ઋત્વાના લગ્નને પાંચ મહિના થયા હતા. એક દિવસ એ એની સાસુ કાવ્યાબેન સાથે રસોડામાં કામ કરી રહી હતી. કામ દરમિયાન ઋત્વાએ મીઠું લેવા માટે હાથ લંબાવ્યો અને એની પીઠમાં દુઃખાવો થયો, વેદનાથી એની ચીસ નીકળી ગઈ. કાવ્યાબેને તરત જ ઋત્વાને પાસે બેસાડીને પૂછ્યું, શું થયું બેટા? ઋત્વાએ દુઃખદ સ્વરમાં કહ્યું, મમ્મી, છેલ્લા કેટલાક દિવસોથી પીઠ અને ખભામાં દુખાવો રહે છે. દિવસભર થાક લાગે છે અને ગળામાં તાણ પણ થાય છે.
કાવ્યાબેને હળવા હસીને કહ્યું, બેટા, તું યોગ્ય સાઈઝના આંતર વસ્ત્ર (બ્રા) પહેરે છે કે નહીં એ ચેક કર્યું છે?
ઋત્વા એકદમ ચોંકી ગઈ. મમ્મી, આંતર વસ્ત્ર સાથે આનું શું સંબંધ? સંબંધ છે, અને ઘણો મહત્વનો છે! કાવ્યાબેને સમજાવવાનું શરૂ કર્યું. મહિલાઓ માટે યોગ્ય સાઈઝની બ્રા એટલી જ મહત્વની છે, જેટલું પોષણયુક્ત ભોજન કે વ્યાયામ. ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પીઠ, ખભા અને ગળાનો દુઃખાવો થવાની શક્યતા રહે છે. જો એ વધારે ફીટ હોય તો ત્વચામાં ઘર્ષણ અને લાલચટ્ટા થઈ શકે, અને જો વધારે ઢીલી હોય તો પીઠ અને છાતીના સ્નાયુઓ પર દબાણ પડે. આ વાત સાંભળીને ઋત્વાએ તરત જ પોતાન આંતર વસ્ત્રની સાઈઝ બદલી, થોડા સમયમાં એની દરેક તકલીફ દૂર થઈ ગઈ.
આ આંતર વસ્ત્ર એટલે કે બ્રા એ શબ્દ જાહેરમાં નથી બોલાતો એટલે આ વિષય વિશે આપણે ત્યાં ચર્ચા ઓછી થાય છે. અરે, મહિલાઓ એ લેવા માટે દુકાને જાય ત્યારે પણ ખૂબ જ સંકોચ સાથે ખરીદી કરે છે. મોટા શહેરોમાં કદાચ મહિલાઓ આ બાબતે છુટથી બોલતી હોય, પરંતુ ભારતમાં 70 ટકા મહિલાઓ આજે પણ બ્રાની ખરીદી પર મૌન સેવે છે. કલર, કાપડ અને ડિઝાઈન પસંદ આવે એટલે બ્રા લઈ લેવામાં આવે છે, પરંતુ એની પરફેક્ટ સાઈઝની ચર્ચા નથી કરવામાં આવતી. ખુલીને તો નહીં જ.
કદાચ આ જ કારણસર આજે પણ 80 ટકા મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે. કદાચ એ પોતે પણ આનાથી અજાણ છે. જેના કારણે અનેક પ્રકારની શારિરીક સમસ્યાઓથી મહિલા પીડાય છે. બ્રા માટે યોગ્ય માપ હોય એ વાતને મહિલાઓ માટે સ્વીકારવી પણ શક્ય નથી. પરંતુ હવે એ સમય આવી ગયો છે, બ્રાની પસંદગી, માપ, યોગ્ય ફિટિંગ, અને અયોગ્ય આંતર વસ્ત્ર પહેરવાના કારણે થતી સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો.
તો ચાલો જાણીએ આંતર વસ્ત્રો સાથે જોડાયેલી મહત્વની વાતો..
