જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ સિનેમા અત્યારે સવાલોના ઘેરામાં છે. આ કમિશન સામે મલયાલમ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી અન્ય મહિલાઓ તેમની સાથે થયેલા જાતીય સતામણી અને હુમલાઓની ભયાનક ઘટનાઓ શેર કરી છે. રિપોર્ટમાં મલયાલમ સિનેમા સાથે જોડાયેલા મોટા માથાંઓ પર પણ જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. ત્યારે ચિત્રલેખા.કોમના છોટી સી મુલાકાત વિભાગમાં અમે આજે આ રિપોર્ટ અને વર્ક પ્લેસ પર મહિલાઓ સાથે થતી જાતિય સતામણીની ઘટના અંગે અવાજ સંસ્થાના ડિરેક્ટર ડૉ. ઝરણા પાઠક સાથે વાત કરી.
ચિત્રલેખા:ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ સાથેના શોષણ વિશે તમારું શું કહેવું છે? ખાસ કરીને જસ્ટિસ હિમા કમિટીના રિપોર્ટ બાદ.
આ ફક્ત મલાયલમ ઈન્ડસ્ટ્રીઝની જ વાત છે, બીજી ઈન્ડસ્ટ્રીઝમાં આવું નહીં હોય?
બીજી જે ઈન્ડસ્ટ્રીઝ છે, જ્યાંથી રિપોર્ટ કે બીજી કોઈ માહિતી બહાર નથી આવી. ત્યાં શું પરિસ્થિતિ હશે તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. ‘Me Too’ મુવમેન્ટ વખતે તનુશ્રી દત્તા અને બીજી મહિલા કલાકારોએ પણ અનેક પ્રકારની ફરિયાદો કરી હતી. તેમ છતાં આજે પણ જે લોકો સામે ફરિયાદો છે તે લોકો બોલીવુડમાં આજે પણ કામ કરી જ રહ્યા છે. ઊંચા હોદ્દાઓ પર બેઠા છે. આથી જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટને આપણે બહુ જ પોઝિટિવલી જોવો જોઈએ. કારણ કે તે બહાર આવ્યો, અને ત્યારબાદ જવાબદારો સામે આંગળીઓ પણ ઉઠી રહી છે. બાકી બોલિવૂડમાં તો કોઈપણ વ્યક્તિ સામે આવીને કંઈ બોલવા જ તૈયાર નથી. બીજી તરફ જે મહિલાઓ અવાજ ઉઠાવે છે તેમને કામ મળતું બંધ થઈ જાય છે. જે જોઈને અન્ય મહિલાઓ પણ અવાજ ઉઠાવતી નથી.
બહેનો માટે જો વૉશરૂમ ફેસિલિટી ના હોય, ચેન્જિંગ રૂમ ના હોય, ઈન્ટિમેટ સીન કરતા સમયે મહિલાઓ માટે મોડરેટર ના હોય ત્યારે પ્રશ્ન એ થાય કે મહિલાઓને આ બધી વસ્તુઓની ડિમાન્ડ કેમ કરવી પડે છે? આ તો દરેક વ્યક્તિના ફન્ડામેન્ટલ રાઇટ્સ છે, તો પછી એ તો માગ્યા વગર જ આપવા જોઈએ. કોલકતા રેપ એન્ડ મર્ડર કેસના રેફરન્સથી વાત કરીએ તો મહિલાઓ માટે આરામ કરવા માટે પણ એક સલામત સ્થળ હોવું જોઈએ. પરંતુ આ બધું આજે પણ મહિલાઓને માગવું પડે છે. કારણ કે મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરવા જાય, એ પણ પોતાના જોખમે જાય છે આ બધી વસ્તુઓ આજે પણ સામાન્ય ગણવામાં આવતી નથી. મહિલાઓને પોતાના કામના સ્થળે પાયાની જરૂરિયાતો માંગવી પડે તે પુરૂષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓનું કામ કરવું કેટલું અસ્વીકાર્ય છે તે વાતને પ્રતિબિંબિત કરે છે.
