કરીને આપી દઈએ છીએ. ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત અમે એગ્રીકલ્ચરલ સેક્ટરમાં, વિન્ડ મિલ ઈન્સ્પેક્શન, થર્મલ ઈન્સ્પેક્શન જેવાં અનેક ક્ષેત્રોમાં આજે કાર્યરત છીએ. અત્યારે અમે લોકો ત્રણ સેક્ટરમાં કામ કરી રહ્યા છીએ. લોકોને ડ્રોન વિશે એજ્યુકેટ કરવાનું કામ કરી રહ્યા છીએ. આ સિવાય ડ્રોનની સર્વિસીસ આપવાનું કામ કરી રહ્યા છીએ. ત્રીજું અમે લોકોની જરૂરિયાત પ્રમાણેના ડ્રોન બનાવી પણ આપીએ છીએ.”
“અમે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે નોંધણી કરાવી છે. હું ડીજીસીએ દ્વારા માન્ય ડ્રોન પાયલટ છું. મારું વિઝન ડ્રોનને માત્ર લગ્નના શૂટમાં ઉપયોગમાં લેવાતા સાધનો માટે મર્યાદિત રાખવાને બદલે તેને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું છે.” ખુશી પંચાલ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને તાલીમ આપવાનું પણ કામ કરી રહ્યા છે. તેઓ યુવાન છોકરીઓને ડ્રોનને એક સક્ષમ કારકિર્દીના વિકલ્પ તરીકે વિચારવા પ્રેરિત કરી રહ્યા છે.
ખુશી અને તેમના મિત્રની કંપની https://www.revdrones.in ડ્રોનની તમામ સર્વિસ પૂરી પાડે છે. તથા ટ્રેનિંગ માટેના ડ્રોન જાતે તૈયાર પણ કરે છે. એક લાખથી લઈને 10 લાખ સુધીના અલગ-અલગ ડ્રોનના અલગ-અલગ ભાવ હોય છે. 10 લાખથી પણ વધુ રેન્જના હાઈટેક ડ્રોન આવતા હોય છે. હાલ સૌથી વધુ ખેતી અને ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં ડ્રોન વેચ્યા છે.