આપણા શરીરમાં પગ એક એવો ભાગ છે, શરીરનું એવું અંગ છે કે જેને દરેક પરિસ્થિતિ, દરેક ઋતુનો અનુભવ કરવો પડતો હોય છે. શિયાળો હોય, ચોમાસુ હોય કે પછી ઉનાળો દરેક સીઝનનો મારો સહન કરવો પડતો હોય છે. આપણે આખા શરીરનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હોય છે. પરંતુ પગનું થોડુ વધુ પડતું ધ્યાન રાખવુ પડતું હોય છે. ગરમીમાં પરસેવાના કારણે ત્વચાને નુક્સાન પહોંચે છે. યુવતીઓમાં સૌથી વધુ ફરીયાદ પગમાં સ્કિન ટેનની હોય છે. ઓફીસ અને કોલેજ જતી યુવતીઓને ખાસ આ પ્રકારની ફરીયાદ હોય છે. રોજ તડકામાં જાવ ત્યારે ચંપલ અને સેંડલના શેપ પણ પડી જતાં હોય છે. ત્યારે પગની સ્પેશિયલ સંભાળ લેવી ખૂબ જરૂરી છે.
ગરમીની વાત કરીએ તો ગરમીમાં શૂઝ પહેરવાથી ખૂબ પરસેવો થાય છે. આખો દિવસ બહાર ફરવાનુ આવતા, પગમાં પરસેવો થતા ત્વચા ભીની જ રહે છે. ત્વચા ભીની રહેવાના કારણે પગમાં ફંગલ ઇન્ફેક્શન થઇ જાય છે. જો તમે પૂરતુ ધ્યાન ન આપો તો આ સમસ્યા કાયમી પણ થઇ જાય છે. જેમાં તમારી ચામડી ડ્રાય, ફંગલવાળી અને ખંજવાળ આવે એવી થઇ જાય છે. ખાસ કરીને આંગળીઓની વચ્ચે ફંગલ ઇન્ફેક્શન થઇ જતુ હોય છે. પગમાં ચામડી સૂકાઇને નીકળવાની તકલીફ થતી હોય તો તમારે ડોક્ટરની સલાહ લઇ યોગ્ય ક્રીમ અને દવા લેવી ખૂબ જરૂરી છે. ગરમીમાં પરસેવો ખૂબ વધુ થાય છે જેથી શક્ય હોય એટલુ મોજા પહેરવાનું ટાળી દેવુ. કારણ કે હવાની અવરજવર નહીં થાય એટલું ઇન્ફેક્શન વધી જશે. ભેજવાળા વાતાવરણમાં પણ જેટલુ શક્ય હોય તેટલુ ચામડીને બને તેટલીવાર હવા મળે એ રીતે ખુલ્લા શૂઝ પહેરો.
પગને હંમેશા સ્વચ્છ રાખો. સવારે સ્નાન કરતી વખતે તેમજ બહાર જઇને આવ્યા બાદ પગને સારી રીતે ધોવો. પગને ધોયા બાદ સ્વચ્છ કપડાથી કોરા કરી દો. ખાસ કરીને આંગળીઓ વચ્ચે એકદમ ઘસીને સાફ કરો અને ત્યાં જરા પણ ભીનાશ ન રહેવી જોઇએ. પગ ધોઇને કોરા કર્યા બાદ ટેલ્કમ પાઉડર લગાવો. તમે શુઝ પહેરતા હોવ તો શુઝની અંદર પણ પાઉડર લગાવી શકો છો. રાતે થાકીને ઘરે આવો ત્યારે થોડું મીઠુ નાખેલા ઠંડા પાણીમાં રાખી શકો છો જેનાથી તમને ઘણી રાહત મળશે.
પગને હૂંફાળા પાણીમાં પણ પલાળી શકો છો. દિવસ દરમિયાન બહાર ફર્યા બાદ પગમાં લાગેલી ધૂળ અને ચિકાશ દૂર કરવા માટે પગને હૂંફાળા પાણીમાં પલાળી રાખો. આવુ કરવાથી પગ પણ સાફ થશે અને થાક પણ દૂર થશે. સૌથી વધુ મહત્વનું છે કે પગને સન ટેન થતા બચાવવા. ઘરમાંથી બહાર નીકળો ત્યારે ચહેરા અને હાથની જેમ પગ પર પણ સનસ્ક્રીન લોશન લગાવો. કારણ કે સ્કિન કાળી થશે તો પગ પર તરત જ દેખાય આવશે. જો સનસ્ક્રિન લોશન ન લગાવો તો પગમાં મોજા પહેરીને બહાર નીકળો. પગ માટે સ્પેશિયલ ફૂટ પાઉડર પણ આવે છે.
ફૂટ પાઉડર લગાવવાથી દિવસ દરમિયાન પગમાં પરસેવો પણ નહી થાય અને દુર્ગંધ પણ નહી આવે. ખાસ કરીને યુવતીઓ પગમાં પેડિક્યોર કરાવી શકે છે. જો શક્ય હોય તો ઓછામાં ઓછુ મહિનામાં એક વાર તો પેડિક્યોર કરાવો. ફૂટ મસાજ કરવાથી પગ અને પાનીઓ એકદમ ચોખ્ખી રહેશે. નખ પણ સાફ થતા રહેશે તો એમાં પણ ધૂળ નહી જાય. જો તમે ફૂટ મસાજ માટે પાર્લરમાં જવા ન ઇચ્છતા હોવ તો તમે ઘરે પણ કરી શકો છો. ઠંડા પાણીમાં મીઠુ, ગુલાબજળ, લીંબુનો રસ નાખીને પગને પાણીમાં પલાળી રાખશો તો પગને ઠંડક મળશે અને સાફ પણ થઇ જશે.