લૉકડાઉન પહેલાં દૈનિક જીવનમાં કામકાજની દોડધામમાં નિરાંતનો સમય મળવો મુશ્કેલ હતો. સવારે બહારની રૂટિન કસરત જેવી કે જોગિંગ, સાયકલિંગ કરવામાં પણ લોકોનું ધ્યાન ફક્ત કસરતમાં તેમજ દિવસ દરમ્યાન કરવાના કામોની યાદીમાં રહેતું હતું. પરંતુ લૉકડાઉને એક ફાયદો એ કરાવી આપ્યો છે કે, આસપાસની પરિસ્થિતિ તેમજ કુદરત પ્રત્યે લોકોનું ધ્યાન દોરાવા લાગ્યું છે!
આવી જ રોચક ઘટના વિશે ફિલ્મ નિર્માત્રી તાહિરા કશ્યપ જણાવે છે. જે ચંડીગઢની રહેવાસી છે. તાહિરા કશ્યપે અભિનેતા આયુષ્માન ખુરાના સાથે લગ્ન કર્યા છે.
તાહિરા અત્યારે એમના વતન ચંડીગઢમાં રહે છે અને ત્યાં એ નાનકડા શહેરની ખુશનુમા રોગનિવારક કુદરતી આબોહવા માણે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચંડીગઢની અલગ અલગ જગ્યા પર લીધેલી તસવીરોની શ્રેણી ‘small town life’ હેશટેગ હેઠળ તેણે મૂકી છે.
તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ચંડીગઢમાં શહેર ફરતે સાઈકલ રાઈડ દરમ્યાન તે પોતાની ફોટોગ્રાફી સ્કીલને સુધારી રહી છે.’ સાયકલિંગ માટે તે લખે છે, ‘મેં સાયકલિંગ શરૂ કર્યું ફક્ત એક સ્પોર્ટ તરીકે અને સાથે સાથે માનસિક ચિંતાઓ, વિચારોથી મુક્ત થવાના પ્રયત્ન તરીકે! પરંતુ સાયકલિંગ વખતે રોજના રસ્તાઓ, વૃક્ષો, મકાનો મેં કંઈક જુદા જ અનુભવ્યા! કુદરતમાં રહેલા સૌંદર્યની આ પહેલાં મેં કોઈ દિવસ નોંધ લીધી નહોતી. આ અનુભવ તો એકદમ આહલાદ્ક હતો. કુદરતનું સાંન્નિધ્ય મને રોગનિવારક લાગે છે. આ પહેલાં સાયકલિંગ એ ફક્ત મારા માટે કસરત પૂરતી જ મર્યાદિત હતી. પરંતુ હાલમાં તો એ મારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉપચાર સમી લાગે છે અને ખુશી આપે છે તે વધુમાં!
આ સાથે તાહિરાએ પોતાનો સાયકલ સાથેનો ફોટો જોડતાં લખ્યું છે કે, કઈ રીતે એ પોતાની રોજની સવારી સાયકલ પર ચંડીગઢની દરેક જગ્યા, દરેક ગલીઓની સુંદરતા નોંધી રહી છે! સાથે તે લખે છે, ‘અને હા, હું આ બધા દૃશ્યોને મારા મોબાઈલ કેમેરામાં કેદ કરી રહી છું. ફોટોઝ ભલે ઉત્તમ નથી, પણ એ દરેકે દરેક ફોટા મારા હૃદય સાથે જોડાયેલાં છે! મેં જોયેલા દૃશ્યો ફોટામાં અપ્રતિમ લાગે છે!
ફૂલના ઝાડમાંથી ઉગતા સુરજનું ચિત્ર લઈ તાહીરા લખે છે, ‘ગઈકાલે મેં આ ચિત્ર એના સૌંદર્યને કારણે મોબાઈલથી લીધું હતું. પરંતુ આજે આ પિક્ચર જાણે કહી રહ્યું છે, આશા રાખો, ખીલો, આબાદ થાઓ, વૃદ્ધિ પામો, હિંમત રાખો! આ જ બધા બદલાવ હું મારામાં પણ જોઈ શકું છું. એક માનવ જ છે, જે હંમેશા નિરાશ થઇ જાય છે. ઠીક છે, તમે હારી ગયાનો અનુભવ પણ કરો. પરંતુ આ વિચારને ત્વરિત મનમાંથી કાઢી નાખો. આ જ વાતે હું પોતે પણ દ્રઢ નિશ્ચય રાખું છું. જે હું તમારી સાથે વહેંચવા માંગુ છું. તમે તમારો નિશ્ચય અહીં મને જણાવો. મારા નિશ્ચય વિશે કહું તો, હું કોઈ એક ધ્યેયને પકડીને મારી જિંદગી જીવી લેવા માંગું છું.’
તાહિરાએ બીજો એક ફોટો શંકર ભગવાનની પ્રતિમાનો મૂક્યો છે. જે એંગલથી ફોટો લેવા એણે કષ્ટ કર્યું છે તે વિશે તાહિરા લખે છે, ‘હું મારા રોજીંદા નિયમ પ્રમાણે સાયકલ પર જઈ રહી હતી,. આ સુંદર પ્રતિમા જોઈ. પરંતુ તેના પર પ્રકાશ નહોતો પડી રહ્યો. આથી બીજા દિવસે સમયની ગણતરી કરીને વહેલાસર હું ત્યાં પહોંચી ગઈ. પ્રતિમાને જોઈને હું તો અભિભૂત થઈ ગઈ! સૂર્યનો પ્રકાશ સીધો ભગવાનના ત્રિશૂળ પર જ પડી રહ્યો હતો. આ વાત તમે ફોટામાં નોંધી હશે! અને ઉપરથી એક પક્ષી પણ ઊડી રહ્યું હતું. બસ, મેં આ ક્ષણને મારા કેમેરામાં કેદ કરી લીધી! પણ આ વાતે મારો દિવસ સુધારી દીધો!’
તાહિરા પોતે કેન્સર સર્વાઈવર છે. તેણે તે દરમ્યાન પણ ઈન્સ્ટાગ્રામ પર ‘feeling very low’ કરીને પોસ્ટ લખી હતી. તે વખતે તેના ઇન્સ્ટાગ્રામ ફેનથી લઈને આયુષ્માન સાથે ‘ડ્રીમગર્લ’ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.
અઠવાડિયા પહેલાં તાહિરાના ઇન્સ્ટાગ્રામ પરના ફોટા જોઈને અભિનેત્રી યામી ગૌતમ જે આયુષ્માન સાથે ફિલ્મ કરી રહી છે. તેણે પણ તાહિરાની પોસ્ટના પ્રત્યુત્તરમાં લાલ હ્રદયનું ચિહ્ન મૂક્યું હતું. યામી ગૌતમ પણ ચંડીગઢની રહેવાસી છે.
તાહિરા કશ્યપ અને આયુષ્માન ખુરાના નવેમ્બર 2008માં પરણ્યાં હતા. તેમને વિરાજવીર અને વરુષ્કા નામે બે બાળકો છે.