અમદાવાદ શહેરમાં જ્યાંથી હેરિટેજ વોકની શરૂઆત થાય છે એ જગ્યા એટલે કાલુપુર સ્વામિનારાયણ મંદિર. શહેરની વચ્ચે જ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરનું પરિસર નયનરમ્ય અને વિશાળ છે. એના નિર્માણ માટે બ્રિટિશ શાહી સરકારે જમીન ભેટમાં આપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ પહેલું મંદિર હતું, જે શુદ્ધ બર્મા-સાગમાં જટિલ કોતરણી સાથે શાસ્ત્રોક્ત ધોરણો અનુસાર બનાવવામાં આવ્યું હતું . દેવતાઓના પ્રસંગો, શુભ પ્રતીકો અને ધાર્મિક ચિહ્નો દર્શાવતી શિલ્પકલાથી બનાવવામાં આવેલું આ મંદિર ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.
અહીં સ્વામિનારાયણ ભગવાન તેમની અમદાવાદની મુલાકાતો દરમિયાન રોકાયા હતા. મુખ્ય મંદિરમાં પૂજનીય દેવતાઓ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના શિલ્પો પણ છે. આગળના ભાગના ભોંયતળિયે, કચેરીઓ છે. અંદરના ભાગમાં સાંખ્ય યોગી મહિલાઓના નિવાસસ્થાનનો સમાવેશ થાય છે.
હેરિટેજ શહેર અમદાવાદના ઐતિહાસિક વારસો ધરાવતા આ મંદિરના પરિસરમાં નરનારાયણ દેવની સાથે ભગવાન ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ અદ્ભુત છે. હેરિટેજ વૉક શરૂ થયા પછી હજારો પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
