જીંદગી નામની ફિલ્ડમાં અહીં દરેકને પોતાની ગેમ રમવી પડે છે. અને પરફોર્મ કરવું પડે છે. દરેકનુ પર્ફોમન્સ અહીં તાળીઓના ગડગડાટથી ભરપૂર હોય એ જરૂરી નથી, તેમ છતાં અહીં હર કોઈ પોતાને સૌથી શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનો ઉત્તમ પ્રયત્ન કરે છે. અને એના આધારે જ અહીં આપણને લોકો દ્વારા, સમાજ દ્વારા કોઈ ને કોઈ લેબલ આપવામાં આવે છે, અંતમુખી, બહુમુખી જેવા લેબલ ચોટાડવામાં આવે છે. સાદી ભાષામાં બોલકા, કે મીંઢા જેવા લેબલો જાણીતા છે.
પરંતુ હુમન સાયકોલોજી એક વિશાળ સમુદ્ર છે, જેમાં એક જ માનવી હંમેશ એકરંગી હોય તે જરૂરી નથી,તે હંમેશ એક જ ઢાંચામાં ફિટ બેસે તે પણ શક્ય નથી. કોઈ માણસ એકલતા વધુ પસંદ કરે છે, જયારે કોઈને ટોળા વગર ચાલતું નથી…કોઈને શાંતિ વધુ પસંદ છે, જયારે કોઈને એકલતા કોરી ખાય છે. એ લોકોને હંમેશ કોઈને શોધ્યે રાખે છે જેથી તે પોતાની સુખ દુઃખની વાતો કહી શકે, સાંભળી શકે. અને અમુક લોકો એવા હોય છે જેઓ આ બને બીબામાં બંધ બેસતા નથી, એ છે ઓટ્રોવર્ટ..
ન તો તેઓને એકાંત ગમે છે એટલું કે બધાથી દૂર રહે, ન તો લોકોની વચ્ચે રહેવું તેમને સતત ખુશ રાખે છે. એવા લોકોને હવે એક નવું નામ મળ્યું છે, ‘ઓટ્રોવર્ટ’ (Otrovert). આ શબ્દ માનસિક તજજ્ઞ ડૉ. રામી કમિન્સ્કી દ્વારા હાલમાં જ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એવી વ્યક્તિ જે ‘સાચા સંબંધો’ અને ‘સાચાપણું’ શોધે છે, ભીડમાં રહેવા નહીં, પણ પોતાને સમજવા માટે જીવતી હોય છે. ‘ઓટ્રોવર્ટ’ શબ્દનું નિર્માણ ડૉ. રામી કમિન્સ્કીએ, તેવા લોકો માટે કર્યું છે , જે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટની વચ્ચે છે અને “વચ્ચે” હોવાને લીધે, તેઓ “અલગ” હોય છે. જો આસપાસના બધા ઉત્સાહિત હોય, તો પણ તેઓ એ ભાવના ‘ફીલ’ કરે એ જરૂરી નથી. તેઓ પોતાના આંતરિક દુનિયામાં વધુ જીવે છે.
ઓટ્રોવર્ટ -પોતાના સ્વભાવનો ત્રીજો રંગ
ધારો કે કોઈ ઓફિસમાં એક પાર્ટી ચાલી રહી છે. બધા હસતા, ડાન્સ કરતા અને ફોટા લેતા વ્યસ્ત છે. પરંતુ ખૂણામાં એક વ્યક્તિ શાંતિથી કૉફી પી રહી છે, આપણે તેને નામ આપીએ, એ છે રીમા. તે સૌને ઓળખે છે, સૌ તેને ઓળખે છે, છતાં એ જૂથમાં મિક્સ નથી થતી. કોઈ પૂછે, “રીમા, તું એન્જોય નથી કરતી?”
તે હળવું સ્મિત કરીને કહે, “હા, કરી રહી છું પણ મારી રીતે.”
પાર્ટી પૂરી થયા પછી તે ઘરે જઈને સંગીત સાંભળે છે, પોતાના વિચારો લખે છે, અને ખુશી અનુભવે છે.
રીમા ન તો ઇન્ટ્રોવર્ટ છે કે જેને લોકો સાથે વાત કરવી ન ગમે, ન તો એક્સ્ટ્રોવર્ટ કે જેને ભીડ વિના જીવવું મુશ્કેલ પડે. તે એક ઓટ્રોવર્ટ છે, એવી વ્યક્તિ જે ‘સાચા સંબંધો’ અને ‘સાચાપણું’ શોધે છે, ભીડમાં ભળવાં નહીં, પણ પોતાને સમજવા માટે.
આવાં લોકો માટે સામાજિક ધોરણો અલગ હોય છે, જે વધુ પ્રેક્ટિકલ અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર હોય છે જે ટોળામાં રહેવા છતાં તેમાં ભળતા નથી. જો આખું જૂથ એક મત પર છે, તો પણ ઓટ્રોવર્ટ પોતાના વિચારથી વળગેલા રહે છે. તેઓને ખબર છે કે તેઓ દરેક જગ્યાએ ફીટ નહીં બેસે, છતાં એમાં સંકોચ નથી. એ અલગપણું જ તેમની શક્તિ છે.
કદાચ આજ રંગ હવે માનવીય સ્વભાવમાં ઉત્ક્રાંતિ લાવી રહ્યો છે. આપણે સમય જતાં દુનિયા બદલતી જોઈ અને અનુક્રમે લાગણીઓનો ભારો લઈને ચાલતો માનવોનો સમૂહ પણ.. વૈજ્ઞાનિકો ક્રમ બદ્ધ રીતે માનવોમાં ભૌતિક તફાવતો રજૂ કરતાં રહ્યા પણ કદાચ પહેલી વાર હુમન સાયકોલોજીમાં એવુ બન્યું કે સમયનુસાર માણસના સ્વભાવ પણ બદલતાં ગયાં, વિચારો ઉત્ક્રાંતિ પામ્યા, સમાજને પોતાને બહેતર બનાવવા માટે જાગૃત થયાં.
એટલે જ એ કહેવામાં બેમત નથી કે ઓટ્રોવર્ટ વધુ સંવેદનશીલ અને સફળ થઈ શકે છે કેમકે જીવનના આ મેદાનમાં જ્યાં દરેક પોતપોતાની ગેમ રમે છે, ત્યાં “ઓટ્રોવર્ટ” એ એવા ખેલાડી છે, જે જીત કે તાળીઓ માટે નહીં, પરંતુ પોતાની અંદરનાં સત્યને સમજવા માટે રમે છે. તેઓ બહારની દુનિયામાં રહે છે, પણ અંદરનું વિશ્વ ભૂલતા નથી. અને એજ સંતુલન એને સર્વશ્રેષ્ટ બનાવે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
