‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ વર્ષ ૨૦૧૫થી દર વર્ષે જૂન મહિનાની ૨૧મી તારીખે ઉજવવાનો શરૂ થયો છે. યોગ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોમાં યોગ માટે જાગૃતિ ફેલાવવાનો છે.
વર્ષ 2020 માટે એટલે કે આ વર્ષની યોગ દિવસની થીમ છે: ‘Yoga for Health – Yoga at Home’ આયુષ મંત્રાલયે આ વર્ષે કોવિડ-19 રોગચાળાને કારણે યોગ દિવસ ઘરે ઉજવવાનું લોકોને જણાવ્યું છે.
કોવિડ-19 રોગચાળાને કારણે છેલ્લા થોડા મહિનાથી લૉકડાઉન ચાલે છે. ઘરમાં રહીને કામ કરવાને કારણે લોકો તાણમાં રહેવા લાગ્યા છે. નિરાશા આવવા માંડી છે. કોઈ કામ માટે બહાર જવાનું થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા અનેક નિયમો પાળવા પડે છે. તો તમારા મનને શાંતિ આપવા માટે યોગ બહુ ઉપયોગી થઈ રહેશે. જે તમને શારીરિક તેમજ માનસિક તાણમાંથી ઉગારી શકે છે!
21મી જૂન ‘યોગ દિવસ’ તરીકે ઉજવાય છે. આપણો ભારત દેશ યોગ માટે વિશ્વ ગુરુ ગણાય છે. ભારતીયો માટે યોગ એ નવું નામ નથી. યોગની ઉત્પત્તિ ભારતમાં જ થઇ છે. યોગનો ઉલ્લેખ વેદ તેમજ પુરાણોમાં મળી આવે છે. વેદને વિશ્વનું સૌથી પહેલું પુસ્તક માનવામાં આવે છે. પૌરાણિક સમયમાં આપણા ઋષિમુનીઓ તપસ્યા કરતા એ પણ યોગની મદદથી જ કરતા હતા. યોગની પરંપરા એક પેઢીથી બીજી પેઢીને, ગુરુ દ્વારા શિષ્યને મળતી આવી છે.
કહેવાય છે, ભારતમાં યોગની શરૂઆત પાંચ હજાર વર્ષ કે તેનાથી પણ પહેલાં થઈ છે. કારણ, યોગાભ્યાસના ચિત્રો સિંધુ સભ્યતાના સમયની મહોરો તેમજ મૂર્તિઓમાં જોવા મળ્યા છે. વર્ષ 1920માં પુરાતત્વ વૈજ્ઞાનિકોએ ‘સિંધુ સરસ્વતી સભ્યતા’ શોધી હતી. તેમાં પ્રાચીન હિન્દુ ધર્મ તેમજ યોગની પરંપરા જોવા મળી છે. સિંધુ સભ્યતા લગભગ 3300 થી 1700 BCE જૂની માનવામાં આવે છે.
વૈદિક સમયમાં યજ્ઞ અને યોગનું ખૂબ મહત્વ હતું. જેના માટે ચાર આશ્રમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં બ્રહ્મચર્ય આશ્રમમાં વેદોના જ્ઞાન સાથે શસ્ત્રો અને યોગનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું.
યોગ પર લખવામાં આવેલો પહેલો ગ્રંથ ‘યોગ સૂત્ર’ ઈ.સ.200 પૂર્વે લખવામાં આવ્યો હતો. આ ગ્રંથ મહર્ષિ પતંજલિ દ્વારા લખવામાં આવ્યો હતો. મહર્ષિ પતંજલિએ યોગનો પ્રચાર વધાર્યો હતો. તેમણે વેદમાં રહેલી યોગ વિદ્યાનું સુવ્યવસ્થિત વર્ગીકરણ કર્યું હતું. ત્યાર બાદ જ યોગનું પ્રચલન વધ્યું અને યૌગિક સંસ્થાઓ, પીઠો તેમજ આશ્રમોનું નિર્માણ થયું.
યોગ શબ્દ સંસ્કૃત શબ્દ ‘યુજ’ માંથી આવ્યો છે. યુજનો અર્થ છે જોડવું, નિયંત્રણ કરવું, સંગઠિત કરવું, મેળવવું. યોગ શરીર, મન અને આત્મા વચ્ચે ઐક્ય સાધે છે. યોગ હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. યોગ એક ભારતીય સાધના પદ્ધતિ છે. તો યોગ એક વિજ્ઞાન પણ છે. જે ભૌતિક, માનસિક, આત્મિક અને આધ્યાત્મિક કામ કરે છે. સૌ પ્રથમ યોગનો ભૌતિક ફાયદો એટલે, શારીરિક રીતે યોગ ઘણા લાભ આપે છે. જેમ કે, અસ્થમા, મધુમેહ, હૃદય રોગ, પાચનતંત્ર વગેરે જેવા અનેક રોગોનો ઈલાજ યોગમાં રહેલો છે.
ત્યારબાદ માનસિક રીતે પણ યોગ સહાયભૂત થાય છે. જેમ કે, યોગ કરવાથી મગજમાંથી તાણ ઓછી થઇ ને ચિત્તને શાંતિ મળે છે. છેવટે મન સ્થિર થઈને આત્મિક શાંતિ તરફ વળે છે. પૌરાણિક સમયમાં ઋષિ-મુનિઓ યોગ દ્વારા પરમ ચેતનાની અવસ્થા પ્રાપ્ત કરી લેતા હતા.