એક સરવે પ્રમાણે લગભગ 89 ટકા મહિલાઓ યોગ્ય માપના આંતર વસ્ત્રો પહેરતી નથી. જો એના સ્ટ્રેપને કારણે ખભા પર ફોલ્લી થાય, અથવા આંતર વસ્ત્રોના કારણે અન્ડર બસ્ટ પર બળતરા થાય તો કદાચ એ તમામ મહિલાઓનો સમાવેશ 89 ટકા મહિલાઓમાં થાય છે. દરેક સ્ત્રી અલગ હોય છે, એના બ્રેસ્ટનું કદ પણ અલગ હોય છે. માટે બ્રાનું યોગ્ય માપ જાણવું ખુબજ જરૂરકી છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જાણીતા તજજ્ઞ નફીસા ગુગરમાન કહે છે કે, “મહિલાઓ માટે યોગ્ય બ્રાની પસંદગી આરોગ્ય માટે એટલી જ મહત્વપૂર્ણ છે, જેટલી અન્ય વ્યક્તિગત અને આરોગ્યવર્ધક આદતો. અનેક વખત મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે અને એનો પ્રભાવ વર્ષો પછી દેખાય છે. મારા ક્લિનિકમાં આવી અનેક મહિલાઓ આવે છે, જેમને લાંબા સમયથી ચાલતા પીઠદુખાવાનું કારણ સમજાતું ન હોય, પણ તપાસ કર્યા પછી ખબર પડે કે તેઓ ખોટી સાઈઝની બ્રા પહેરી રહ્યા છે. ખાસ કરીને મોટો બસ્ટ સાઈઝ ધરાવતી મહિલાઓ માટે યોગ્ય સપોર્ટવાળી બ્રા પહેરવી અત્યંત જરૂરી છે. હવે સમય આવી ગયો છે કે તમે ચાર્ટ પ્રમાણે તમારા કદ પ્રમાણે આંતર વસ્ત્ર પહેરો. જો કે આપણા સમાજમાં આજે પણ બ્રાને માત્ર અંદર પહેરવાનું સામાન્ય વસ્ત્ર માનવામાં આવે છે, ઘણી જગ્યાએ તો એના માટે વધારે પૈસા ન ખર્ચાય એવી પણ ચર્ચાઓ થતી હોય છે. આ વિશે ચર્ચા કરવી જોઈએ, સાથે જ પોતાની રીતે પોતાની બ્રાનું યોગ્ય માપ નીકાળી એ પ્રમાણે જ એને પહેરવી જોઈએ. મહિલાઓના અનેક પ્રોબ્લમનું સોલ્યુશન એ રીતે આવી જશે.”
કપ અને બેન્ડનું કદ કેવી રીતે શોધી શકાય?
સામાન્ય રીતે પહેલા બેન્ડના કદને માપો. જેમ કે 30, 32, 34 ઇંચની બેન્ડ સાઇઝની બ્રા સૌથી સામાન્ય છે. બ્રાની યોગ્ય સાઇઝ પસંદ કરવા માટે સૌથી પ્રથમ રીપ એટલે પાંસળીની આસપાસનું માપ લેવું. આ ભાગ બ્રેસ્ટના મણકાની નીચે હોય છે. જો રીપનું માપ 26 ઇંચ હોય, તો એમાં 4 ઇંચ ઉમેરવું પડશે, અને જો 25 ઇંચ હોય, તો એમાં 5 ઇંચ ઉમેરવું પડશે. આ રીતે, 26 ઇંચ + 4 = 30 બેન્ડ સાઇઝ મળશે. પછી, રેબ એટલે બ્રેસ્ટના સૌથી અગ્રણી ભાગને માપવું પડશે. બેન્ડ સાઇઝ અને બ્રેસ્ટ સાઇઝ વચ્ચેનો તફાવત 2 ઇંચ હોય, તો A અથવા B કપની બ્રા પહેરવી. જો 3 ઇંચ હોય, તો C કપ, 4 ઇંચ હોય, તો D કપ આ પ્રમાણે કદ વધતું જશે. આ રીતે, બેન્ડ સાઇઝ અને બ્રેસ્ટ સાઇઝ વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને, જરૂરિયાત પ્રમાણે યોગ્ય બ્રા પસંદ કરી શકા છે.
