12 પછી શું? ડોક્ટર, એન્જીનીયર સિવાયના કારકિર્દીના અધ્યતન પણ સફળ વિકલ્પો

મોટા ભાગના વાલીઓ તેમનામાં બાળકોને 12 પછી ડોક્ટર, એન્જીનીયર અને જો ટકાવારી લથડે એટલે બેચલર્સ કરવાની શીખ દેતાં હોય છે. આપણો મોટા ભાગનો એક વર્ગ, ચોક્કસ લઘુતાગ્રંથિથી પીડાય છે કે, એક વાર ડોક્ટર કે એન્જીનીયર બની ગયાં પછી લાઈફ સેટ જ હોય. પણ મેટ્રો સિટીની, એક હકીકત એ પણ છે કે, ત્યાં પાન વાળો કે ગાંઠિયા વાળો, ડોક્ટર્સ કરતાં વધુ કમાય છે. તો શુ ડોક્ટર બનવામાં કંઈ પ્રોબ્લેમ છે? ના. પ્રોબ્લેમ ડોક્ટર કે એન્જીનીયર બનવામાં નથી. પ્રોબ્લેમ છે, ના બની શકાય તો પણ જબરજસ્તી બનવામાં. વિદ્યાર્થી નબળો હોય, કે આર્થિક તંગી હોય છતાં પણ ડોનેશન કે વારંવાર એન્ટ્રન્સ એક્ષામ અપાવીને બાળકનો આત્મવિશ્વાસ પર પ્રહારો કરવા યોગ્ય નથી. આનું એકમાત્ર કારણ પેરેન્ટ્સમાં કારકિર્દીના નવા વિકલ્પો વિશે યોગ્ય જાણકારીનો અભાવ છે.

ઘણા વાલીઓ અને વિધાર્થીઓ અમુક ફિલ્ડ કે શાખાઓ વિશે બિલકુલ અજાણ છે,જ્યાં નબળો વિદ્યાર્થી પણ સારા માં સારી જોબ મેળવી શકે છે. એવા અસંખ્ય કેરિયર ઓરિએન્ટેડ કોર્ષ દ્વારા તેઓ ખૂબ આગળ વધી શકે છે. હાલ આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ દરેક ફિલ્ડમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યાં યુવાઓ સામે કેરિયરના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.એ સિવાય પણ દરેક ફિલ્ડમાં ટેક્નોલોજી દ્વારા મોટા ફેરફારો આવ્યા છે. જેમકે એગ્રીક્લચરનો અર્થ હવે માત્ર ખેતી, સિંચાઈ,હળ અને બળદ જ રહ્યો નથી. હાઇડ્રોફોનિક્સ, એક્વાફોનિક્સ, જેવી ખેતીની અધ્યતન રીતો દ્વારા ઓછી જગ્યાએથી મબલખ પાક લઇ શકાય છે. જ્યાં સ્પેસ સ્ટેશન ખુલી રહ્યા છે, ત્યાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ગાઈડ જેવા શબ્દો આવનારા દિવસોમાં ઘરે ઘરે ફેમસ થવા જઈ રહ્યા છે. તો કેમ આવાં અવનવા અને રોચક ક્ષેત્રોમાં આગળ ના વધીયે. એ ઉપરાંત પણ ઘણા એવા ક્ષેત્રો છે,જેની આવનારા દિવસોમાં માંગ વધવાની પૂરી શક્યતાઓ છે. ચાલો જાણીયે અવનવા ક્ષેત્રોમાં કારકિર્દીના વિકલ્પો વિશે.

ડ્રોન ઑપરેશન

કોઈ નાના બાળકને જયારે પહેલી વખત એના પપ્પાએ ડ્રોન અપાવ્યું હશે ત્યારે એની સ્વપ્ન દ્રષ્ટિએ મનોમન ઘણીએ ઝંખના કરી લીધી હશે. એવા જ ઘણા દુરદેશીના પરિણામે, આજે ડ્રોન ઘણા જ ક્ષેત્રોમાં મહત્વનું ગેજેટ બની ગયું છે. ફિલ્મમેકિંગ, ખેતી,રિયલ એસ્ટેટ, સુરક્ષા વગેરે ક્ષેત્રમાં ડ્રોન હવે મહત્વનું અંગ બની ચૂક્યું છે. વૈશ્વિક બજારમાં ડ્રોન ટેક્નોલોજીનો વિકાસ વધી રહ્યો છે, જેના માટે કુશળ ઓપરેટરોની માંગ સતત વધતી રહે છે.
યોગ્ય સંસ્થાઓ દ્વારા તાલીમ લઈ,સર્ટિફેકેટ મળ્યા બાદ પ્રેક્ટિકલ તાલીમથી ફ્રીલાંન્સીંગ દ્વારા યોગ્ય પ્રોફેશનલ નેટવર્કમાં જોડાઈ શકાય છે.

