વિશ્વને પર્યટનનું મહત્વ જણાવવા માટે દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ પ્રવાસન દિવસ’ (World Tourism Day) ઉજવીએ છીએ. જીવનમાં જેટલું શિક્ષણનું મહત્વ છે, પ્રવાસનું પણ એટલું જ મહત્ત્વ છે, કારણ કે આ સમય દરમિયાન આપણને ઘણી બાબતોને નજીકથી જાણવાનો મોકો મળે છે. જો કે મોટાભાગના લોકો મુસાફરીના શોખીન હોય છે, પરંતુ કેટલીકવાર પૈસાના કારણે તેમની યોજનાઓ મુલતવી રાખે છે.
આજે અમે તમને યૂરોપના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંના નાગરિકો સાથે દુનિયાભરના પર્યટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્રીમાં જઈ શકે છે. એટલું જ નહીં આ દેશની ગણતરી વિશ્વના સૌથી ધનિક દેશોમાં થાય છે. અહીં ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો છે. ચાલો આ દેશ વિશે વધુમાં જાણીએ.
આ દેશમાં જાહેર પરિવહન સેવા બિલકુલ મફત છે
અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તેનું નામ લક્ઝમબર્ગ છે. આ દેશની ગણતરી યુરોપના સૌથી મોંઘા દેશોમાં થાય છે, પરંતુ તેમ છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બિલકુલ ફ્રી છે. કારણ કે સમગ્ર વિશ્વમાં આ પહેલો દેશ છે જ્યાં તમામ પ્રકારની જાહેર પરિવહન સેવાઓ બિલકુલ ફ્રી રાખવામાં આવી છે. જેમાં બસ, ટ્રેન અને ટ્રામનો સમાવેશ થાય છે.
અહીં ઉપલબ્ધ મફત જાહેર પરિવહન સેવા દેશના નાગરિકોને જ નહીં પરંતુ અહીં આવતા પ્રવાસીઓને પણ મફતમાં આપવામાં આવે છે. એટલે કે, જો તમે આ દેશની મુલાકાતે આવી રહ્યા છો, તો તમે કોઈપણ ટેન્શન વિના અને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મુસાફરી કરી શકો છો.
પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાના નિયમો
લક્ઝમબર્ગ સરકારે દેશની અંદર તમામ જાહેર પરિવહનને મફત કરી દીધું છે, જેમાં ટ્રેન, બસ, ટ્રામ અને ફ્યુનિક્યુલર રેલ્વે પણ સામેલ છે. પરંતુ જો મુસાફર પ્રથમ શ્રેણીમાં મુસાફરી કરવા માંગે છે તો તેના માટે એમૂક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવા માટે ટ્રેનની ટિકિટ ખરીદવી પડે છે.
નોંધનીય છે કે સાર્વજનિક પરિવહનમાં સામાન અને પાલતુ પ્રાણીઓ માટે પણ કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં વધતા પ્રદૂષણને રોકવા માટે લક્ઝમબર્ગ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સરકાર ઈચ્છતી હતી કે નાગરિકોએ ઓછામાં ઓછું તેમની કારમાં મુસાફરી ઓછી કરવી જોઈએ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો જોઈએ.
લક્ઝમબર્ગમાં શું પ્રખ્યાત છે
લક્ઝમબર્ગ તેના સમૃદ્ધ ઇતિહાસ અને અદભૂત કિલ્લાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ સાથે આ દેશની ગણતરી સૌથી અમીર દેશોમાં થાય છે. દર વર્ષે આ દેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં લે ચેમિન ડે લા કોર્નિશ, ન્યુમુન્સ્ટર અબે, ધ બૉક એન્ડ કેશમેટ્સ,ધ ગ્રન્ડ ડ્રિસ્ટ્રીક્ટ, લા પાસરેલ, લક્ઝમબર્ગ નેશનલ મ્યુઝિયમ અને લક્ઝમબર્ગ સિટી મ્યુઝિયમ ખૂબ પ્રખ્યાત છે. લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના ઉત્તર ભાગમાં આવેલા વિઆન્ડેન કેસલને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.
શું લક્ઝમબર્ગ ભારતીયો માટે મફત છે?
લક્ઝમબર્ગની સરકારે હજુ સુધી ભારતમાંથી આવતા પ્રવાસીઓને ફ્રી વિઝાની સુવિધા આપી નથી. કોઈ પણ ભારતીય આ દેશની મુલાકાત ઈચ્છતો હોય તો તેણે લક્ઝમબર્ગ જવા માટે વિઝા લેવા પડે છે. તમને જણાવી દઈએ કે, લક્ઝમબર્ગમાં ફરવા માટે ભારતીયોને શેંગેન વિઝાની જરૂર પડે છે, પરંતુ એક શરત એવી પણ છે કે તમે આ દેશમાં માત્ર 90 દિવસ જ રહી શકો છો.