Opinion: ગુજરાત બજેટ 2025 વિષે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો શું છે અભિપ્રાય

ગુજરતનું વર્ષ 2025-26 માટે અંદાજ પત્ર તારીખ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું. રાજ્ય નણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત આ બજેટ રજૂ કર્યુ છે. ગુજરાત સરકાર દ્વારા 3.70 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું રજૂ કરવામાં આવ્યું છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનના GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન આ બજેટમાં કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

બજેટ 2025-26માં ખેડૂતો, મહિલા સહિત નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ઘણા સેક્ટરેને લાભ મળવાનો છે ત્યારે અલગ-અલગ વર્ગના લોકોએ આ બજેટને ખુલા મનથી આવકાર્યુ છે. આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણો અલગ-અલગ વર્ગના લોકો બજેટ પર શું પ્રતિક્રિયા આપી…

હિમાંશુ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, VCCI

“2025-26નું બજેટ સમાજના દરેક ક્ષેત્રના લોકો માટે સંતોષકારક આપવામાં આવ્યું છે. સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે આ બજેટમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્વચ્છ હવા માટેની પહેલો, આઈ.ટી.આઈ.માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ‘ઘરનું ઘર’ માટે સબસિડીમાં વધારો કરવાની જાહેરાતથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. વડોદરાની વાત કરીએ તો, સરકારે વર્કિંગ વિમન્સ હોસ્ટેલ, મેડિસિટી બનાવવાની અને એરપોર્ટના વિકાસ માટેની યોજના જાહેર કરી છે. ખાસ કરીને, કમિશનરેટ ઑફ સર્વિસીસની રચનાથી સેવા ક્ષેત્રને ફાયદો થશે. સરકારે આ બજેટમાં તમામ લોકોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રનો સમાવેશ કર્યો છે.”

અલિન્દા કશ્યપ, ફૅમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મૅનેજમેન્ટ વિભાગમાં અસ્થાયી સહાયક પ્રોફેસર, MSU

“વડોદરામાં વર્કિંગ વિમન્સ હોસ્ટેલ સ્થાપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ નિર્ણયથી અનેક મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થશે, જેઓ નોકરી માટે વિવિધ રાજ્યોમાંથી આવે છે. બીજું, તેમને યોગ્ય રેન્ટલ હાઉસિંગ મળશે, જે તેમને એક સમુદાય બનાવવામાં મદદ કરશે અને કોમ્યુનિકેશન સરળ બનાવશે. આ હોસ્ટેલથી તેઓ સરળતાથી ટાઈમ મેનેજમેન્ટ કરી શકશે અને તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે.”

 

દિનેશ નાવડીયા, રિજિઅનલ ચેરમેન, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ

“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26નું ચોથું બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું કુલ કદ 3 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું છે, જે ગયા વર્ષની તુલનામાં 21.8% વધુ છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને નાના ઘરો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત MSME હબ તરીકે વિકસી રહ્યું છે અને તેની પ્રગતિ માટે સરકાર દ્વારા ₹2 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. સંકલિત રીતે જોવામાં આવે તો, આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

વિરલ દેસાઈ, ઉદ્યોગકાર

“ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ખરેખર ઐતિહાસિક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. કુલ ₹3.70 લાખ કરોડના આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, મહિલા વિકાસ અને ખેડૂત કલ્યાણ જેવાં ક્ષેત્રો માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે. હું ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરું છું અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે અહીં પહેલીવાર ‘ક્લાઈમેટ ચેન્જ’ વિભાગની રચના કરવામાં આવી છે. આ બજેટમાં પર્યાવરણ અને હવામાન પરિવર્તન માટે ફાળવણી કરવામાં આવી છે, જે એક ઉત્તમ પગલું છે. હું આ ઐતિહાસિક બજેટ માટે સમગ્ર સરકારને અભિનંદન પાઠવું છું.”

પ્રદીપ જૈન, એડવોકેટ, અમદાવાદ

“જનસુખાકારી દ્વારા વિકસિત ગુજરાતનું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું છે. આ બજેટની અંદર ગુજરાતના તમામ શહેરીજનો, ગ્રામીણજનો અને આદિવાસીઓને, યુવાનો અને મહિલાઓને આવરી લેતું આ બજેટ છે. મુખ્ય જોગવાઈઓની જો વાત કરવામાં આવે તો એમાં, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપવામાં આવતી છૂટ છે. જેમાં અત્યાર સુધી ₹1 લાખ 20 હજારની સબસીડી આપવામાં આવતી હતી, તે વધારીને ₹1 લાખ 70 હજાર કરવામાં આવી છે. એટલે કે ₹50 હજારનો વધારો કરવામાં આવ્યો છે. આદિવાસી કલ્યાણ માટે આ વર્ષે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ₹30 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી. એના માધ્યમથી શિક્ષણ, રોજગારી અને લોકકલ્યાણના કામો થશે. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની જાહેરાત કરવામાં આવી. રાજ્યના સાગરકિનારાના વિસ્તારોને શહેરો સાથે જોડતો આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બનશે. કૃષિક્ષેત્ર માટે પણ લગભગ ₹1,612 કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. આવનારું ભવિષ્ય જે બાળકોમાં છે, એ બાળકોના પોષણ માટે પણ લગભગ ગત વર્ષના બજેટ કરતા 25% જેટલી માતબર રકમનો વધારો કરીને ₹8,460 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.”

નૌતમભાઇ બારસીયા, સેક્રેટરી, ચેમ્બર ઑફ કોમર્સ, રાજકોટ

“બજેટ સર્વાંગી વિકાસ કરનારું છે. ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ ખનીજ ક્ષેત્રે ₹11,706 કરોડથી વધુની રકમની ફાળવણી તેમજ સ્ટાર્ટઅપ માટે ₹3,600 કરોડથી વધુની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. જેને પરિણામે ખાસ કરીને રાજકોટના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને ખૂબ મોટો લાભ આ બજેટમાં થવાનો છે તેમ ચોક્કસ કહી શકાય. આજના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળકો, યુવાનો તમામ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે આ બજેટ સર્વાંગી વિકાસ કરનારું સાબિત થશે. આ બજેટ વિકાસની નવી ઊંચાઈએ લઈ જશે.”

 

 

રોનક ચિરિપાલ, પ્રમોટર, ચિરિપાલ ગ્રૂપ

“ગુજરાત બજેટ 2025-2026 ટેક્સટાઇલ સેક્ટર અને એમ.એસ.એમ.ઈ.ને સુદ્રઢ બનાવશે છે. જે રોજગારી અને આર્થિક વિકાસના મુખ્ય ચાલકબળો છે. ગુજરાત ટેક્સટાઇલ પૉલિસી હેઠળ રૂ. 2,000 કરોડની જોગવાઈ તથા આ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 3,600 કરોડની ફાળવણી બિઝનેસની સ્પર્ધાત્મકતાને વધારશે, રોકાણને આકર્ષશે અને રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પી.એમ. મિત્ર પાર્ક હેઠળ નવસારીમાં રૉ વૉટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે રૂ. 300 કરોડની સહાય એ આ સેક્ટર માટે સુદ્રઢ આંતરમાળખાનું નિર્માણ કરવા બીજું એક આવકારદાયક પગલું છે. આ પગલાં અગ્રણી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.

ડૉ. જૈનીક વકિલ, ચેરમેન, ડાયરેક્ટર ટેક્સ કમિટી, GCCI

“ગુજરાત બજેટમાં હોમ લોન ધારકો અને નાના ઉદ્યોગસાહસિકો પાસેથી હાલમાં 1 કરોડ સુધીની લોન રકમ માટે ‘મોર્ટગેજ ડીડી’ પર 0.25%ના દરે મહત્તમ 25000 રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે, જે ઘટાડીને 5000 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વર્ષથી ઓછા સમયગાળાના લીઝ ડીડી પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવે છે. જેના બદલ હવે રહેણાંક મિલકતો માટે 500 રૂપિયા અને કોમર્શિયલ મિલકતો માટે 1,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવશે. વધુમાં, મોર્ટગેજ ડીડીની નોંધણી, મોર્ટગેજ ડીડીની પુનઃપ્રાપ્તિ, લીઝ ડીડી વગેરે માટે ઈ-રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આનાથી સબ રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લેવાની જરૂરિયાત ટાળી શકાશે. જેનાથી નાગરિકો અને નાના વેપારીઓનો સમય અને શક્તિનો બચાવ થશે. આ વર્ષે બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. આ સંસ્થા સુવ્યવસ્થિત માનવ સંસાધનો અને નવી ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતામાં સુધારો કરીને સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં સુધારો કરવાનું કાર્ય કરશે.”

(તેજસ રાજપરા, અમદાવાદ)