ધોળકા પંથકના પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાયમાં એક નવી કેડી કંડારી છે, જે ન માત્ર તેમના માટે આર્થિક સમૃદ્ધિ લાવી છે, પરંતુ અનેક અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની છે. ટેક્નિકલ પદ્ધતિ અને આધુનિક કૃષિ વિચારસરણીના સંયોજનથી તેઓ મરચાં, ટમેટાં, રીંગણ અને ગલગોટાના ફૂલ જેવાં પાકો માટે ગુણવત્તાયુક્ત રોપાનું ઉત્પાદન કરી રહ્યા છે — એ પણ જમીન ભાડે લઈને! આ રોપાને લેવાં માટે ધોળખા પંથકની આસપાસના ગામડાંઓના ખેડૂતો મોટી સંખ્યામાં આવતા હોય છે.
આઠ પાસ ઈશ્વરભા (ચીકાભાઈ) મૂળ તો ખેડા જિલ્લાના રઢુ ગામના રહેવાસી. નાના પાયે ખેતી કરતા હતા ગામમાં, ત્યાં જ તેમણે રોપા માટેની નર્સરી શરૂ કરી હતી. પરંતુ ધોળકાના આસપાસના ગામોના ખેડૂતોની માગને જોતાં તેઓએ ધોળકામાં નર્સરી શરૂ કરી. વર્ષ 2012-13માં ઈશ્વરભાઈએ તેમના ગામમાં માત્ર બે પડકી ટામેટાંનું બિયારણ નાખીને તેનાં છોડ તૈયાર કરીને કરી હતી. 2017માં તેમણે ધોળકાની અંદર નર્સરીની શરૂઆત કરી. અત્યારે ધોળકા અને તેની આસપાસના લગભગ 50થી 60 ગામના ખેડૂતો ઈશ્વરભાઈ પાસેથી રોપા લઈ જાય છે.
હાલમાં ટામેટા, મરચી, રીંગણ જેવા શાકભાજીના બીજ વાવવાને બદલે ખેડૂતો સીધા જ તેના નાના છોડને રોપીને શાકભાજીનું વાવેતર કરતા હોય છે. બીજ દ્વારા શાકભાજી ઉગાડવામાં ઘણીવાર ખેડૂતોને નુક્સાન થતું હોય છે. કારણ કે લગભગ ૪૦% જેટલા બીજનું જર્મીનેશન થતું નથી, એટલે કે બીજમાંથી છોડ ઉગતા નથી. તેથી ખેડૂતો નર્સરીમાં ઉગાડેલા છોડને લાવી ખેતરમાં રોપીને મબલખ પાક મેળવતા હોય છે. શાકભાજીના આ પ્રકારના વાવેતર માટે ધરુ (નાના છોડ) ઉગાડતી નર્સરીની જરૂર પડે છે. ધોળકા અને તેની આસપાસના પંથકમાં ઈશ્વરભાઈની નર્સરી ખેડૂતોમાં લોકપ્રિય છે.
ઈશ્વરભાઈની સફળતા પાછળ તેમનો એક માત્ર વિચાર રહેલો છે કે, ખેડૂત દેવો ભવઃ. આ વિશે તેમનું કહેવું છે કે, હું માત્રને માત્ર સારી ગુણવત્તાવાળું જ ધરૂ આપે છે, જેના કારણે ખેડૂતો વારંવાર મારી પાસે આવે છે. મને ઘણી વખત ઓછી ગુણવત્તાવળું બિયારણ આપવા માટે પણ લોકો આવતા હોય છે. પણ હું ક્યારેય તેનો સ્વીકાર કરતો નથી. કારણ કે ખેતીમાં ખેડૂતોની મહેનત, પરસેવા સાથે તેમનો જીવ પણ ખેતરમાં રેડાય જાય છે. ત્યારે ખેડૂતોને નુક્સાન થાય તેવું કોઈ કામ હું કરતો નથી. સ્ટાન્ડર્ડ, આંતરરાષ્ટ્રીય કંપનીનું જ બિયારણ હું વાપરું છું. મારા જીવનનો એક જ મંત્ર છે કે ખેડૂત ખુશ તો હું ખુશ છું. ખેડૂતનો સંતોષ એ જ મારો નફો અને ખેડૂતનો પ્રેમ એ જ મારી પ્રગતિ.
