અમદાવાદની સેવન્થ ડે શાળામાં ધો.10ના વિધાર્થી દ્વારા ધો.8ના વિદ્યાર્થીની હત્યાની બનેલી દુ:ખદ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. આ ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્તને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઘટના બાદ કેટલાંક મહત્વના અને કડક પગલાં શિક્ષણ વિભાગ તેમજ શાળાઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સલામતી માટે પગલાં લેવાના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે આચાર્યો તેમજ શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે.
આ અંગે ચિત્રલેખા.કોમ દ્વારા છોટી સી મુલાકાતમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સાથે વાત કરવામાં આવી તો એમણે કહ્યું કે…
ચિત્રલેખા.કોમ: શિસ્ત સમિતિમાં કયા-કયા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે?
મહેશ પાંડે: સ્કૂલ સેફ્ટિ પોલીસી-2016 અનુસાર શાળાઓને લખાયેલા પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. અમે દરેક પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના કરવાના છીએ. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગના મોનિટર, જનરલ સેક્રેટરીને સભ્ય તરીકે રાખવામાં આવશે.
બાળકોની સલામતી માટે ક્યા ચોક્કસ પગલાં લેવામાં આવશે?
આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિશેષના સમયે, રમત-ગમતના મેદાનમાં અને શાળામાં આવવા-જવાના સમયે સલામતી જાળવવા નિરીક્ષણ કરાશે. શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે બાળકો વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે. વિદ્યાર્થીઓના બેગની ઓચિંતી તપાસ કરાશે. તમામ ટીચિંગ સ્ટાફની નૈતિક ફરજ છે કે તેઓ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપે તેમજ કોઈ પણ ઘટના બને તો તરત જ તેનો રિપોર્ટ ફરજિયાત કચેરીને મોકલવો.
શાળાઓમાં બુલિંગ (Bullying) અને હિંસા જેવી ઘટનાઓને રોકવા માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવશે?
શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી આચાર્ય અને શિક્ષકોની રહેશે. આ માટે સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી કરવાની રહેશે. બાળક શાળાએ આવે તે પૂર્વે તેમના વાલીઓ દ્વારા પણ સ્કૂલ બેગની ચકાસણી કરવા માટે વાલી બેઠકમાં વાલીઓને સૂચના આપવાની રહેશે. સ્કૂલમાં તેમની બેગ જ નહીં, પરંતુ વ્હીકલની પણ તપાસ કરાશે. દરમિયાન કોઈ પણ તિક્ષ્ણ હથિયાર મળશે તો વિદ્યાર્થીના વાલીને બોલાવી તેની હાજરીમાં કાઉન્સેલિંગ કરાશે. ત્યાર બાદ પણ વિદ્યાર્થી ન સુધરે તો તેને સસ્પેન્ડ કે ડિસ્મિસલ સુધીની કાર્યવાહી સ્કૂલોને કરવા મૌખિક સૂચના અપાઈ છે.
શું આ આદેશ ફક્ત સરકારી શાળાઓ માટે છે, કે ખાનગી અને અર્ધ-સરકારી શાળાઓને પણ આવરી લેવામાં આવશે?
સ્કૂલ સેફ્ટિ પોલીસી-2016 ગુજરાતની તમામ શાળાઓને લાગુ પડે છે. પછી સરકારી હોય, અર્ધ સરકારી હોય કે ખાનગી શાળા હોય. દરેકે નિયમોનું પાલન કરવું પડશે. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા માટે પગલાં લેવા પડશે.
અમદાવાદની સેવન્થ ડે શાળાની દુ:ખદ ઘટનાને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. બાળકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે શાળાઓની સાથે-સાથે વાલીઓએ પણ જાગૃત અને જવાબદાર બનવાની જરૂરિયાત છે.
(રાધિકા રાઓલ-અમદાવાદ)
