ગુજરાતના ઐતિહાસિક વારસા અને બેનમુન કારીગરી, સ્થાપત્યનો નમુનો એટલે રાણકી વાવ. ગુજરાતમાં ઐતિહાસિક સ્થળોની વાત આવે ત્યારે પાટણ શહેરમાં આવેલી આ રાણકી વાવનો ઉલ્લેખ થાય જ.
અણહિલવાડ પાટણના સોલંકી વંશના મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચૂડાસમા વંશના રાજા રા’ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીની આસપાસ પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ કારણે એ રાણીની વાવ તરીકે પણ ઓળખાય છે.
વર્ષો પહેલાં સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાઇ ગયેલી માટીને બહાર કાઢી ઉત્ખનન કાર્યવાહી કરી. ભારે જહેમત અને માવજત બાદ ઘણા વર્ષો પછી લોકોથી અલિપ્ત રહેલી આ વાવ એના મૂળ સ્વરૂપમાં જાણે ફરી જીવંત થઇ.
રાણકી વાવનું મુખ પૂર્વ દિશા તરફનું છે. એ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. એટલે કે આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
વાવનો એક નાનો દરવાજો છે, જે સિધ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે, પણ ઇતિહાસવિદોના મતે આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. યુનેસ્કોએ આ વાવને વિશ્વની ધરોહરની ઉપાધિ આપી છે.
જગત આખાયમાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતની આ ઐતિહાસિક વાવને એના સ્થાપત્ય માટે અનેક અકરામો મળ્યા છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાત લઇ રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)