ભારતના પ્રવાસન સ્થળો: સંસ્કૃતિ અને પ્રકૃતિનું અનોખું સંમિશ્રણ

25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. ઐતિહાસિક સ્મારકોથી લઈને દરિયા કિનારાઓ સુધી સ્થાપત્યોથી લઈને પ્રકૃતિના વૈભવ સુધી જોવા અને ફરવાલાયક એવા ઘણા સ્થળો છે, જે એને જોવાની ઉત્સુકતા વધારે છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ ભારત પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પોતાની આગવી વિવિધતાઓની સાથે ભારત અનેક રંગોમા રંગાયેલો છે. ભારતમાં જોવાલાયક સ્થળોની  યાદી આમ તો ઘણી લાંબી છે, પણ આજે આપણે કેટલાક એવા સ્થળોની વાત કરીશું જેની ખ્યાતના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે.

 

આગ્રા,પ્રેમનું પ્રતિક તાજમહલ

તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ ભારતીય પ્રવાસન સ્થળોની યાદીમાં તાજમહેલનું પ્રથમ નામ છે. સામાન્ય ભારતીય પ્રવાસીઓથી લઈને વિદેશથી આવતા રાજ્યોના વડાઓ પણ તાજમહેલની મુલાકાત લેવાનું ભુલતા નથી.

આગ્રામાં તાજમહેલ ઉપરાંત આગ્રાનો કિલ્લો, ફતેહપુર સીકરી, અકબરનો મકબરો, રામબાગ અને સિકંદરનો કિલ્લો પણ પ્રવાસીઓની પ્રથમ પસંદ છે. તાજમહેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તાજમહેલ વાર્ષિક 7 થી 8 મિલિયન પ્રવાસીઓને આકર્ષે છે, જેમાંથી 0.8 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ છે. મુમતાઝ માટે બાંધવામાં આવેલું આ સ્મારક સફેદ મર્મરથી ઝગમગે છે. પ્રવાસીઓ અહીં આવીને પ્રેમના શાશ્વત પ્રતિકમાં એક ક્ષણ વિતાવી પોતાના જીવનની યાદગાર પળો જીવે છે.

રાજસ્થાન,રાજપૂત શાન

ગોલ્ડન સેન્ડની ભૂમી તરીકે ઓળખાતુ જેસલમેર રાજસ્થાનમાં આવેલા પ્રવાસન સ્થળોમાંથી એક ઉત્તમ સ્થળ છે. જેસલમાર એના સમૃદ્ધ ઇતિહાસ અને બહાદુર રાજપૂત રાજાઓની દંતકથાઓ માટે પ્રખ્યાત છે. વિશાળ થાર રણ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. જેસલમેર ફોર્ટ, ભવ્ય સોનાર કિલ્લો, હવેલીઓ અને ઉત્કૃષ્ટ ભોજન અને રણમાં સફારીની સાથે રીતરિવાજો અને વારસાનો પુરતો સ્વાદ પ્રવાસીઓને મળે છે. જયારે જયપુર, પિંક સિટી તરીકે ઓળખાતું શહેર, શાહી હવેલીઓ અને કિલ્લાઓથી ભરપૂર છે. અહીંના અમેરિકિલ્લાના દ્વાર પરથી રાજપુતોની શૌર્યગાથા વર્ણવાઈ છે.

બીજી તરફ, ઉદયપુર તળાવોની નગરી છે, જ્યાં પિચોલા તળાવના પાણીમાં સૂર્યપ્રકાશ કિલ્લાઓને ઝળહળતો બનાવે છે. રાજસ્થાનના આ શહેરોમાં ભારતીય સંસ્કૃતિનો અહેસાસ થાય છે. રાજસ્થાનના દરેક શહેર સુંદરતા, ઐતિહાસિકતા, ભવ્યતા, શાહી શૈલી અને રજવાડા વારસો દર્શાવે છે. વિદેશી પ્રવાસીઓની વાત કરીએ તો અહીં મોટાભાગના પ્રવાસીઓ ફ્રાન્સ અને બ્રિટનથી આવે છે. પ્રવાસન વિભાગના આંકડા પ્રમાણે  વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં 13 કરોડથી વધુ પ્રવાસીઓ રાજસ્થાન આવ્યા હતા. 2022ની સરખામણીમાં 2023માં 4 ગણા વધુ પ્રવાસીઓ રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળની સુંદરતા ભારતીયોની સાથે વિદેશીઓને પણ આકર્ષે છે.

