પીએમ મોદીએ સિંધુ સાથે આઈસક્રીમ ખાવાનું વચન પાળ્યું ખરું!

પોતાના ધ્યેયને મેળવવા માટે કરેલા સખત પરિશ્રમની કદર જરૂર થાય છે. ઓલિમ્પિક્સ ખેલાડીઓને ટોક્યો જતાં પહેલાં વડા પ્રધાન મોદીએ શુભેચ્છા, પ્રોત્સાહન આપ્યા હતા. સાથે સાથે ટોક્યોથી વિજીયી થઈને આવ્યા બાદ તેમને ભાવતી વાનગી સાથે ખાવાનું વચન સુદ્ધાં આપ્યું હતું. આ વચન તેમણે પાળ્યું પણ!

 

ભારતને ગર્વ કરાવનારી સ્ટાર બેડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી.વી.) સિંધુએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે. આ સાથે સિંધુ સત્તાવાર રીતે ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે બે મેડલ જીતી લાવનારી પહેલી ભારતીય મહિલા એથ્લીટ બની છે. સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક્સમાં પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો.

સિંધુને આઈસક્રીમ બહુ ભાવે છે. તેથી ઓલિમ્પિક ગેમ્સ માટે ટોક્યો જતાં પહેલાં સિંધુને શુભેચ્છા સંદેશ આપતી વખતે પીએમ મોદીએ તેને તેના આહાર પથ્ય તેમજ આઈસક્રીમ ખાવા વિશે પૂછ્યું હતું. ઉત્તરમાં સિંધુએ જણાવ્યું, ‘સર દેખીતી રીતે, મારે એ પાળવું પડશે. એક એથ્લીટ માટે ડાયેટ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. અને હાલમાં હું ઓલિમ્પિક્સની તૈયારી કરી રહી છું. એટલે આઈસક્રીમ વધુ નથી ખાતી. ક્યારેક જ ખાઉં છું.’

પીએમ મોદીએ પણ સિંધુને ઓલિમ્પિક્સમાં સફળ થઈને ભારત આવ્યા બાદ સાથે આઈસક્રીમ ખાવાનું આમંત્રણ આપ્યું હતું, જે તેમણે પાળી બતાવ્યું.

સોમવારે જ્યારે પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને ભારતીય ખેલાડીઓની યજમાની કરી, ત્યારે તેમણે તે વચન પૂર્ણ કર્યું અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સાથે આઈસ્ક્રીમ ખાધો. પીએમ મોદીએ આ મહિનાની શરૂઆતમાં ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે તમામ ભારતીય રમતવીરોની પ્રશંસા કરી હતી અને તેમની સાથે વ્યક્તિગત મુલાકાત અને શુભેચ્છા સત્ર કર્યું હતું.

ટોક્યો ઓલિમ્પિક્સમાં સિંધુના મેડલ જીત્યા બાદ તેના પિતા પીવી રમનાએ જ્યારે એએનઆઈને જણાવ્યું હતું કે, ‘તે 3 ઓગસ્ટે આવી રહી છે. હું દિલ્હી જવાનું નક્કી કરી રહ્યો છું. આપણે ઓલિમ્પિક્સમાં દેશ માટે વધુમાં વધુ પદકો પ્રાપ્ત કરવા જોઈએ. પીએમે સિંધુને ઘણું પ્રોત્સાહન આપ્યું છે  અને ટોક્યો ઓલિમ્પિક્સથી પાછા ફર્યા બાદ સાથે આઈસક્રીમ ખાવા કહ્યું છે. હવે તે પીએમ સાથે આઈસક્રીમ ખાશે.’

આ વાત સાથે પીએમ મોદીની આઈસક્રીમવાળી વાત પર લોકોની ટ્વિટર પર ઘણી જ ઉત્સાહજનક પ્રતિક્રિયા હતી. કોઈકે લખ્યું, ‘ઘણાં ઓછા લોકો હોય છે. જેમને પીએમ સાથે નાસ્તો અથવા આઈસક્રીમ ખાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.’ તો  કોઈએ લખ્યું, ‘આ આઈસક્રીમ મેળવવું એ તેની ઓલિમ્પિક્સમાં જીતવા માટેની લગની અને તેના માટે કરેલા સખત પરિશ્રમનું ફળ છે.’

ઘણાં લોકો એ પણ જાણવા માંગતા હતા, ‘શું અમૂલ હવે સિંધુને જીંદગીભર વિના મૂલ્યે આઈસક્રીમ પૂરું પાડશે?’

લોકો દ્વારા ટ્વિટર પર મૂકાયેલી ખાસ પ્રતિક્રિયાઃ

https://twitter.com/abhi_rocks1004/status/1421821588010266630?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1421821588010266630%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffood.ndtv.com%2Fnews%2Fpv-sindhu-to-eat-ice-cream-with-prime-minister-modi-twitter-reacts-2500526

આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બનવાનું લક્ષ્ય હોય ત્યારે તે માટે સખત પરિશ્રમ તો લાગે છે. પરંતુ માનસિક સજ્જતા પણ કેળવવી પડે છે. તે માટે સિંધુ કહે છે, ‘મેડિટેશન (ધ્યાન કરવું) તે તેના વિચારોને શાંત કરવામાં તથા લાગણીઓને સમજવામાં બહુ મદદરૂપ થાય છે, વધુમાં ઉમેરે છે, મેડિટેશન એક જાદુઈ ગોળીનું કામ કરે છે.’

પીએમ મોદીએ સિંધુને દેશનું ગૌરવ કહ્યું છે. પાંચ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ પોતાના નામે કરનાર ટોક્યો બ્રોન્ઝ મેડલિસ્ટ સિંધુ તેના હવે પછીના લક્ષ્ય વિશે જણાવે છે, ‘હજી ઘણા આંતરરાષ્ટ્રીય આયોજનો ઉભા છે. ટૂંક સમયમાં હું ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દઈશ અને હું ફક્ત સારું રમવા માંગું છું અને તેમાં હું શ્રેષ્ઠ કરવા માંગું છું. સ્પેનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. જેમાં હું સારું રમવાની આશા રાખું છું. 2024માં પેરિસ ઓલિમ્પિક્સમાં હું ચોક્કસ ભાગ લઈશ. જો કે, તે માટે હજુ ઘણો સમય છે. અત્યારે તો હાલમાં મળેલી સફળતાની પળોને મમળાવી રહી છું.’