રાગીણીબહેન ઘરમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા, નીરજભાઈને પત્નીને ચિંતીત જોઈને ખ્યાલ આવી ગયો કે આ દીકરા યશનો વિચાર જ કરી રહી છે. એમણે ધીમા સ્વરે કહ્યું
પતિની વાત સાંભળી એ સોફા પર ફસડાઈ પડ્યા, જાણે એક ડુસકો અંદર ગળી ગયા હોય એમ રોતા અવાજે બોલ્યા, “હું યશ વગર કેમ કરીને રહીશ, હજુ તો એ અમેરિકા પહોંચ્યો પણ નથી, અને મારા આવા હાલ છે, તો ચાર વર્ષ કેવી રીતે પસાર કરીશ? એના વગર તો મને સહેજ પણ નહીં ગમે, હવે કોણ મને કહેશે કે મમ્મી તારા હાથની લસણની ચટણી મને બહુ ભાવે, કોણ પૂછશે કે મમ્મી આ ટી-શર્ટ કેવી લાગે છે? રાત્રે કોના ઘરે આવવાની મારે રાહ જોવાની ? હવે કોણ મારી સાથે હીંચકે બેસીને વાતો કરશે? મારો તો એકનો એક દીકરો, મારાથી લાખો માઈલ દૂર ચાલ્યો ગયો. સાચું કહું છું નિરજ હું એના વગર નહીં રહી શકું.”
રાગીણીબહેનને સમજાવવાના નીરજભાઈએ અનેક પ્રયાસ કર્યા પણ એ નિરર્થક નિવડ્યા. અંતે એમની તબિયત બગડી અને દીકરાનું પ્લેન અમેરીકામાં લેન્ડ થાય એ પહેલા, રાગીણીબહેનને હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા. ડોક્ટરે નીરજભાઈને કહ્યું આમ તો એમને કોઈ તકલીફ નથી પરંતુ દીકરાનું દૂર જવું એ સહન નથી કરી શકયા, એ એમ્પ્ટીનેસ (ખાલીપણું) સિન્ડ્રોમથી પીડાય રહ્યા છે.
શુ છે આ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ? કેવી રીતે એ દૂર કરી શકાય છે ? આવો જાણીએ..
બાળકો મોટા થાય એટલે ક્યારેક અભ્યાસ માટે તો ક્યારેક પોતાની લાઈફ સેટ કરવા માટે એ અન્ય શહેરમાં કે વિદેશ જાય છે. તો ઘણી વળી લગ્ન કરીને પણ માતા-પિતાથી અલગ રહેવા જાય, તો દીકરી પરણીને સાસરે જાય. ત્યારે ખાસ કરીને માતાઓમાં એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ જોવા મળે છે. આજકાલ તો હવે મોટાભાગના બાળકો મોટા થઈને વિદેશમાં અભ્યાસ કરવાના સપનાં સેવે છે. જો કે એવા સમયે પરિવાર અને ખાસ કરીને માતા પણ પોતાના સંતાનના ઉજળા ભવિષ્ય માટે એને પૂરતો સહકાર આપે છે. પરંતુ આ જ બાળક જ્યારે ખરેખર પરિવારથી દૂર જાય છે, ત્યારે મોટાભાગની માતા એનો વિયોગ સહન નથી કરી શકતી. અન્ય લોકો સામે તો એ ખુશ રહેવાના પ્રયાસ કરે છે. પરંતુ અંદરો અંદર સતત દુઃખી રહે છે, પરિણામે એ ક્યારે ‘એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ’નો શિકાર બને છે એનો ખ્યાલ એને પોતે પણ નથી રહેતો.
શુ છે એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ ?
એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ એ એવી સ્થિતિ છે જ્યારે સંતાનો અભ્યાસ કરવા અન્ય શહેરમાં કે પછી ફોરેન જાય છે. એમ પણ કહી શકાય કે સંતાન પરિવારથી દૂર થાય છે. માતા-પિતા ઘણા વર્ષો સુધી પોતાના બાળકોને લાડકોડથી મોટા કરે છે. પછી એક સમય આવે છે જ્યારે એ પરિવારથી દૂર થાય છે.