ગોવા, સમુદ્રકિનારો અને મોજમસ્તી

દેશના સૌથી નાના રાજ્યોમાંનું એક ગોવા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વિદેશમાં ઘણા બીચ અને સુંદર દરિયાઈ સ્થળો હશે, પરંતુ ગોવાની સુંદરતા કોઈ વિદેશી બીચથી ઓછી નથી. અહીંના સુંદર બીચ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના સી ફૂડ, નાઇટ લાઇફ પાર્ટી અને વોટર સ્પોર્ટ્સનો સ્વાદ માણવા પ્રવાસીઓ મનમુકીને પૈસા ખર્ચે છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 2021માં 22000 વિદેશીઓ ગોવામાં આવ્યા હતા, જ્યારે 2022માં આ સંખ્યા વધીને 1.75 લાખ થઈ ગઈ હતી. આ આંકડો એ સમયનો છે જ્યારે કોરોના સંક્રમણનો કહેર આખી દુનિયાને ડરાવી રહ્યો હતો. 2023-24માં એક અંદાજા પ્રમાણે 95 લાખથી વધારે વિદેશી પર્યટકોએ ગોવાની મુલાકાત લીધી હતી.

કાશ્મીર, પ્રકૃતિનું સ્વર્ગ

કાશ્મીર એના ભવ્ય કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીર હિમાલય અને પીર-પંજાલની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. અહીં આહ્લાદક સરોવરો, ફળોના સુંદર બગીચાઓ, ઘાસના વિશાળ મેદાનો અને પાઈનના મોટા મોટા વૃક્ષો પ્રવાસીઓના મનને મોહી લે છે. કાશ્મીરની સુંદરતા અને કુદરતી વાતાવરણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુલમર્ગ, દાલ તળાવ, પરી મહેલ, પહેલગામ અને નાગીન તળાવની મુલાકાત લઈ શકો છો. પ્રકૃતિપ્રેમીઓ માટે કાશ્મીર એક પરફેક્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન છે.

શિમલા, કુદરતી સૌંદર્ય

હિમાચલ પ્રદેશની રાજધાની અને ભારતનું સૌથી જાણીતું હીલસ્ટેશન એટલે શિમલા. શહેરની મધ્યમાં આવેલુ ટાઉન અને અહીંના ખુબસુરત દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વાઈસરેગલ લોજ, ક્રાઇસ્ટ ચર્ચ અને ગોર્ટન કેસલ શિમલાના ભવ્ય વારસાને દર્શાવે છે. અહીંના નાના રસ્તાઓ સમગ્ર શિયાળા દરમિયાન બરફથી ઘેરાયેલા રહે છે

લેહ-લદાખ, શાંતિમય સૌંદર્ય

લદાખના પેંગોંગ તળાવનું પાણી આકાશના વાદળોને પ્રતિબિંબિત કરે છે. નુબ્રા ખીણના રેતીલા તટ પર કૅમ્પિંગ કરવું એ જાણે સ્વર્ગિય અનુભવ છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત લેહ જમ્મુ કાશ્મિરના પુર્વીય ભાગમાં આવેલો છે. લદ્દાખ એના સુંદર તળાવ, બર્ફિલા પહાડ, હીમનદીઓ, ઠંડા પવનો અને રેતીના ઉંચા ટેકરાઓ માટે ખુબ પ્રખ્યાત છે. પેંગોંગ તળાવ, ત્સો મોરીરી તળાવ અને લેહ પેલેસ આ વિસ્તારમાં સૌથી જાણીતા સ્થળો છે. પ્રવાસીઓ અહીં રીવર રાફ્ટીંગથી લઈને પર્વતારોહણ અને ટ્રેકિંગ સુધીની ઘણી પ્રવૃત્તિઓની મજા માણતા હોય છે. જ્યારે મુસાફરો માટે બાઇક પર લદાખની સફર એ જીવનમાં એકવાર કરવા જેવો અનુભવ છે. અઢળક કુદરતી સૌંદર્યથી લદ્દાખ ટુરીઝમ ક્ષેત્રે પ્રખ્યાત છે.