યોગ કરનાર વ્યક્તિના વિચાર, વ્યવહાર અને વર્તણૂંકમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે. રોજના યોગાભ્યાસથી મનને શાંતિ, સંવેદનશીલતા મળે છે તેમજ આત્મિક જાગૃતિ વધે છે.
યોગના ફાયદા જાણશો તો તમે યોગ ને અવગણી નહીં શકો!
1. શાંતિની નિદ્રા અપાવે છે યોગઃ
ઘણા લોકોને ઓફિસ કે અન્ય કામના વધુ કલાકોને કારણે અને હાલમાં તો લૉકડાઉનમાં ઘરે રહેવાને કારણે, નિયમિત જીવનમાં બદલાવને કારણે તાણને લીધે ઉંઘ નથી આવતી. યોગ કરવાથી શારીરિક રીતે પણ રિલેક્સ થવાશે. ઉપરાંત શાંતિની નિંદ્રા પણ મેળવી શકાશે.
2. વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે:
નિયમિત યોગ દ્વારા તમારા શરીરની લવચિકતા વધે છે. સાથે સાથે વધારાની ચરબી ઓગળે છે તેમજ વજનમાં ઘટાડો થાય છે.
3. સ્નાયુને મજબૂત કરીને શરીરનો બાંધો મજબૂત બનાવે છે:
જો કોઈ અઘરી કસરત જેવી કે વજન ઊંચકવું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ના કરી શકો તો યોગના અમુક પ્રકારો કરવાથી પણ સ્નાયુને મજબૂત કરી શકો છો.
4. તાણમુક્ત રાખે યોગ:
અભ્યાસ કહે છે કે, યોગથી બ્લડપ્રેશર સંતુલિત રહે છે અને તેનાથી તાણ પણ ઓછી થાય છે. જેઓ હંમેશા ડિપ્રેશન એટલે કે હતાશા કે ચિંતામાં રહેતા હોય તેઓ રોજ યોગના અમુક પ્રકારો કરે તો ચિંતા મુક્ત રહી શકે છે.
5. યોગથી તમારુ મગજ શાંત અને સતેજ બને છે.
6. લવચિકતા તેમજ સમતોલન સાધે છે:
તમારા શરીરનું બૅલેન્સ જાળવવામાં મદદરૂપ થાય છે. શરીરની ફ્લેક્સિબિલિટી વધારે છે અને રોજની કાર્યદક્ષતા પણ વધારે છે.
7. યોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
8. તમે કેટલા પણ કામના બોજા હેઠળ હોવ તો છતાં યોગ કરવાથી તમારા ચહેરા પર શાંતિ તેમજ સ્મિત ઝળકતું દેખાશે.
રોજ કરવાના આસનોમાં તમે પદ્માસન, વજ્રાસન, તાડાસન, ભુજંગાસન, ભદ્રાસન, ઉત્તાનપાદાસન, પવનમુક્તાસન, શવાસન તેમજ પ્રાણાયામના પ્રકારમાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, ભ્રામરી જેવા પ્રાણાયામના પ્રકારો કરી શકો છો. યોગાનો અભ્યાસ શરૂ કરતાં પહેલા યોગગુરૂના માર્ગદર્શન હેઠળ અભ્યાસ શરૂ કરવો.
યોગ કરવા માટેના નિયમો:
- 1. યોગનો અભ્યાસ હંમેશા યોગ ગુરૂ કે યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શરૂ કરવો.
- 2. યોગ કરતાં પહેલાં સ્નાન કરી લેવું. યોગ કર્યા બાદ એક કલાક બાદ સ્નાન કરી શકો છો.
- 3. સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય યોગ માટે શ્રેષ્ઠ સમય છે.
- 4. યોગ ખાલી પેટે કરવો. યોગ કરવાના બે કલાક પહેલાં કંઇ જ ખાવું નહીં. તેમજ યોગ કર્યા બાદ અડધો કલાક સુધી કંઈ ખાવું નહીં.
- 5. યોગ હંમેશા શાંત વાતાવરણમાં તથા સ્વચ્છ જગ્યામાં કરવો.
- 6. ધીરજ રાખીને યોગાભ્યાસ કરવો. કોઈ ઉતાવળ ના કરવી કે શરીરને જબરદસ્તી વાળવાનો પ્રયત્ન પણ ના કરવો.
- 7. આરામદાયક સુતરાઉ કપડાં પહેરવા.
- 8. યોગ કરતી વખતે મગજમાંથી તમામ વિચારો કાઢી નાખવા. શાંત ચિત્તે યોગાભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું.
- 9. યોગનો લાભ મળતાં સમય લાગે છે. માટે ધીરજ રાખવી અને યોગાભ્યાસ ચાલુ રાખવો.
- 10. કોઈ શારીરિક વ્યાધિ હોય તો ડૉક્ટરની સલાહ લઈને યોગાસનો કરવા.
- 11. યોગ કરતી વખતે તકલીફ થતી હોય તો યોગાભ્યાસ રોકી દેવો.
- 12. પ્રાણાયામ હંમેશા આસન અભ્યાસ કર્યા બાદ કરવા.
- 13. યોગાભ્યાસના અંતમાં શવાસન જરૂર કરવું.
- 14. દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે અઘરા આસન ના કરાવવા. તેમને યોગ ગુરુના માર્ગદર્શન હેઠળ યોગના અભ્યાસ કરાવવા.
આપણે ભારતીયો માટે યોગ દિવસ ઉજવાય એ બહુ ગર્વની વાત છે. પરંતુ યોગને ફક્ત એક દિવસ માટે સીમિત ન રાખતાં, રોજિંદા જીવનમાં પણ અપનાવીને ભારતીય સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરીએ!