“જો ગણવા બેસું તો મારી પાસે શાળાના સમયના રમત-ગમતના સર્ટિકિકેટ લગભગ બે-ત્રણ કિલો કરતાં વધારે વજનના હશે. હું નાનપણમાં ખૂબ જ રમતિયાળ હતી. પાંચ ભાઈ વચ્ચે એક બહેન એટલે ટોમ બોય જેવી કહી શકો. અત્યારે પણ એવી જ છું. આખો દિવસ ભાઈઓ સાથે રમતો રમવાનો શોખ. અમારા સમયમાં તો શારીરિક રમતો જ રમાતી હતી. આથી કહી શકો કે મારું શરીર નાનપણથી જ કસાયલું, ઘડાયલું અને ખડતલ. જેનો ફાયદો આજે પણ મને મળી રહ્યો છે…”
આ શબ્દો છે અમદાવાદમાં રહેતા 69 વર્ષીય શકુંતલાબહેન પંડ્યાના. હમણાં જ એમણે મલેશિયામાં યોજાયેલી 36મી માસ્ટર્સ એથ્લેટિક્સ ઈવેન્ટમાં 200 અને 400 મીટર દોડમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ ગર્વથી ઉંચું કર્યું છે. આ ઉંમરે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો એમનો જુસ્સો, એમની ફિટનેસ અને એમનું મનોબળ ખરા અર્થમાં પ્રેરણાદાયી છે.
એમનો જન્મ ખેડા જિલ્લાના આંતરસુબાના નાનાકડા ગામમાં ખેડૂત પરિવારમાં. બાળપણથી જ ખેતીકામ કરીને શરીર મજબૂત બનતું ગયું. સ્પોર્ટ્સમાં પણ રસ એટલે એથ્લેટિક્સની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લે તો મેડલ જીતીને જ આવે. અર્થશાસ્ત્ર વિષયમાં બી. એ. કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. કોલેજમાં સ્પોર્ટ્સના પ્રોફેસરે એમની ધગશ જોઇને રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
69 વર્ષની વયે પણ આટલી ફિટનેસ ધરાવતા શંકુંતલાબહેન કહે છે, “મારી તંદુરસ્તીનું કારણ ઘરનો સાદો ખોરાક અને નિયમિત કસરત જ છે. જ્યારે મેં જીમ જોઈન્ટ કર્યું ત્યારે મારા ટ્રેનરે મને પોતાનો ફિટનેસ સ્ટુડિયો ખોલવા માટે પ્રોત્સાહિત કરી. આથી મેં મારી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી મળેલી રકમમાંથી પોતાનો ફિટનેસ સ્ટુડિયો શરૂ કર્યો છે. જેમાં અમે લોકો ઝુમ્બા અને એરોબિક્સ શીખવીએ છીએ. મારી સાથે મારા ફિટનેસ સ્ટુડિયોમાં આવતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 10 જેટલાં બહેનો પણ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જોડાઇ ગયા છે. તેમને પણ મેં આવી વિવિધ ઈવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ બહેનો પણ અલગ-અલગ ઈવેન્ટમાં હવે ભાગ લે છે અને મેડલ પણ જીતી રહ્યા છે. આ વાતની મને બહુ ખુશી છે કે મેં બીજા લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે.”
શકુંતલાબહેન અઠવાડિયામાં પાંચ દિવસ પોતાના સ્ટુડિયોમાં જ વર્કઆઉટ કરે છે અને શનિ-રવિમાં ગ્રાઉન્ડ પર જઈને રનિંગની પ્રેક્ટિસ કરે છે. આગામી સમયમાં થાઈલેન્ડમાં યોજાનારી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ એ જવાના છે. શકુંતલાબહેનને જોઈને કહી શકાય કે જો તમારી ઈચ્છાશક્તિ હોય તો તમે ઉંમરના કોઈપણ પડાવ પર પહોંચીને પોતાના સપનાંઓને પૂરા કરી શકો છો.
(રાધિકા રાઓલ – અમદાવાદ)