અમદાવાદઃ મણીનગર રેલવે સ્ટેશનની બહાર અને એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડની સામે નાસ્તાના ઘણાં લારી-ગલ્લા છે. પરંતુ સાંજ પડે એટલે એક નાનકડો બાળક ચટાકેદાર સ્વાદિષ્ટ કચોરી ને સમોસા લઇને આવે એની આતુરતાપૂર્વક રાહ જોઇ કેટલાક લોકો ટોળે વળતાં હોય છે.
ચૌદ વર્ષનો અને નવમા ધોરણમાં ભણતો બાળક તન્મય જ્યારે એના પિતા દિલીપભાઇ સાથે નાસ્તાના સામાનથી લાદેલા સ્કૂટર પર આવે એટલે ચારેતરફ ભીડ જામી જાય. ગણતરીની મિનિટોમાં જ એમના કચોરી-સમોસા વેચાઇ જાય. લોકો આશ્ચર્યચકિત થઇને કુતુહલવશ નજરે કચોરી-સમોસાની પ્લેટ બનાવતા, એમાં ચટણી, સેવનો સ્વાદ પૂરતા માસુમ બાળકને જોયા કરે.
ફક્ત ચૌદ વર્ષનો બાળક શારીરિક, આર્થિક અને સામાજિક તકલીફો વચ્ચે ઝઝુમતા પરિવારને મદદ કરવા કચોરી-સમોસા વેચી રહ્યો છે.
તન્મય અગ્રવાલના માતા શ્વેતાબેન ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘કચોરી, સમોસા બનાવવાનો માલસામાન લાવવો, સામગ્રી તૈયાર કરવી, કચોરી-સમોસા બનાવવાથી માંડી વેચાણ સુધીની તમામ પ્રક્રિયામાં તન્મય ઉત્સાહપૂર્વક અમને સહકાર આપે છે. અમે એક સમયે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. દુકાન પર ધંધો સરસ ચાલતો હતો. પરંતુ પરિવારની એક વ્યક્તિની આર્થિક લેવડદેવડ અને દેવું વધી જતાં સંયુક્ત કુટુંબ વિખેરાઇ ગયું .પોતાની દુકાન પરનો ધંધો છોડી મારાં પતિને નોકરી માટે ફરવું પડ્યું. છેવટે અમે નક્કી કર્યું કે ઘેર જ કચોરી, સમોસા બનાવીએ અને વેચવાનું શરૂ કરીએ. હું અને નાનકડો તન્મય મણીનગરના બજારમાં થેલામાં કચોરી, સમોસા વેચવા જતાં હતાં. શરૂઆતમાં બનાવેલાં કચોરી-સમોસાનો નાસ્તો દુકાને-દુકાને ફરીને અમે વેચતાં. જે ન વેચાય તે પાછાં ઘેર લાવવા પડતાં. એ નાસ્તો અમારે જ આરોગવો પડતો. હું નાસીપાસ થઈ જતી, પણ તન્મયનો ઉત્સાહ જોઇને મને હિંમત મળતી. દુકાનદારોને કહું કે, અમારો નાસ્તો ટેસ્ટી છે….ચાખી તો જુઓ..ત્યારબાદ લોકોએ ક્વોલિટી જોયા પછી જબરજસ્ત પ્રતિસાદ આપ્યો. શોપિંગ સેન્ટરની બહાર અમને ઉભાં પણ રહેવા દેતાં. પણ કેટલાંક તત્વોને એ ગમ્યું નહીં એને કારણે અમારે ત્યાંથી ખસી જવું પડ્યું. નાનકડા તન્મયને કચોરી-સમોસા વેચતા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયાં. લોકોની સહાનુભૂતિ પણ મળી. લોકો ટોળે વળવા માંડ્યા.’
તન્મયના પિતા દિલીપભાઇએ કહ્યું, તન્મય અત્યારે નવમા ધોરણમાં રુબ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એ પરિવારને મદદ કરે છે એ જોઈને એની શાળા પણ અમને સારો સપોર્ટ કરે છે. તન્મય હમણાં બિમાર રહે છે. બાળરોગ નિષ્ણાતો અને બીજા ડોક્ટર્સ પણ એની બિમારીને પકડી શકતાં નથી. પરંતુ શરીર સાથ આપે એટલે તન્મય ભણતરની સાથે પરિવારને મદદ કરવા દોડાધામ શરૂ કરે છે. અમારી દીકરી હીરલ અગિયારમા ધોરણમાં ભણે છે. એ પણ ઘરમાં જ્યારે કચોરી, સમોસાની સામગ્રી તૈયાર થતી હોય ત્યારે મદદ કરવા માંડે છે. આખાય પરિવારના સહકારથી સાંજે કચોરી-સમોસા તૈયાર થાય અને મણીનગર રેલવે સ્ટેશનની બહાર અમે વેચાણ કરવા ઊભાં રહીએ. સ્વાદને કારણે લોકોનો પ્રતિસાદ તો સારો મળે છે, પણ તંત્ર તરફથી અમને ઉભાં રહેવા માટે ચોક્કસ જગ્યા મળી જાય તો બહુ સારું થાય.
