
અમદાવાદના રીલિફ રોડ પર ઝવેરીવાડથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા એક જાણીતી પાંજરાપોળ આવેલી છે. એની નજીક દુકાનોની વચ્ચે લીલા આવરણ સાથેની દિવાલમાં એક નાનકડો ગોખલો છે. એની ઉપર લખ્યું છેઃ હસ્તી બીબીનો ગોખલો..
એક માન્યતા પ્રમાણે અહીં માંદુ બાળક રડતું આવે છે અને હસતું હસતું જાય છે. ઇતિહાસના સંશોધકોના મતે, 500થી વધુ વર્ષ પહેલા અહીં શેખ અબ્દુલ્લા એદ્રુસ પરિવારની એક મહિલા રોજ ઝરુખે બેસતી હતી. આ મહિલા સદાય હસતી જોવા મળતી. માન્યતા એવી છે કે આ મહિલા બીમાર બાળકોના માથે હાથ ફેરવતી અને બાળકોની બીમારી દૂર થઈ જતી.
હાલ તેમના આ ઝરૂખાના બદલે અહીં ગોખલો છે, જ્યાં સતત ઘીનો દીવો પ્રજ્વલિત હોય છે. પોતાના બાળકોની સતત ચિંતા કરતાં મા-બાપને એમ ખબર પડે કે અહીં માનતા રાખવાથી બાળક સાજુ થઇ જાય એટલે એ ફક્ત આસ્થા અનુસરે. રડતું બિમાર બાળક, કોઇપણ ધર્મ જાતિનું હોય, પણ એને હસાવવા-સાજું કરવા દવા સાથે દુવા માટે આસ્થાળુઓ અહીં હસ્તી બીબીના ગોખલે જરૂર આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)