એમ્પ્ટીનેસ સિન્ડ્રોમના લક્ષણો
વિચારોનાં વલણમાં પરિવર્તનઃ મહિલાઓ પોતાના જીવનમાં એક ખાલીપાનો અનુભવે છે. એટલું જ નહીં એને પોતાનું જીવન સંતાનના દૂર હોવાથી સાવ નિરર્થક લાગે છે.
દુ:ખ અને અશાંતિ: પોતાનું સંતાન પોતાની સાથે નથી એનું સતત દુ:ખ રહે છે. ઘરે તો સરસ જમવાનું મળતું હતું, દરેક વસ્તુ સમયસર મળી હવે બહાર ગયા પછી એ શુ કરતા હશે એમ વિચારીને સતત યાદ કરવી ને એમની ચિંતા કરવી.
ડિપ્રેશનના લક્ષણો: એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ ક્યારેક તણાવનું ગંભીર સ્વરૂપ પણ લે છે. ત્યારે ઊંઘમાં અવરોધ આવે છે. અથવા તો સતત ઊંઘતા રહેવાનું જ મન થાય. મનમાં હલચલ અને ગભરામણ રહેવી. એકલા એકલા રડવું, પોતાની જાતને સાવ એકલી સમજવી.
ચીડચીડાપણું, ક્રોધ: નાના-મોટા મુદ્દા પર નારાજગી દેખાડવી. પરિવાર સાથે માથાકૂટ થયા કરે, જીવનમાં ગેરસમજૂતી અને અશાંતિ અનુભવી. આ ઉપરાંત બાળકોને વારંવાર ફોન કે મેસેજ કરવા, અને તેઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે તે જાણવા મથામણ કરવી. એ પણ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમના લક્ષણોમાંનુ એક છે.
એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ એ સમયસર સ્વીકાર્ય અને સંભવિત સમસ્યા છે, પરંતુ આ સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવાથી મહિલા એમના જીવનમાં નવી ઉર્જા લાવી શકે છે.
એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ છે ? તો આ કરો ઉપાય અપેક્ષાઓનો સ્વીકાર: સંતાનની સ્વતંત્રતા એ સ્વાભાવિક છે. તે એમના જીવનના વિકાસનો ભાગ છે. એને સ્વીકારો અને તમારા જીવનમાં નવા હેતુઓ શોધવા પ્રયત્ન કરો. મનપસંદ કામ કરોઃ સમયનો ઉપયોગ નવું શીખવામાં કરો, જેમ કે ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, યોગ, અથવા વાંચન. મન અને શરીર સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરો. સંબંધો મજબૂત બનાવો: જીવનસાથી અને મિત્રો સાથે વધુ સમય વિતાવો. પરિવારના અન્ય સભ્યો અને મિત્રોને મળવા અને વાતચીત કરવા માટે સમય કાઢો. કાઉન્સેલિંગ અથવા થેરાપી: જો ઉદાસીનતા વધારે હોય અને નિયંત્રણમાં ન આવે, તો પ્રોફેશનલ કાઉન્સેલર અથવા થેરાપિસ્ટની મદદ લો. ફોન અથવા વિડિઓ કૉલ દ્વારા જોડાણમાં રહો: સંતાન સાથે સમયાંતરે વાતચીત કરો, પરંતુ એમને પર્યાપ્ત સ્વતંત્રતા આપવી પણ મહત્વપૂર્ણ છે. મળવા માટે પ્લાન બનાવો, જેનાથી થોડી રાહત અને ખુશી અનુભવશો. જીવનમાં નવા હેતુઓ સ્થાપિત કરો: ચેરીટેબલ કાર્ય, વોલેન્ટિઅરિંગ, અથવા સમૂહની પ્રવૃત્તિઓમાં જોડાવાની કોશિશ કરો. આ ઉપરાંત, તમારા એવા સપના અને ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરો, જે તમે બાળકોની કાળજી લેતા સમયે પાછળ ધકેલ્યા હતા. |
હેતલ રાવ