ઈશ્વરભાઈની આ સફળતા પાછળ તેમના અભિગમની સાથે-સાથે બે દીકરાનો સપોર્ટ પણ એટલો જ મહત્વનો રહ્યો છે. મોટા દીકરા શૈલેષભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયર છે, જ્યારે નાના દીકરા મેહુલભાઈ સિવિલ એન્જિનિયર છે. બન્ને જણ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ આજે પિતાની સાથે તેમના વ્યવસાયમાં જોડાયા છે. બન્ને દીકરાઓના ભણતરનું જ્ઞાન આજે ઈશ્વરભાઈને તેમના વ્યવસાયમાં મદદ કરે છે. ઈશ્વરભાઈનું આ વિશે કહેવું છે કે, હું તો સામાન્ય ખેડૂતની જેમ બે કે પાંચ પડકી બિયારણ જમીન પર નાખીને ધરૂ તૈયાર કરતો હતો. આજે દીકરાઓની દીર્ઘ દ્રષ્ટિને કાણે ધરૂનું વાવેતર ટ્રેમાં કરવાનું શરૂ કર્યું છે. ધરુને એક સ્થળેથી બીજે સ્થળે, ખાસ કરીને દૂરના અંતરે, સુરક્ષિત રીતે પહોંચાડવા એ એક મોટો પડકાર હતો. આ સમસ્યાના નિરાકરણ માટે આ ખાસ પ્રકારના સ્ટ્રે(ટ્રે) અને મજબૂત પ્લાસ્ટિકના કેરેટ બનાવડાવ્યા. આ વ્યવસ્થાને કારણે રોપાઓ તૂટ્યા વિના કે નુકસાન પામ્યા વગર લાંબા અંતર સુધી અમે અત્યારે ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ. ઈશ્વરભાઈ અને તેમના દીકરાઓ માટીને બદલે કોકોપીટ અને વર્મિક્યુલાઈટમાં શાકભાજીના બીજ વાવી, માટીજન્યરોગથી મુક્ત એવા છોડ ઉછેર્યા છે, જેથી ખેડૂતો તેમના ખેતરમાં આ છોડ વાવી શાકભાજીનો મબલખ પાક લઇ રહ્યા છે. કોકોપીટ સૂકા નારિયેળના છોતરામાંથી બને છે. વર્મિક્યુલાઈટ છોડને પોષક તત્વ પૂરાં પાડે છે.
ઈશ્વરભાઈને બાગાયત ખાતા અને ગુજરાત સરકારમાંથી પણ ઘણી સહાય મળી છે. બાગાયત ખાતા દ્વારા આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી તેમને આપવામાં આવી છે. આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા વધરાળ ખાતે આયોજિત વિશેષ તાલીમમાં ભાગ લઈને તેમણે ધરુ ઉછેરની આધુનિક પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને વ્યવસાય વ્યવસ્થાપન અંગેનું જ્ઞાન મેળવ્યું. આ તાલીમ અને સરકારી સહાય થકી તેઓ પોતાના વ્યવસાયને આટલા મોટા પાયે વિકસાવી શક્યા છે.
રોપાની ગુણવત્તાને કારણે આજે ઈશ્વરભાઈના ધરુ માત્ર ધોળકા પૂરતા સીમિત ન રહેતાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોંચ્યા છે. તેઓ વાર્ષિક ધોરણે આશરે ૪૦ થી ૫૦ લાખ જેટલા રોપા ઉછેરીને ખેડૂતોને પૂરા પાડે છે. આ રોપાઓના વેચાણ થકી તેઓ વર્ષે અંદાજે ૬૦થી ૭૦ લાખ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરે છે, જે તેમની મહેનત અને કુશળતાનું પ્રમાણ છે. ઈશ્વરભાઈ કોળી પટેલની કહાણી દર્શાવે છે કે ખેતીમાં યોગ્ય આયોજન, નવીનતા અને સરકારી યોજનાઓનો લાભ લઈને નોંધપાત્ર સફળતા મેળવી શકાય છે. તેઓ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
