જયારે આપણા નાના ભૂલકાઓ આપણાં જીવનમાં આવે ને ત્યારથી લઈને, એ લોકો જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં
સુધી એની આપણી પાસે માત્ર એક જ ડિમાન્ડ હોય છે કે “મને હજુ તમારી જરૂર છે”. બસ આટલી જ નાની વાત એ બોલી નથી શકતા કે આપણે ક્દાચ સાંભળી નથી શકતા. જ્યારે એની પાસે શબ્દો નહતા ત્યારે રડીને, સ્પર્શીને અને વળગીને આપણને બધું જ સમજાવી દેતા. પણ જયારે તેઓ શબ્દો શીખ્યા, ત્યારે એનું સમજાવું અને આપણું સમજવું બનેમાં તફાવત આવી ગયો. કાલી ભાષા આપણને સમજતા એટલો સમય ન્હોતો લાગ્યો જેટલો એની પરિપકતા સમજતા લાગ્યો, કેમકે ઘણી વખત એના ગેરવર્તનને, ગુસ્સાને, ચીડિયાપણાને આપણે ઘણું જ સહજતાથી લઇ લીધું અને આગળ પણ લેતાં રહેશું. કોઈ વખત આપણે કદી વિચાર્યું કે એની એક એક લાગણીઓનો ઈશારો ક્યાંક આપણી બેજવાબદારીઓ તો નથી ને? ક્યાંક તો ચૂક હોય તોજ સમાજમાં, સ્કૂલોમાં નાના બાળકો દ્વારા હિંસા થાય, અને ખૂન જેવા બનાવો બને.

એ વાત નકારવી અઘરી જ છે કે ટીવી મોબાઈલ બધું જ શીખવે, પણ શું એ વાત સમજવી પણ એટલી જ અઘરી છે કે ઘરનું વાતાવરણ, ઘરના લોકોની વર્તણૂંક, ટીવી મોબાઈલ કરતાં વધુ પ્રભાવિત કરે? શું હજુ પણ આપણે એ ખૂણાઓથી અજાણ છીએ જેમાં એનુ એ વ્યક્તિત્વ વિક્સ્યુ જેને જાણવું ભયંકર છે? ક્યાં ચુક્યા, આપણી ક્યાં ખોટ રહી ગઈ અને હવે શું કરી શકીયે, ક્દાચ એ બધા સવાલોના જવાબ એટલા હાજર નથી કે નથી એટલા સહેલા. જવાબદારીઓથી ભાગવું ક્દાચ હવે પરવડે એમ નથી. એક જમાનો હતો જયારે મોટા ભાઈ બહેનની સાથે નાના ભાઈ બહેન મોટા થઇ જતાં, 4-5 છોકરાઓ ક્યાં ફરતાં હોય એની કઈ ખબર ના હોય, પણ હવે સમય સાથે પેરેન્ટિંગની વ્યાખ્યા પણ બદલવી જરૂરી બની ગઈ છે.
જયારે કોઈ બાળક જન્મે છે, ત્યારે એક માતાપિતાનો પણ જન્મ થાય છે, અને બાળક સાથે રોજ નવું શીખવું એની રોજનીશી…. એટલે પેરેન્ટિંગ શબ્દની સાચી પરિભાષા જાણવી અને સમજવી ખૂબ જ કઠિન છે,કેમકે તેમાં રોજ નવું શીખવાનું હોય છે. જ્યાં એક રીલ તમને એવુ ગિલ્ટ ફીલ કરાવી શકે કે તમે સારા પેરેન્ટ નથી ત્યાં એક સત્ય એ પણ છે કે પેરેન્ટિંગની કોઈ જ વ્યાખ્યા કે નિયમો નથી. એ એક એવી સફર છે જેમાં બાળક અને માતાપિતા બન્ને જ વિકસે છે, શીખે છે. પરંતુ થોડા માર્ગદર્શન અને ડિસિપ્લિનથી તેને જરૂર થી બહેતર બનાવી શકાય છે. એક વાતાવરણ ઉભું કરી શકાય છે જેમાં એમનું બાળક સલામતી અનુભવે.
ઈમોશનલ રેગ્યુલેશન
ગુસ્સામાં બાળકો અને ઘણી વખત આપણે પિતો ગુમાવીએ છીએ, બાળપણથી જ બાળકને ગુસ્સો, ભય, જેવી લાગણીઓ સાથે કેવી રીતે વર્તવું એ શીખડાવવામાં આવતું નથી. રડવું, ગુસ્સો કરવો જેવી કુદરતી લાગણીઓ અંદરથી નીકળવી જેટલી જરૂરી છે, એટલો જ એનો સ્વીકાર કરવો. ‘બહું થયું હવે રડીશ નહીં, વાત વાતમાં છોકરીઓ રડે ‘ જેવા શબ્દોની માનસિક રીતે ગહેરી અસર પડે છે. એના બદલે એમનો સાહજિક સ્વીકાર કરવો ઘણી વખત બોજ બનતો નથી. ‘વાંધો નહીં, દીકરા, એ ના મળ્યું, હું જાણું છું દુઃખ થાય પણ આપણે બીજી વાર કોશિશ કરશું.’ જેવા શબ્દોનો નાનો દિલાસો પણ ઘણી જ અસર કરે છે.

ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન
કોઈ પણ વસ્તુ કે બાળકોની વાત તરત જ માનવાની કુટેવ, તેમને અધીરા બનાવી દે છે અને આગળ જતાં જિદ્દી. કેમકે અહીં પેરેન્ટ્સ બાળકથી ડરે છે. દરેક વખતે જીદ્દ પૂરી થવાથી, બાળકની રાહ જોવાની કેપેસીટી ખત્મ થઇ જાય છે અને એ ધીરજ ગુમાવે છે..
કૉમ્યૂનિકેશન ગેપ
જ્યાં કોમ્યુનિકેશનના નામે મોટા ભાગે મોટા ભાષણો જ હોય છે, જેમાં સંવાદ માત્ર એક તરફી, શબ્દો વધુ અને સમજણ શૂન્ય. જ્યાં બાળકોને સમજવામાં પેરેન્ટ્સના ઈગો, લાઈફસ્ટાઇલ, સ્ટેટ્સ અને ઘણી વખતે માન્યતા જેવા પાસાઓ વચ્ચે આવતા હોય છે. જે બદલાયું નથી એનુ બદલવું પણ ઘણી વાર જરૂરી હોય છે. પરંપરા, અનુશાસન અને ડિસિપ્લિન થી વધુ જરૂરી ક્યારેક બાળકોની લાગણીઓ હોય છે. બસ તેની મર્યાદાઓથી બન્ને વાકેફ હોવાં જરૂરી છે.
અવગણી ના શકાય એવા હાનિકારક સંકેતો
બાળકોમાં અચાનક બદલાવ આવતા નથી, કેમકે એ હંમેશા નોટીસ કરેલી વર્તણૂંક અને વ્યવહારની શ્રેણી હોય છે જે એમના વિચારોમાં બદલાવ લાવે છે. માતાપિતાને ઘણી વાર આ બદલાવના સંકેતો મળતા હોય છે, એને સમજવા જરૂરી હોય છે. જેમકે નજીવી વાત પર extreme reaction, વસ્તુઓની તોડફોડ, પોતાને નુકસાન કરવું, મારઝૂડ કરવી વગેરે બાબતો ગણકારી ના શકાય.

આઇસોલેશન
બાળક અચાનક એકલું રહેવું પસંદ કરે, કોઈની હાજરી એને ખટકે, વાત વાતમાં ચિડાઈ જવુ, હંમેશા ગુસ્સામાં રહેવું,કે ચૂપ થઇ જવુ, વાતો છુપાવવી કોઈ છાની મુસીબતઓના સંકેત હોય શકે.
શુ કરી શકાય?
ઘણી વાર ડિસિપ્લિન, હેલ્ધી બાઉન્ડરીસ બનાવવી જરૂરી હોય છે જ્યાં ‘ના’ નો અર્થ ‘ના’ જ હોય. સૌથી વધુ જરૂરી ઘરનું વાતાવરણ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ કે ડાઇનિંગ ટેબલથી મોટી યુનિવર્સિટી મળવી મુશ્કેલ છે જ્યાં બાળક જીંદગીના સૌથી મહત્વના પાઠ શીખે છે. એટલે એ વાતાવરણને સુગમ બનાવવું મોટાભાગે,આપણા હાથમા હોય છે. ઘણા કિસ્સાઓમાં પરિસ્થિતિમાં ઇમોશનલ ચેક ઈન કરવું જરૂરી હોય છે. માથા પર હળવો સ્પર્શ પણ ક્યારેક અસર કરી જાય છે. એની સાથે રોજ શું થાય છે, આસપાસના લોકો, એનું વર્તન વગેરેની જાણકારી પેરેન્ટ્સને હોવી જરૂરી છે. ગુસ્સામાં, ખીજમાં બિહેવિયર પર કન્ટ્રોલ આજના સમયમાં ખૂબ જરૂરી છે. કેમકે લાગણીઓ વહેવાનો રસ્તો માત્ર ગુસ્સો જ નથી, ઊંડા શ્વાસ લેવા, લખવું કે કોઈને વાત કહી દેવાથી પણ હલકા થતાં હવે એ લોકોને શીખડાવું પડશે. બસ લાગણીઓ ઠલવી શકે એવુ વાતાવરણ બનાવાની જવાબદારી આપણી હોવી જોઈએ.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)





