દુઃખને સંભાળી લેવાની કળા

દુઃખ રડાવે છે એ પણ સાચું પરંતુ તેને રડતા રહેવાથી એ ઓછું થતું નથી. પરંતુ દુઃખની મજાક ઉડાવી શકાય જે સાંભળતાં હાસ્યાસ્પદ લાગે છે. તેમાય દર્દ કેન્સરનું હોય, એ પણ દસ વર્ષ જુનું તો વાત માન્યામાં આવતી નથી. શારીરિક તકલીફ ભલભલાને મનથી તોડી નાખે છે. પરંતુ આ બધાને હરાવીને ખુશ રહેનાર એ દરેકને યોધ્ધાથી ઓછા નાં આંકી શકાય.

વાત છે લતાબેન કાનુગાની. લતાબેન સાથેની મુલાકાત સાહિત્યિક સંસ્થા ‘વેલ વિશર વિમેન્સ ક્લબ’ દ્વારા થઇ. મુંબઈમાં જન્મ અને હાલ અમદાવાદમાં રહેતા લતાબેનનો સાહિત્યિક શોખ મજબુત છે. એજ શોખ આજે બધીજ અગવડો અને દુઃખને હસતા જીરવી જવાનો માર્ગ બની ગયો છે. આ વાત એટલે આલેખવી જરૂરી છે કે સાવ સરળ અને અદ્ભુત આ શોખ ગમેતેવા દર્દમાં પણ વિસામો બની શકે છે.

કોલેજ કાળમાં અભ્યાસ સાથે નોકરી કરતા ત્યારે પણ પૈસા બચાવીને પુસ્તકો ખરીદતા ક્યારેક હપ્તાથી પણ પુસ્તકો લઇ આવતા. એ શોખ આજે એક રીતે જીવનનો ભાગ બની ગયો છે. લગ્ન બાદ જીવનમાં પરિવર્તન આવ્યું. તેમના પતિ યજ્ઞેશભાઈ વ્યવસાયે ડોક્ટર હોવાથી નોકરીને કારણે મુંબઈ જેવા શહેરમાંથી સીધા આદિવાસી વિસ્તારમાં આવી ગયા. અહી પણ આજ પુસ્તકો સાથી બન્યા અને સામાજિક જાગૃતિ ફેલાવવા કારણભૂત બન્યા. આજે એ જ પુસ્તકો અને સાહિત્યનો શોખ જીવનદાત્રી સમો બન્યો.

૨૦૦૮ સપ્ટેમ્બરમાં બાવન વર્ષની ઉંમરે લતાબેનના પ્રથમ ટેસ્ટમાં બ્રેસ્ટ કેન્સરનો રિપોર્ટ આવ્યો. ઘરમાં થોડું ચિંતાનું વાતાવરણ ઉભું થયું, પરંતુ તેમને જાતે જ સહુને આશ્વાસન આપ્યું. સર્જરી કરીને બધી ગાંઠો કાઢી નાખવામાં આવી. સર્જરી પછી ખબર કાઢવા આવેલા ખુદ વિચારમાં પડી જાય કે આની શું ખબર પૂછીએ! એવો એમનો સ્વભાવ.

લતાબેનનું માનવું છે કે આનંદ વહેંચતા વધે!તો દુઃખ વહેંચવાથી પીડા વધવાની. સર્જરી પછી કેમોની પ્રક્રિયા ચાલી. ડોકટરે અગમચેતી વાપરી પહેલેથી જ ગળાનાં નીચેનાં ભાગમાં પોટ ઓપરેશન કરીને મુક્યોં હતો. છતાં જે એક કેમો લેતા 4 – 5 કલાક જાય એના બદલે આખ દિવસ નીકળી જતો. વાળ નીકળી જતા વિગ પહેરી. છેવટે આ સ્થિતિને પણ હસતા આવકારી આજે લતાબેન એ મસ્ત ક્લીન શેવ માથે વધુ રૂપાળા લાગે છે.

કેન્સર પેશન્ટને થોડા સમયે ટેસ્ટ કરાવવા આવશ્યક હોય છે. ૨૦૧૦માં જેના નિદાન પ્રમાણે ફરી પાંચ ગાંઠ આવી. સર્જરી કરાઈ, પણ આ વખતે કેમો કે રેડિયો થેરેપી કંઈ જ લેવાય એમ ન હતું. હ્રદય ને ફેફસાનો સવાલ હતો. માત્ર ભારે દવાઓને સહારે અને આત્મ વિશ્વાસથી તાકી શક્યા.

૨૦૧૮માં સાત વર્ષે ફરી કેન્સરે માથું ઉચક્યું. આ વેળાએ શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરી રહ્યું હતું. લતાબેન આ વિષે વાત કરતા જણાવે છે કે સાચું કહું હવે લડયાં વગર હથિયાર હેઠાં મૂકી દઉં, બાકી જે વરસ લખ્યાં હશે તે જીવી લઈશ. જેટલું જીવું, બસ દવા લઈને હેરાન થયાં વગર મજેથી જીવું.

પરંતુ પરિવારની જીદ અને મમત સામે હારી ગયા. ફરી એજ કેન્સર સામે લડવા ટ્રીટમેન્ટ શરૂ થઈ, હેવી ડોઝના ઇંજેક્શન, ભારે દવાઓ તેની સાઈડ ઇફેક્ટ. એ કરી શરીર સાથે માનસિક ત્રાસ. પરંતુ હવે તેમને આ બધા ઘોળીને પી જવાનો ઉપાય મળી ગયો હતો.