હિંસા હંમેશા પાવરફુલ લોકોથી જ કરતા હોય છે. એટલે જ ઊંચા સ્થાનો પર બેઠેલા પાવરફૂલ લોકો આ પ્રકારના રિપોર્ટ બહાર ન આવવા દે. કારણ કે જો રિપોર્ટ બહાર આવે તો તેમના પર અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે. જો કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી બહેનોને સલામ છે કે તેમના અથાગ પ્રયત્નો પછી આ રિપોર્ટ બહાર તો આવ્યો. પરંતુ એવાં ઘણા બધાં રિપોર્ટ છે જે સરકારમાં સબમિટ થયા બાદ બહાર આવતા જ નથી. જેમ કે ગુજરાતમાં નલિયા દુષ્કર્મ કાંડનો જસ્ટિસ દવે કમિશનનો રિપોર્ટ બહાર લાવવા માટે અમારે ખુબ જ લડત કરવી પડી હતી. જસ્ટિસ માટેના પગલાં લેવા તે બહુ મોટી વાત છે, તો જ મહિલાઓ પોતાના સાથે થતાં અત્યાચારો વિશે બોલવા માટે આગળ આવશે. જો ન્યાય આપવામાં મોડું થાય તો પણ મહિલાઓ સાથે અન્યાય થવા બરાબર જ છે. બીજું કે આપણે રાજકોટના આટકોટ બળાત્કાર કેસમાં જોયું તેમ પીડિતાની ફરિયાદ બાદ પણ આરોપીઓને પકડવાના બદલે મહિલાના ચારિત્ર્ય ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. આથી જ મહિલાઓ પોતાની સાથે થતાં અત્યાચારો વિશે બોલવા માટે આગળ આવતી નથી. મહિલાઓ સાથે થતાં અત્યાચારોના કેસોને હંમેશા દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
એડજસ્ટમેન્ટની વાત તો આપણને ઘરમાંથી જ શીખવવામાં આવે છે. દીકરીઓને તો ગળથૂથીમાં જ આ વસ્તુ આપવામાં આવે છે. આથી જ્યારે વર્કપ્લેસમાં પણ મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવે છે ત્યારે તેઓ ચૂપ રહેવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આમ કરવાથી મહિલાઓ પોતાના જીવનને વધારે અઘરૂં બનાવે છે. બીજી વાત એ કે ક્યારેક એક મહિલા સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર થાય ત્યારે બીજી મહિલાઓ પણ તેને સાથ આપતી નથી. આથી મહિલાઓ એવું વિચારે છે કે જો મારે કામ કરવું છે તો મારે દરેક પરિસ્થિતિને એડજસ્ટ થઈને જ રહેવું પડશે. નહીં તો મારું કામ છૂટી જશે. બીજી વાત કે મહિલાઓ સાથે 90 % કેસોમાં જાતિય સતામણી ઘરના વ્યક્તિ, સગા-સંબંધીઓ અથવા તો ઓળખીતા લોકો દ્વારા જ થાય છે. આ 90 % કેસોમાંથી પણ 96% કેસો તો સામે જ આવતા નથી. માત્ર 4% મહિલાઓ પોતાની સાથે થયેલી જાતિય સતામણી વિશે ફરિયાદ કરે છે. આમ જે સ્ત્રી ઘરમાં જાતિય સતામણી સહન કરે છે, એ જ સ્ત્રી વર્ક પ્લેસ પર આવીને પણ બોલતી નથી.
આ અંગે તમારો કોઈ કેસ સ્ટડી હોય અથવા તો તમારા મંતવ્યો શું છે?