ગંગટોક, મનોરમ્ય હીલસ્ટેશન

સિક્કીમના સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંનું એક અદભૂત અને નયનરમ્ય સ્થળ એટલે ગંગટોક. કંચનજંઘા શિખરના સુંદર દૃશ્યો, સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ રંગો અહીની મુખ્ય વિશિષ્ટતાઓ છે. ગંગટોકનો અર્થ થાય છે હીલટોપ. ગંગટોકની ગણતરી દેશના સૌથી મનોરમ્ય હીલસ્ટેશનમાં થાય છે .

કેરળ,તળાવો અને નદીઓની નગરી

કેરળ, જ્યાં પ્રકૃતિ સ્વયં ચાલે છે. અલેપ્પીના બેકવોટર્સમાં હાઉસબોટ પર સમય વિતાવવો એ પ્રવાસીઓ માટે ન ભૂલાય એવા અનુભવો છે. અહીંનો આયુર્વેદિક સ્પા માનવીના શરીર અને મનને તાજગી આપે છે. જ્યારે ગગનચુંબી પર્વતો અને સુંદર ચાના ખેતરો ધરાવતુ મુન્નાર દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનુ એક છે. શાંત સરોવરો, મોટા ડેમ અને લહેરાતા જંગલો જાણે મુન્નારની આકર્ષકતામાં અનેક ગણો વધારો કરે છે. આ આકર્ષક હાઇલેન્ડ સ્ટેશન, મેટુપેટ્ટી, પેરીઆવરુ અને નલ્લાથન્ની નદીના ત્રિકોણ પર સ્થિત છે.

વારાણસીધર્મ અને આસ્થા

વારાણસી, જ્યાં કાશી વિશ્વનાથ મંદિરના ઘંટ અને ગંગાના ઘાટો પરની આરતી મંત્રમુગ્ધ કરે છે. આ પવિત્ર નગરીમાં જીવન અને મૃત્યુનો અર્થ સમજાય છે. મુસાફરો અહીં આવે છે અને આધ્યાત્મિક શાંતિ શોધે છે. વારાણસી દેશનું સૌથી પવિત્ર અને ધાર્મિક કહેવાતુ શહેર છે, જેની મુલાકાત લીધા વિના ભારતનો પ્રવાસ અધુરો છે. વારાણસીનું હિંદુ ધર્મ માટે એક આગવું મહત્વ છે. હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી ગંગાનદીના કિનારે વસેલા શહેર વારાણસીને 5000 વર્ષથી પણ જૂનું માનવામા આવે છે. પવિત્ર ઘાટ, મંદિરો અને પૂજા-પાઠ માટે પ્રખ્યાત વારાણસી આધ્યાત્મિક પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે .

કચ્છનું રણ, ગુજરાતનું ગૌરવ

કચ્છનું રણ જાણે ગુજરાતનું ગૌરવ છે. કચ્છનું સફેદ રણ 7500 ચો.કિમીમાં ફેલાયેલું છે. ગુજરાતનું આ રણ પોતોના જેવું ભારતમાં એક માત્ર રણ છે. ભારતમાં કચ્છના સફેદ રણને જોવાલાયક પ્રવાસન સ્થળોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કચ્છમાં દર વર્ષે મનાવવામાં આવતો રણોત્સવએ વિશ્વભરના પ્રવાસીઓ માટે એક વિશિષ્ટ આકર્ષણ છે. આ ઉત્સવમાં સંગીત, નૃત્ય, કળાઓ, તેમજ સ્થાનિક હસ્તકલા અને પરંપરાઓનું પ્રદર્શન થાય છે. આ ઉત્સવનો લહાવો વિશ્વભરમાં ફેલાય છે અને અહીં ભવિષ્યવાદી નદીઓ, લોકકલા, પરંપરાઓ, વાણિજ્ય અને કુદરતના જીવનને એક સાથે જોવા માટે આવેલાં પ્રવાસીઓ માટે આકર્ષક સાબિત થાય છે.

હેતલ રાવ