અન્ય રીતે સમજીએ તો બ્રેસ્ટની નીચે કપડા માપવાની ટેપ લપેટો જેથી ટેપનો છેડો બ્રેસ્ટના નીચે થઈ પીઠ પરથી થઈને પરસ્પર મળે. હવે ટેપ પર જેટલો નંબર આવે એમાં 5 એડ કરો. ઉદાહરણ તરીકે જો બ્રેસ્ટના ટેપનું માપ 27 છે તો એમાં એમાં +5 કરો, તો 32 થશે એટલેકે તમારી બ્રાની સાઈઝ 32 છે. હવે વાત કરીએ કપ સાઈઝ માપવાની તો એમાં બ્રેસ્ટનો સૌથી મોટો કે બ્રેસ્ટના સૌથી વધુ ઉભાર વાળા ભાગનું માપ લેવું, જેને બસ્ટલાઈન કહે છે. એનું માપ લેતા સમયે હાથ એકદમ નીચે હોવો જોઈએ. બસ્ટલાઈનનું માપ બ્રા ચેસ્ટ સાઈજ માપથી વધારે હશે. તમારા બ્રા ચેસ્ટ સાઈજ માપ અને બસ્ટલાઈનની માપનું અંતર જ કપ સાઈજ છે.
યોગ્ય માપના આંતર વસ્ત્ર ન પહેરવાથી થાય છે આ સમસ્યા યોગ્ય સાઈઝની બ્રા પહેરવામાં ન આવે તો, મહિલાઓ અને યુવતીઓને શારીરિક તેમજ આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પીઠ અને ગળાના દુઃખાવોઃ બહુ ટાઇટ અથવા ઢીલી બ્રા ઓછા સપોર્ટ આપે છે, જેનાથી પીઠ અને ગળાની નસોને તાણ પડે છે. ખાસ કરીને જે મહિલાઓની બ્રેસ્ટ સાઈઝ વધારે હોય એ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ખભાના અને છાતીના દુઃખાવોઃ ખોટી સાઈઝની બ્રા પહેરવાથી છાતી પર વધુ દબાણ પડે છે, જેનાથી દર્દ અને અનકમ્ફર્ટ અનુભવાય છે. સ્ટ્રેપ બહુ ટાઇટ હોય તો ખભા પર લાલચટ્ટા અને દુઃખાવો થઈ શકે. ગર્ભાશય અને હોર્મોનલ અસરોઃ ખોટી સાઈઝની બ્રા લાંબા સમય સુધી પહેરવાથી લીમ્ફેટિક ડ્રેનેજ ખોરવાય છે, જેના કારણે છાતીમાં ગાંઠ અથવા સોજો થઈ શકે. હોર્મોનલ અસરો પણ થઈ શકે છે, જેનાથી ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે. ચામડીના સંક્રમણ અને ઈરિટેશનઃ બહુ તંગ બ્રા પહેરવાથી ગળા અને છાતીના આજુબાજુ ઘર્ષણ થવાથી ખંજવાળ, ફંગસ અથવા અન્ય ત્વચા સંક્રમણ થઈ શકે. ગરમ હવામાનમાં કે પરસેવો આવતો હોય ત્યારે આ સમસ્યા વધુ ઉગ્ર બને છે. શ્વાસ લેવામાં તકલીફઃ ટૂંકી અને કસી ગયેલી બ્રા ફેફસાંના વિસ્તરણને અવરોધે છે, જેનાથી ઊંડો શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે. લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ અને થાક અનુભવાય છે. શરીરની પોઝિશન પર અસરઃ ખોટી સાઈઝની બ્રા પેહરવાથી પીઠ વાળવી પડે છે અથવા ખભા આગળ ઝૂકવા લાગે છે, જેનાથી લંબાગો (લોવર બેક પેઈન) થઈ શકે. શારીરિક હાવભાવ બગડે છે, જે લાંબા ગાળે હાડકાંની સમસ્યાઓ તરફ દોરી જાય. ભવિષ્યમાં બ્રેસ્ટ પર અસરઃ સતત ખોટી સાઈઝની બ્રા પહેરવાથી છાતીનો આકાર બદલાઈ શકે છે અથવા એ નેચરલ ફોર્મ ગુમાવી શકે. અમુક મહિલાઓમાં બ્રેસ્ટ સમય પહેલા ઢીલી પડી જવાની શક્યતા રહે છે. |
કપનું સૌથી નાનું કદ શું છે?
