ભારતની હોળી અને ધૂળેટીની જેમ જ વિશ્વના અનેક દેશોમાં રંગો અને અદભૂત ઉમંગ સાથે અનોખા પર્વોની ઉજવણી કરવામાં આવે છે.
ભલે દરેક દેશની ભૌગોલિક સીમાઓ અને સંસ્કૃતિઓ અલગ હોય, પરંતુ આનંદ વ્યક્ત કરવાની રીત અને ભાઈચારાનો સંદેશ દરેક ઠેકાણે એકસમાન જોવા મળે છે.
વિશ્વના વિવિધ ખૂણે વસતા લોકો પોતાની અનોખી પરંપરાઓ દ્વારા ઉલ્લાસની જે રીતે અભિવ્યક્તિ કરે છે તેમાં ક્યાંકને ક્યાંક ભારતની હોળી-ધૂળેટીના રંગોની ઝલક જોવા મળે છે.
આવો જાણીએ, વિશ્વના પાંચ એવા આંતરરાષ્ટ્રીય તહેવારો વિશે જે પોતાની અનોખી લાક્ષણિકતાઓ માટે દુનિયાભરમાં જાણીતા છે.
સોંગક્રાન- થાઈલેન્ડ

થાઈલેન્ડમાં ઉજવાતો આ તહેવાર આપણા ધૂળેટીના પર્વ જેવો જ છે, જે ત્યાંના પરંપરાગત નવા વર્ષની ઉજવણી રૂપે દર વર્ષે 13થી15 એપ્રિલ દરમિયાન સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. આ દિવસોમાં આખું થાઈલેન્ડ એક વિશાળ ‘વોટર ફાઈટ’માં ફેરવાઈ જાય છે, જ્યાં લોકો પિચકારીઓ, ડોલ અને પાણીની પાઈપો લઈને રસ્તાઓ પર ઉતરી આવે છે અને એકબીજા પર પાણી છાંટીને આનંદ માણે છે. આ પરંપરા પાછળનો મુખ્ય હેતુ પાછલા વર્ષની અશુદ્ધિઓ, દુર્ભાગ્ય અને પાપોને ધોઈ નાખીને નવા વર્ષમાં પવિત્રતા અને શુદ્ધ મન સાથે પ્રવેશ કરવાનો છે.
લા ટોમેટિના – સ્પેન

સ્પેનના બુનોલ શહેરમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે આ વિશ્વપ્રસિદ્ધ ‘ફૂડ ફાઈટ’ ઉત્સવ ઉજવાય છે. આ તહેવારની શરૂઆત 1945માં થયેલી એક નાની લડાઈમાંથી થઈ હતી, જે આજે એક મોટી પરંપરા બની ગઈ છે. આશરે એક કલાક સુધી ચાલતી આ મસ્તીમાં હજારો ટન પાકા ટામેટાંનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લોકો એકબીજા પર ટામેટાં ફેંકીને આખું શહેર લાલ રંગમાં રંગી દે છે.
ઈવ્રિયા ઓરેન્જ ફેસ્ટિવલ- ઈટાલી

ઈટાલીના ઉત્તરી શહેર ઈવ્રિયામાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ‘બેટલ ઓફ ધ ઓરેન્જિસ’ ખેલાય છે. આ ઉત્સવ 12મી સદીના એક અત્યાચારી શાસક વિરુદ્ધ સામાન્ય પ્રજાએ કરેલા બળવાની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં નવ અલગ-અલગ ટુકડીઓ પાડવામાં આવે છે, જેઓ રથ પર સવાર સૈનિકો પર હજારો કિલો સંતરાનો મારો ચલાવે છે, જે જુલમ સામે આઝાદી અને પ્રજાના વિજયનું પ્રતીક મનાય છે.
હોલી વન – જર્મની અને દક્ષિણ આફ્રિકા

ભારતની હોળીથી પ્રેરિત થઈને જર્મની અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ઉનાળા દરમિયાન ‘હોલી વન’ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ કોઈ ધાર્મિક પર્વ નથી, પરંતુ એ રંગો દ્વારા સમાનતા અને શાંતિનો સંદેશ ફેલાવે છે. અહીં લોકો સફેદ કપડાં પહેરીને મ્યુઝિકના તાલે ઝૂમે છે અને એક સાથે હવામાં રંગીન ગુલાલ ઉડાડીને ભાઈચારાની ઉજવણી કરે છે.
બોરિયોંગ મડ ફેસ્ટિવલ – દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયાના બોરિયોંગ શહેરમાં દર વર્ષે જુલાઈ મહિનામાં આ અનોખો તહેવાર ઉજવાય છે. 1998માં સ્થાનિક કાદવમાં રહેલા ઔષધીય અને મિનરલ્સના ગુણોનો પ્રચાર કરવા માટે આની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉત્સવમાં લોકો રંગોને બદલે કાદવમાં કુસ્તી કરે છે, મડ સ્લાઈડિંગનો આનંદ માણે છે અને કાદવથી સ્નાન કરે છે, જે ત્વચાની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
હેતલ રાવ




