વડનગરનો અમૂલ્ય આંબાઘાટ

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગરમાં પુરાતત્વ વિભાગને અકલ્પનિય અનુભવો થયા. હિંદુ, જૈન, બૌધ્ધ સંસ્ક઼તિ સાથે અનેક રાજા, મહારાજાના સમયના અવશેષો જુદા જુદા સ્થળોએથી ખોદકામ દરમિયાન મળી રહ્યા છે.  થોડા સમય પહેલાં જ આધુનિક સાધન સામગ્રી સાથે અનંત અનાદિ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું.

આ નવનિર્મિત આર્કિયોલોજિકલ મ્યુઝિયમની અંદરથી જ પુરાતત્વ વિભાગના એક  ઉત્ખનન સ્થળની મુલાકાત લઇ શકાય એવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સૌથી મહત્વની બાબત એ છે કે શર્મિષ્ઠા તળાવના કિનારે આવેલા આ આંબાઘાટના ખોદકામ દરમિયાન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને સૌથી વધારે ઐતિહાસિક, પૌરાણિક ચીજ વસ્તુઓ મળી હતી.

વડનગર ઐતિહાસક અને પૌરાણિક છે. પરંતુ અત્યાર સુધીમાં પુરાત્વ વિભાગ દ્વારા જે ખોદકામ થયું. એ કામગીરીમાં જે સદીઓ જુના પૌરાણિક અવશેષો મળ્યા એ આંબાઘાટ પાસેથી મળ્યા હતા. આંબાઘાટ પાસે એક મીટરથી માંડી એકવીસ મીટર સુધીનું ખોદકામ કરવામાં આવ્યું. એ ખોદકામ દરમિયાન સૌથી વધારે સિક્કા, કોડીઓ જેવી અનેક ચીજ વસ્તુઓ પુરાતત્વ વિભાગને મળી આવી. ઉત્ખનન વખતે મળેલી આ વસ્તુઓને મ્યુઝિયમમાં મુકવામાં આવી છે. એક સમયે આંબાથી ઘેરાયેલા ઘાટને પુરાતત્વ વિભાગે આધુનિક સાધનોથી જાળવણી કરી છે. આ સાથે અનોખા આધુનિક સંગ્રહાલયમાંથી સીધા જ સાઇટ પર જઇ શકાય છે. જ્યાંથી તળાવ, તારંગા બાજુનો વિસ્તાર અને આખાય નગરનો નજારો માણી શકાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)