‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે….‘ વસંતના વાયરા એક સમયે જે રીતે યુવાનોને લાગણીની આપ-લે કરાવતા એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો જાણે કે લાગણીઓની આપ-લે કરવાનો મહિનો છે.
હજુ થોડાં વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં ફક્ત વૅલેન્ટાઇન-ડે એટલે કે 14 ફેબ્રુઆરીનો દિવસ જ યુવા દિલોને ઘેલું લગાડતો, પણ એમ પ્રેમની અભિવ્યક્તિ માટે કાંઇ એક જ દિવસ થોડો કાફી છે? એમાંથી હવે ટ્રેન્ડ શરૂ થયો છે, આખેઆખા વેલેન્ટાઇન વીકનો.
હા, આજકાલ યુવાનોમાં ૭ ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી એટલે કે આખું અઠવાડિયું જાણે કે પ્રેમની લાગણી અલગ અલગ રીતે વ્યક્ત કરવાનું અઠવાડિયું બની ગયું છે. યુવાન હૈયાં પોતાની ઇચ્છા પ્રમાણે જૂદા-જૂદા દિવસો એન્જોય કરે છે. મનગમતા પાત્રને જાતજાતની ગિફ્ટ, ચોકલેટ, રોઝ આપીને વર્ષો સુધી દોસ્તી અને પછી આગળ વધીને પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે. તો, કેવી રીતે ઉજવાય છે વેલેન્ટાઇન વીક? કેવા કેવા ડેયઝ સેલિબ્રેટ કરે છે આજની યંગ જનરેશન?
7 ફેબ્રુઆરી-રોઝ ડેઃ વેલેન્ટાઈન ફેસ્ટિવલનો પ્રથમ દિવસ એટલે રોઝ ડે. પ્રેમ વ્યક્ત કરવા જુદા-જુદા રોઝને પસંદ કરવામાં આવે છે. ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે, ગુલાબ પ્રેમની દેવી શુક્રનું પ્રિય ફૂલ હતું.
ROSEના અક્ષરોને EROS એ રીતે ગોઠવીએ તો એનો અર્થ પ્રેમના દેવ થાય છે એટલે આ દિવસે એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમ વ્યક્ત થાય છે. રેડ રોઝ પ્રેમનું પ્રતીક. સફેદ રોઝ શાંતિનું અને પીળું રોઝ મિત્રતાનું પ્રતીક.
8 ફેબ્રુઆરી-પ્રપોઝ ડેઃ આ દિવસે રોમેન્ટિક લાગણીઓ સાથે પ્રેમનો પ્રસ્તાવ મૂકાય છે. અંદરની લાગણીઓને પ્રિયપાત્ર સમક્ષ વ્યક્ત કરવાનો દિવસ. પોતાના દિલની વાત કહેવા માટે આ બેસ્ટ ડે છે.
9 ફેબ્રુઆરી-ચોકલેટ ડેઃ ગમતાં પાર્ટનરને એની પસંદગીની ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે આ. જો તમે રોઝ ડે કે પ્રપોઝ ડે પર તમારા પાર્ટનરને દિલની વાત ન કરી શક્યા હો આ ચોકલેટ ડે પર ચાન્સ છે ચોકલેટ આપીને એનું દિલ જીતવાનો. જો તમે કોઇને કે કોઇ તમને કેડબરી ડેરી મિલ્ક, પર્ક અથવા મંચ ચોકલેટ આપે તો તમે એકબીજાની પસંદ છો. મિત્રતાની શરૂઆત ફાઈવસ્ટાર ચોકલેટથી થાય. જો બ્રેકની વાત વ્યક્ત કરવી હોય તો કિટકેટ અપાય છે. તણાવનો અહેસાસ કરાવે એવા રિલેશનમાં બોર્નવિલે ચોકલેટ આપીને પાર્ટનરને સમજાવાય છે.
10 ફેબ્રુઆરી-ટેડી ડેઃ એક બિઝનેસ કપલે સૌ પ્રથમ વખત બિયરનું રમકડું બનાવ્યું હતું, જેને ટેડી નામ આપવામાં આવ્યું. બસ, ત્યારથી ટેડી બિયર અસ્તિત્વમાં આવ્યું. ટેડી ડેના દિવસે લવ બર્ડઝ એકબીજાને ટેડી આપીને પ્રેમ વ્યક્ત કરે છે.
11 ફેબ્રુઆરી-પ્રોમિસ ડેઃ વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે. દિલથી જોડાયેલી વ્યક્તિ પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાનો દિવસ છે. કપલ હોય કે બે સારા મિત્રો, કોઈપણ સંબંધમાં નજીકથી જોડાયેલી વ્યક્તિ એકબીજાની સાથે રહેવાનું પ્રોમિસ આપે છે.
12 ફેબ્રુઆરી- હગ ડેઃ તમે જેને પ્રેમ કરતા હોય એને હગ કરવાનો દિવસ. હગ કરવું એટલે કાંઇપણ બોલ્યા વિના લાગણી વ્યક્ત કરવી. પ્રેમ દર્શાવવાની શક્તિશાળી રીત એટલે હગ.
13 ફેબ્રુઆરી- કિસ ડેઃ વેલેન્ટાઈન વીકનો મોસ્ટ પોપ્યુલર ડે. મિત્રો, ભાઈ-બહેન, માતા-પિતા અથવા પાર્ટનરને ગાલ કે હોઠ પર કિસ કરાય છે. કહેવાય છે કે છઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં પ્રેમની અભિવ્યક્તિ માટે નૃત્યનો ઉપયોગ થતો અને નૃત્ય સમાપ્ત થાય ત્યારે લોકો એકબીજાને કીસ કરતા.
14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડેઃ પ્રેમને વ્યક્ત કરવાનો વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ. ‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ પુસ્તક પ્રમાણે, રોમના પાદરી સંત વેલેન્ટાઈન પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા, પરંતુ રાજા ક્લાઉડીયસને આ વાત પસંદ નહોતી એટલે રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા નહીં. સંત વેલેન્ટાઈને આ હુકમનો વિરોધ કર્યો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. ઉશ્કેરાયેલા રાજાએ સંત વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. એ પછી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
(હેતલ રાવ)
તસવીરોઃપ્રજ્ઞેશ વ્યાસ