ગુણકારી તુલસીથી મેળવો સૌંદર્ય

તુલસી એક એવી વનસ્પતિ છે કે જે દરેક પ્રસંગમાં પવિત્ર માનવામાં આવે છે. ભારતભરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીના રૂપે પણ ઓળખવામાં આવે છે. આપણા હિંદુ ધર્મમાં બે પ્રકારના તુલસીની પૂજા કરવામાં આવે છે એક રામ તુલસી અને બીજા શ્યામ તુલસી. દરેક હિંદુઓના ઘરની બહાર તુલસીનો છોડ રોપવામાં આવે છે. તુલસી માત્ર પ્રસંગમાં જ નહી પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ગુણકારી માનવામાં આવે છે.

આયુર્વેદમાં તુલસીના અનેક ઉપયોગો છે. તુલસીનો છોડ ઘરનાં અને આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરે છે અને જીવજંતુઓને દૂર રાખે છે. તુલસીવાળી ચા હેલ્ધી હોય છે. શરદી, ઉધરસ, માથાનો દુખાવો, પેટના રોગોમાં પણ તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસીનો રોગના નિરાકરણ માટે તો ઉપયોગ કરવામાં આવે જ છે પરંતુ ત્વચા માટે તુલસીને એટલી જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીનો ફેસ પેક બનાવીને તમે તુલસીને ઉપયોગમાં લઇ શકો છો.

તુલસીમાં એટલા બધા તત્વો છે કે તે ત્વચા પર જાદુની જેમ અસર કરે છે. તુલસીમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને બ્લડ પ્યોરિફાય કરનારા તત્વો હોય છે. ફેસ પર થતા ખીલને તો તુલસી દૂર કરે જ છે સાથે-સાથે કોમ્પ્લેક્શન પણ નિખારે છે. અત્યારે બજારમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ ક્રીમ મળી રહે છે પરંતુ એમાં પણ અમુક કેમિકલ એવા હોય છે કે જે તમારી ત્વચાને નુક્સાન કરે છે. તો એવી ક્રીમ વાપરવી એના કરતા તુલસીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ એટલા ભરપૂર પ્રમાણમાં હોય છે.

તુલસીનો નિયમિત ઉપયોગ કરશો તો ત્વચા સુંવાળી અને ચમકદાર મેળવી શકાય છે. તુલસીમાં રહેલા ગુણો ત્વચા પર થતા ખીલને કાબૂમાં રાખે છે. નોર્મલથી ડ્રાય સ્કિન માટે બે ચમચી તુલસીનો રસ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી જીરૂ પાઉડર સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કપાળ તેમજ નાક અને દાઢી પર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તેને ધોઇ નાખો. જો તમારે સારુ રીઝલ્ટ જોઇતુ હોય તો આ પેસ્ટ લગાવ્યા પહેલા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઇ લેવો. જો તમારી ત્વચા સૂકી હોય તો આ પેસ્ટમાં એક ચમચી દહીં અથવા તો એલિવ ઓઇલ મિક્સ કરીને લગાવી શકો છો. આ પેક લગાવવાથી ચહેરા પર કાળા ડાઘ, ખીલ દૂર થશે અને ત્વચા પણ ગોરી થશે. જો ચહેરા પર ફોલ્લીઓ થઇ હોય તો તુલસીના પાનને વાટી તેમાં હળદર મિક્સ કરીને લગાવો અને પેક સૂકાયા બાદ તેને હૂંફાળા પાણીથી ધોઇ નાખો.

તમે મેકઅપ કર્યા બાદ અથવા તો બહારથી આવ્યા બાદ ચહેરાને ક્લિન્ઝીંગ મિલ્કથી ક્લિન કરતા હશો. ક્લિન્ઝીંગ કર્યા બાદ ત્વચાના રોમછિદ્રો ખૂલી ગયા હોય છે. ખૂલી ગયેલા રોમછિદ્રોને બંધ કરવા ટોનર લગાવવુ ખૂબ જરૂરી છે નહીંતર એ રોમછિદ્રોમાં ધૂળનાં રજકણો ભરાય છે અને આગળ જતા ખીલ થાય છે. જો તમારે આવુ ટોનર ઘરે જ બનાવવુ હોય તો કડવા લીમડાનાં અને તુલસીનાં પાનને એકસાથે ઉકાળો. ઉકાળીને મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને ગાળીને એક બોટલમાં ભરી લો. જો ચહેરા પર કોઇ એલર્જી હોય અથવા તો ખીલ હોય તો આ પાણીથી ચહેરો પણ ધોઇ શકો છો.

ચહેરા પર ગ્લો લાવવા માટે તમે મોંઘાદાટ પાર્લરમાં જતાં જ હશો, અનેક જાતના ફેશિયલ, બ્લીચ કરાવતા હશો. પરંતુ જો તમારે ઘરે બેસીને જ ચહેરા પર ગ્લો લાવવો હોય તો તુલસી ખૂબ લાભદાયી છે. તુલસીનાં થોડા તાજા પાન લઇ તેને ગરમ પાણીથી ધોઇ કાઢી પીસીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો અને સૂકાઇ જાય ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઇ નાખો. તરત જ ઠંડા પાણીનો છંટકાવ કરો જેથી તમારી ત્વચા ચળકતી દેખાશે અને રિઝલ્ટ પણ સારુ મળશે. આ ફેસપેક લગાવવાથી ખીલથી પણ છૂટકારો મળે છે અને ત્વચાને પણ ઠંડક મળે છે. ચહેરા પર જો કરચલીઓ, છબરડા અથવા તો લાલાશ હોય તો પણ ફેસપેક ખૂબ ઉપયોગી છે. ફેસપેક લગાવવાથી ત્વચા ફ્રેશ પણ લાગશે અને ગ્લો પણ આવશે. જો ત્વચા સૂકી હોય તો તુલસીની પેસ્ટમાં એક ચમચી દહીં ઉમેરીને લગાડો. અને જો ત્વચા તૈલીય હોય તો મસૂરની દાળનો થોડો પાઉડર ઉમેરવાથી પેક સાથે સ્ક્રબ પણ થઇ જશે.

વ્યક્તિને થતા રોગ, પછી એ કોઇપણ રોગ કેમ ન હોય ક્યાંક ને ક્યાંક ચિંતા અને થાક પણ જવાબદાર હોય છે. ચહેરા પર થાક અને ચિંતા તરત દેખાય આવે છે. સ્ટ્રેસ ઓછુ કરવુ એ હેલ્થ માટે ખૂબ આવશ્યક છે. ત્યારે તુલસીમાં રહેલા તત્વો શરીરને વાતાવરણમાં રહેલા ઝેરી તત્વો સામે રક્ષણ પૂરુ પાડે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તુલસીનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીર સ્વસ્થ પણ રહે છે.