મેટાવર્સ આર્કીટેકટ

હમણાં થોડા સમય પહેલા એક સ્વર્ગસ્થ પિતાએ વર્ચ્યુલી પોતાના હયાત દીકરાના લગ્નમાં હાજરી પુરાવી અને આ વાત ન્યુઝ બની ગઈ. બધાને જ ખબર છે કે માત્ર અને માત્ર ટેક્નોલોજીની ઉત્ક્રાંતિ દ્વારા આ શક્ય બન્યું છે. પણ આજથી 2 વર્ષ પછી આ બધુ એકદમ સામાન્ય હશે. કેમકે આજના ડિજિટલ યુગમાં પરંપરાગત ટેક્નોલોજીમાં કેરિયરના નવા અને અનોખા વિકલ્પો આવી રહ્યા છે.આવું જ એક વિલક્ષણ અને વિક્રાંતિકારક વિકલ્પ છે – મેટાવર્સ આર્કિટેક્ટ. જ્યાં આવાં ક્ષેત્રમાં ડિજિટલ આભાસી જગતનું નિર્માણ કરવા માટે સોફ્ટવેર, 3D ડિઝાઇન અને ક્રિએટિવ આર્ટની જરુરિયાત વધારે હોય,મેટાવર્સ આર્કીટેક્ટની ડિમાન્ડ અત્યારે સૌથી વધુ છે. એના માટે 3D એનિમેશન, સોફ્ટવેર ડેવલોપમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકલ્પો પસન્દ કરી શકાય છે.

મરીન ફાર્મિંગ

આવનારા સમયમાં વિશ્વની લડાઈ કોઈ જીવંત લોકો સામે નહીં પરંતુ પોતે જ ખડકેલા પ્લાસ્ટિક નામના અતિખતરનાક તત્વ સામે હશે. જ્યાં માઈક્રોપ્લાસ્ટિક નદીથી લઈને ઘર સુધી પહોંચ્યું અને હવે લોકોની ધમનીઓમાં પણ વહેવા લાગ્યું છે ત્યાં પ્લાસ્ટિકના વિકલ્પો શોધવા અનિવાર્ય બની ગયાં છે.થોડા સમય પહેલા હેંજ કેચપ દ્વારા શેવાડ માંથી ખાય શકાય તેવા કેચપના પેકેટ્સ તૈયાર કર્યા હતાં. અને હવે તો ઘણી અંતરરાષ્ટ્રીય કંપનીઓ આવાં બાયોડિગ્રેડેબલ પેકેટ્સ બનાવી રહી છે. દરિયાઈ પાણીની નીચે આવાં ચોક્કસ શેવાડની ખેતી કરવામા આવે છે. જે પોષકતત્વોથી ભરપૂર હોવાથી તેનો ઉપયોગ,ઉધોગ ક્ષેત્રમાં, પેકેજીંગ, દવાઓ બનાવવામાં તેમજ સુપર ફૂડ તરીકે પણ વાપરવામાં આવે છે. આવનારા સમયમાં વધતી જતી માંગને લીધે મરીને ફાર્મિંગમાં કારકિર્દી બનાવવા તેમજ વેપાર કરવાની સોનેરી તકો રહેલી છે.

આ સિવાય પણ ઘણા અવનવા અને ભાવિ સમયમાં ઉપયોગી એવા કારકિર્દી માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેવા કે, ડિજિટલ ડિટોક્સ કન્સલ્ટ, ઇ-સ્પોર્ટ્સ એથલિટ, કન્ટેન્ટ ક્રિએટર્સ, બાયોટેક આંતોરપ્રેન્યોર્સ, સ્ટાર્ટપ ફાઉન્ડર્સ, કે જેના માટે સરકારની વિવિધ લોન માટેની યોજનાઓ પણ ઉપલબ્ધ હોય છે. અને જેમાં કારકિર્દી બનાવી બહુ ખર્ચાળ હોતી નથી. આવામાં તમારા બાળકોને તમારી રુચિ કે તમારા અધૂરા સપનાઓ પ્રમાણે નહીં પણ ભવિષ્યમાં વધતી માંગ મુજબ કારકિર્દી બનાવી વધુ ફાયદાકારક સાબિત થશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)