ફેસબુક, વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા સાહિત્યના ગ્રુપમાં સતત એક્ટિવ રહી એમણે કેન્સરને હરાવી દીધું. આ બધું જીવનનો ભાગ બની કિમોથેરાપીના તકલીફ ભર્યા સમયનું સાથી બની જાય છે. શરૂવાતમાં લતાબેન પણ માંડયા પણ નાનાં પ્રેરણાદાયક વાક્યો, પંક્તિઓ લખતા. એવામાં નવા કવિઓને પ્રોત્સાહિત કરતા ‘તોફાની તાંડવ’ પરિવારમાં કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલું. સાકેતભાઈ અને જીગરભાઈનાં સાનિધ્યમાં તેમની સાહિત્યિક યાત્રા શરૂ થઈ. એ પછી તો લેખનયાત્રા અવિરત ચાલી અને આજ સુધી ચાલી રહી છે. જેમ જેમ સાહિત્યક્ષેત્રમાં પગલાં માંડતા ગદ્ય અને પદ્ય બંને. પદ્યરચના કરવા લાગ્યા. લતાબેનને કુદરતનાં ફોટા પાડવાનો ખુબ શોખ. હમણાં પબ્લિશ થયેલ પુસ્તક આંગળીના ટેરવે માં પેન અને કેમેરાની ક્લિક્સથી શરૂ થયેલી સફર દેખાય છે.

“પ્રકૃતિ પીંછી
બદલાતા રંગોએ
મેઘધનુષી”

સતત સંઘર્ષ અને ઝંઝાવાત સામે અડીખમ રહેવું, એ ક્ષણે પણ હસતાં રહેવું અને છતાં સફળ થવું એ કોઈ લતાબેન પાસેથી શીખે. ત્રણ ત્રણ વખત કેન્સર જેવા મહારોગને હંફાવનારને ક્યારેય નિરાશ નથી જોયાં! ક્યારેય સોગિયું મોઢું નથી જોયું! એમનાં ચહેરે હાસ્યને જાણે કેદ કરીને ન રાખ્યું હોય?

આજે બ્રેસ્ટથી લઈને એ ગાંઠો લીવર સુધી પહોચી ગઈ, ડાયાબીટીસ વધી ગયું. તેમાય કોરોનાનાં કપરા સમયમાં આર્થિક તંગી પણ સહન કરવી પડી. છતાં પરિવારે તેમનો સાથ છોડ્યો નહિ. બધાજ દુઃખ વચ્ચે પરિવારના સહારે અને પોતાના મજબુત મનોબળને કારણે લતાબેન પોતાની કે કુટુંબની માટેજ નહિ દરેક માટે ઉદાહરણ બની ખુશી વહેચી રહ્યા છે.

હજુ થોડાજ દિવસ પહેલા કિમોથેરાપી લઈને આવેલા લતાબેન સાથે વાત થતા તેમના અવાજના રણકારમાં જરાય ઉણપ વર્તાઈ નહિ. એજ મીઠાશ અને ઉત્સાહ હતો જે બે વર્ષ પહેલા તેમની મળી ત્યારે અનુભવાયો હતો. જોકે તેમની આ મુશ્કેલી ભરી જર્નીમાં એમના કુટુંબીજનોનો સાથ ખુબ રહ્યો છે એ સૌ પણ અભિનંદનને પાત્ર છે.

આંખમાં પણ ઝળઝળિયાં આવે, ઘડીમાં ડબલ તો ઘડીમાં ઝાખું દેખાય… તો યે લખવાનું ચાલુ રાખે, સાથે ભરતગૂંથણ તો બરાબર ચાલે તેમના નવાનવા ક્રિએશનનું ફેસબુક સાક્ષી છે. જીવનમાં સુખ દુઃખ આવે જાય બસ જીવવું મારે મોજ મસ્તીથી.. હાથમાં મોબાઇલ, આઈપેડ દ્વારાફેસબુકના માધ્યમથી મિત્રતાનું પરિવાર વિસ્તારતા ચાલ્યા. સાથે કેન્સરનાં દુઃખને હસતા ઝીલવા લાગ્યા.

આ વાત થઇ લતાબેનનાં જીવનની. આવી કેટલી સ્ત્રી પુરુષો હશે જેઓ જીવનની દરેક સ્થિતિને હસતાં સ્વીકારી જીવે છે. દુઃખોના ઢગલા વચમાં પણ સુખનું સિહાસન એજ શોધી શકે છે જેમનાં વિચારોમાં હકારાત્મકતા હશે. બાકી નાના સરખા દુઃખને રડીને, ગુસ્સો કરીને બીજાઓને પણ તકલીફ આપનારાઓની અહી કમી નથી. કશુજ નાં આવડે તો સોશ્યલ મીડિયામાં સારા મિત્રો બનાવી ગુડ મોર્નિંગ અને સાંજે ગુડ નાઇટના નાના નાના સંદેશા લખવાથી લઈને કોઈ સાથે સરખા ગમતા વિચારોના આદાનપ્રદાનથી પણ ખુશ રહી શકાય છે. અસહ્ય દુઃખ થોડું ઓછું કરી શકાય છે.

(રેખા પટેલ-ડેલાવર)