જો તમારી બ્રાની સાઈઝ 30થી શરૂ થાય છે, તો એ મુજબ AA કપ યોગ્ય હોઈ શકે છે. આ સૌથી નાની સાઈઝ છે અને આમાં બેન્ડ એટલે કે રીપની સાઈઝ 30 છે. અને કપ એટલે કે બ્રેસ્ટનું કદ AA છે. જેમ જેમ શરીરની ચરબી અને બ્રેસ્ટનું કદ વધે છે, એમ કપનું કદ પણ વધે છે. ધારો કે બેન્ડનું કદ 31 છે અને કપનું કદ એનાથી 4 ઇંચ વધુ છે, તો 32, A આંતર વસ્ત્ર એ સાઈઝ માટે યોગ્ય રહેશે. આ માટે, કોઈ નિષ્ણાતની મદદ પણ લઈ શકાય છે. આંતર વસ્ત્રની સાચી કપ સાઈઝ કેવી રીતે માપવી એ પણ જાણી શકાય છે.
આંતર વસ્ત્રના કદ A, B, C, D, E નો અર્થ શું છે?
મોટાભાગની મહિલાઓ આને લઈને મૂંઝવણમાં હોય છે, એ સમજી શકતી નથી કે એમના કપનું કદ શું હોઈ શકે છે. હકીકતમાં બ્રા કપનું કદ બ્રેસ્ટ ગોળાકાર આકારના કદના માપ પ્રમાણે હોય છે. જો કોઈના બ્રેસ્ટ મોટી હોય તો એને D,E,F જેવા કદ પણ પસંદ કરી શકે છે. અને જો કોઈની બ્રેસ્ટ સાઈઝ નાની હોઈ તો એ A,B,C જેવા કદ પસંદ કરી શકે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્રેસ્ટ એપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. શુભા સિંહા કહે છે કે, “ખોટી બ્રા પહેરવાથી પીઠ અને ગળાનો દુખાવો, ત્વચા પર ઘર્ષણ અને બ્રેસ્ટના આકાર સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.” મહિલાઓએ ન માત્ર ફેશન માટે, પણ આરોગ્ય માટે યોગ્ય આંતરવસ્ત્ર પસંદ કરવું જોઈએ. દર બે-ત્રણ વર્ષે બ્રાનું માપ ચેક કરાવી લેવું અને પ્રવૃત્તિઓ મુજબ વિવિધ પ્રકારની બ્રા રાખવી, જેમ કે દૈનિક ઉપયોગ માટે કોમફર્ટ બ્રા, વ્યાયામ માટે સ્પોર્ટ્સ બ્રા અને પાર્ટી ડ્રેસ માટે પર્ફેક્ટ ફિટીંગવાળી બ્રા. મહિલાઓએ પોતાના આરોગ્ય અને આરામને પ્રાથમિકતા આપવી જોઈએ. ખોટી બ્રાની પસંદગી માત્ર અસહજતા જ નહીં, પરંતુ લાંબા ગાળે આરોગ્ય પર ગંભીર અસર પણ પાડી શકે છે.
દર 6 મહિને દરેક યુવતીએ મહિલાએ બ્રાની સાઈઝ ચેક કરવી અનીવાર્ય છે. ઘણી વખત સ્ત્રીઓ શરૂઆતમાં યોગ્ય બ્રા પહેરે છે, પરંતુ ધીમે ધીમે એમના કપની સાઈઝ બદલાય છે, પરંતુ તેઓ બ્રાની સાઈઝ નથી બદલતા. જેના કારણે અનેક સમસ્યો સર્જાય છે.
હેતલ રાવ