શ્વેતાબેન વધુમાં કહે છે, ‘આખા શહેરમાં વર્ષોથી લારી, ગલ્લા, ખૂમચા, હાટડીઓ ચાલે છે, પરંતુ અમે જ્યારે કચોરી, સમોસાની સામગ્રી લઇને વેચાણ માટે ઉભા રહીએ ત્યારે સ્થાપિત હિતો અમને પરેશાન કરવા આવી જાય છે. એક તરફ રહેવાની તકલીફ, ધંધાની તકલીફ, આર્થિક સંકડામણ વચ્ચે તન્મય અને હીરલના ભણતરની ચિંતા, પરંતુ મણીનગર રેલવે સ્ટેશનની નજીક જ્યારે ભીડ વચ્ચે તન્મયના હાથે લોકોને પ્રેમથી નાસ્તો કરતાં જોઇએ, તન્મયનો હસતો ચહેરો ઉત્સાહ જોઇએ તો અમે અમારું દુઃખ ભૂલી જઈએ છીએ.’
તન્મય કહે છે, ‘મારે લોકોને સ્વાદિષ્ટ કચોરી સમોસા તૈયાર કરી આપીને ખૂબ જ ફેમસ થવું છે. પરિવારને મદદરૂપ થવું છે. ઉચ્ચ અભ્યાસ કરવો છે. મને મારા પરિવાર, શાળાની સાથે BYJU’S નો સારો સહકાર છે.’
તન્મય અગ્રવાલને શાળાની સાથે BYJU’S એપ, જે ભારતમાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની છે, એણે પણ શક્ય એટલી ઉત્તમ મદદ કરી છે.
પરિવારની તકલીફો અને અભ્યાસ પ્રત્યે તન્મયની સમર્પિતતાથી પ્રભાવિત થઈને બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ પહેલ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાયજુઝ લર્નિંગ એપ પર કન્ટેન્ટને મફત પહોંચ આપીને તેને એન્જિનિયર બનવાનાં સપનાં સાકાર કરવા માટે મદદરૂપ થઈ રહી છે.
નબળી આર્થિક સ્થિતિને લઈને શાળા અધવચ્ચે છોડવાનો એક સમયે વારો આવ્યો હતો. એવા સમયે તન્મય આજે નિયમિત રીતે બાયજુઝ એપ પર ગણિત અને વિજ્ઞાન શીખે છે. સમય મળે ત્યારે એન્જિનિયરિંગના વીડિયો પણ જુએ છે. બાયજુઝના કસ્ટમાઈઝ્ડ, ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ લર્નિંગ વીડિયો સાથે તન્મય બધા વિષયોમાં તેનાં કન્સેપ્ટ ક્લિયર કરવા કટિબદ્ધ છે. તન્મય એક દિવસ એન્જિનિયર બનવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે.
એ કહે છે, ‘મને અભ્યાસ કરવાનું ગમે છે. ગણિત અને વિજ્ઞાન મારા મનગમતા વિષયો છે. હું ઉચ્ચ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માગું છું. મારા પિતા મારી સૌથી મોટી પ્રેરણા છે. હું તેમને સારું જીવન આપવા માગું છું. મારાં સપનાંને પાંખો આપવા માટે હું બાયજુઝનો આભારી છું. બાયજુઝની પર્સનલાઈઝ્ડ લર્નિંગ કન્ટેન્ટની મદદથી હું 10માની બોર્ડની પરીક્ષામાં ટોચના ગુણ પ્રાપ્ત કરીશ અને આખરે કચોરીવાલા એન્જિનિયર બની ગયો એવી ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ છું.’
તન્મય જેવા હજારો બાળકો આપણા સમાજમાં હશે જેઓ એમનાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા, પેટિયું રળવા, ખુદ્દારી સાથે ઝઝુમી રહ્યા હશે. એમને સક્ષમ સમાજ પાસેથી આત્મસમ્માનસભર શિક્ષણ મળવાની સાથે સંપૂર્ણ સહકારની જ અપેક્ષા હોય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)