એન્જિનિયર થઈને કોલેજમાંથી નીકળેલ દીકરી મોટી કોર્પોરટ ઓફિસમાં ઈન્ટર્ન તરીકે જોડાય છે. તો ત્યાં તેના સાથી કર્મચારી તેને ફૉલો કરે છે, સ્ટૉક કરે છે, સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનવા અને ફૉલો બેક કરવા માટે પ્રેશર કરે છે. આ પ્રકારની સતામણીના કિસ્સા મળે છે. કોર્પોરેટ ઓફિસમાં ઈન્ટરનલ કમિટીમાં આ દીકરીઓ વાત કરી શકે નહીં. અમારી પાસે ઓફિસમાં વાત લઈને આવી, તો અમે તો કેસ દાખલ કરવા માટે જ કહીએ. તો એ દીકરીઓનું કહેવું હતું કે જો અમે લેખિતમાં ફરિયાદ કરીશું તો અમને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને પછી બીજી કોઈ કંપની અમને કામ પણ નહીં આપે. કારણ કે એ લોકોને અમે ટ્રબલ મેકર જેવા લાગીએ.
બીજી વાત કે વર્ક પ્લેસ પર જ્યારે મહિલા સાથે જાતિય સતામણી થાય તો બે પ્રકારના વર્ગ હોય છે. જેમાં પહેલાં વર્ગમાં ત્રીજા કે ચોથા વર્ગના કર્મચારી આવે. જો તેઓ સામેલ હોય તો તેમને તાત્કાલિક ધોરણે કામમાંથી છૂટા કરી દેવામાં આવે છે. પરંતુ જો જાતિય સતામણીના કેસમાં પહેલાં કે બીજા વર્ગના કર્મચારી સામેલ હોય તો તેમને સંસ્થા માટે ખુબ જ મહત્વના વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આથી પછી પીડિત મહિલાને કોઈપણ કારણ આપીને છૂટી કરવામાં આવે છે. પછી કહેવામાં આવે છે કે મહિલાએ ખોટી ફરિયાદ કરી હતી. આપણે ઘણી વખત સાંભળીએ છે કે મહિલાઓ ખોટી ફરિયાદો લખાવે છે. પરંતુ આવા કેસો ખુબ જ ઓછાં હોય છે. ખોટી ફરિયાદનું કારણ એ આપવામાં આ છે કે આરોપી વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ પુરાવા તો શોધો તો મળે ને. જો વગદાર વ્યક્તિ પોતાની વગનો ઉપયોગ કરે તો એવા કેસોમાં પુરાવા ન પણ મળે. આથી મહિલાની ફરિયાદ કેવી રીતે ખોટી થઈ જાય?
ગુજરાતમાં કામના સ્થળો પર મહિલાઓની સ્થિતિ કેવી?
ગુજરાતમાં વિમેન્સ એન્ડ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ બધી જ જગ્યાઓ પર સેન્સિટાઈઝેશન કાર્યક્રમો કરે છે. નેશનલ કમિશન ફોર વિમેન પણ કાર્યક્રમો કરે છે. જે ઓફિસોમાં 10 કે 10 કરતાં વધુ મહિલાઓ કામ કરતી હોય ત્યાં મહિલાઓ માટે સ્પેશિયલ સેલ પણ ઓફિસમાં જ હોય છે. પરંતુ મારે એ કહેવું છે કે રસ્તાઓ પર કામ કરતી મહિલા સફાઈ કર્મચારી કે પછી ખેત મજૂરી કરતી મહિલા છે, જો તેની સાથે કોઈપણ પ્રકારની જાતિય સતામણી થાય તો તે કોને ફરિયાદ કરવા માટે જાય. આ મહિલાઓને તો આવા વિષયોનું જ્ઞાન પણ હોતું નથી કે જો તેમની સાથે જાતિય સતામણી થાય તો તેમણે ક્યાં ફરિયાદ કરવી. જિલ્લા કક્ષાએ સરકાર દ્વારા જાતિય સતામણીના કેસો માટે લોકલ કમિટી બનાવેલી હોય છે. પરંતુ નાના કોઈ ગામમાં કામ કરતી કોઈ મહિલા સાથે જાતિય સતામણી થાય તો તે ફરિયાદ કરવા માટે જિલ્લા કક્ષાએ કેવી રીતે જાય? આથી દરેક મહિલા સુધી પહોંચી શકાય તે પ્રકારનું માળખું સરકાર દ્વારા તૈયાર કરવામાં આવવું જોઈએ.
(રાધિકા રાઓલ – અમદાવાદ)