આધ્યશક્તિની આરાધનાઃ ‘બેઠાં ગરબા’ કાર્યક્રમમાં શ્રોતાઓનાં હૈયાં ઝૂમી ઊઠ્યાં

ગરબા શબ્દ બોલાય એટલે ગોળ-ગોળ ફરતા અને તાળીઓનાં તાલ સાથે નૃત્ય કરતાં લોકો નજર સામે આવે. ગરબા વિના ગુજરાતીઓ અધૂરાં ગણાય. ગયા શનિવારે કાંદિવલીમાં એક અનોખો માહોલ રચાયો હતો. આ માહોલ બેઠાં ગરબાનો હતો, જે પાંચ હજાર વરસ જૂની પરંપરાનો એક ભાગ છે. દસેક બહેનોએ સ્ટેજ પર બેઠાં-બેઠાં ગરબા ગાઈને શ્રોતાઓનાં દિલ ડોલાવી દીધા હતા.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ) સંચાલિત, ગુજરાતી ભાષા ભવન દ્વારા આયોજિત ‘આધ્યશક્તિની આરાધના’ અંતર્ગત શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા પ્રસ્તુત નાગર જ્ઞાતિની ધરોહર સમા માતાજીનાં પરંપરાગત બેઠાં ગરબાનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કાંદિવલીની કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના સભાગૃહમાં કરાયું હતું.

આ કાર્યક્રમનું સંચાલન કરનાર ગુજરાતી ભાષા ભવનના સભ્ય ડો. સેજલ શાહે શરૂમાં જ કહી દીધું હતું કે “આજે આ મંચ ઉપર માત્ર સૂર, સંગીત જ નહીં પરંતુ આધ્યશક્તિ તરફથી મળેલી ભક્તિ અને શક્તિનું એક અનોખું તેજ જોવા મળશે”. આ શબ્દો કાર્યક્રમના અંતે સાર્થક થયા હતા.

શ્રી નાગર મંડળ, અંધેરીનાં પ્રમુખ અર્ચિતાબેન મહેતા, વિશિષ્ટ સભાસદ ધારિણીબેન મહેતા, સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવ, દીપ્તિબેન દેસાઇ તથા જયશ્રીબેન શાહ દ્વારા દિપપ્રજ્વલન દ્વારા બેઠાં ગરબાના આ સુંદર કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

નાગરોની વિશિષ્ટતા

કે.ઈ.એસ.નાં શિક્ષિકા દિપ્તીબેન બૂચ પોતે પણ એક નાગર છે એમ જણાવતા એમણે નાગરોની વિશિષ્ટતાનો પરિચય આપ્યો હતો. એમણે કહ્યું હતું કે ‘જ્ઞાનની તીવ્ર તીતિક્ષાને પ્રતિક્ષા કરતાં કરી મૂકે એવા પ્રત્યેક ગુણો જેનામાં કેળવાય અને સંસ્કૃતિમાં ભેળવાય અને પછી સંસ્કાર રૂપે જેનામાં ઉજાગર થાય એ નાગર છે.’ એમણે બેઠાં ગરબા વિષે કહ્યું હતું કે ‘માતાજીનાં ફરતા શક્તિચક્રને યોગીઓની માફક સ્થિર બેસીને આત્મામાં રોપવા અને લોકો સમક્ષ પહોંચાડવા એ બેઠાં ગરબાની બહુ જ સુંદર વિભાવના છે.’

પરિકલ્પના અને કલાકાર વૃંદ

આ કાર્યક્રમની પરિકલ્પના શ્રી નાગર મંડળ, અંધેરીના પ્રમુખ તેમ જ કાર્યક્રમના સૂત્ર સંચાલક અર્ચિતાબેન મહેતાની હતી. તેમને મંડળના વિશિષ્ટ સભાસદ ધારિણીબેન મહેતા અને પ્રીતિબેન દીવાન, પીઆરઓ કલ્પાબેન વોરા, સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવ, જોઇન્ટ ટ્રેઝર તર્જીનીબેન મહેતા, કવિતાબેન છાયા, જેઓ મંડળનું ડિજિટલ મેનેજમેન્ટ સંભાળે છે, કૉ ઓપ્ટ સભ્ય દીપિકાબેન હાથી તેમ જ ત્રિપર્ણાબેન દેસાઇ, માનદ સભ્ય શીતલબેન નાણાવટીએ સાથ આપ્યો હતો. આ દસ નાગર બહેનોએ સાથે મળીને પારંપારિક ગરબાની સરસ જમાવટ કરી હતી. તેમની સાથે ઢોલક તેમ જ તબલા પર ભૂમિકભાઈ મહેતાએ સાથ આપ્યો હતો.

કયા ગરબા ગવાયા?

આ કાર્યક્રમમાં નિનુભાઈ મઝુમદારનો ગરબો જે આઠમને દિવસે માતાજીને ચોપાટ રમાડતી વખતે ગવાતો હોય છે એનું સુંદર પ્રસ્તુતિકર્ણ થયું. એ ઉપરાંત, શ્રી નાગર મંડળ, અંધેરીના સભ્ય હતા એવા ગાર્ગીબેન મહેતાનો લખેલો – ‘નોરતાની રાત આવી’, ‘નવી વહુને નોરતામાં ગરબો લાગ્યો રૂડો રાજ’, ‘હેલારો’ ફિલ્મમાં જેમણે સંગીત આપ્યું હતું તે મેહુલ સુરતી દ્વારા સ્વરબધ્ધ કરાયેલ ક્લાસિકલ આધારિત ગરબો – ‘આભને ઝરૂખે માંડી તારો દીવડો પ્રગટાવ્યો’, વડીલ મુરબ્બી તરલાબેનનો રાગ બાગેશ્રી ઉપર આધારિત ગરબો, ‘આજ આરા તે સૂરમાં ડંકો વાગ્યો’, મયૂરીબેન દેસાઇ લિખિત ‘પધારો પધારો’, જેવા ગરબાઓ પ્રસ્તુત થયા હતા. સુરેનભાઈ ઠાકર-‘મેહુલ’ દ્વારા લિખિત તેમ જ આસિતભાઈ દેસાઈ દ્વારા સ્વરાંકિત થયેલો ગરબો ‘આભલેથી ઊતરી મા ગરબે રમવા આવો’, મંડળના સેક્રેટરી જાગૃતિબેન વૈષ્ણવે પ્રસ્તુત કર્યો હતો. અવિનાશ વ્યાસ અંબાજીમાં બેસીને ગરબા લખતા હતા. તેમનો ગરબો ‘માડી તારા મંદિરીયામાં ઘંટારવ થાય’ પણ અહી રજૂ થયો હતો. હંસુબેનનો શિરમોર ગરબો ‘નવ નવ તે માનાં નોરતા રે’ પણ ગાવામાં આવ્યો હતો.

હૈયાં નાચી ઉઠયા

હાર્મોનિયમ અથવા સીન્થેસાઈઝર વગર જ ફક્ત તબલા, ઢોલ, ખંજરી, મંજીરાનાં તાલે આ કલાકારવૃંદે માહોલ સર્જી દીધો હતો. ગર્ભ દીપને અંતરના ઉમળકાથી વધાવતી આપણી પાંચ હજાર વર્ષ જૂની ગરબાની આ સંસ્કૃતિ કેટલી ભવ્ય તેમ જ દિવ્ય છે એનો અહેસાસ શ્રી નાગર મંડળ, અંધેરી સંસ્થાની આ બહેનોએ કરાવ્યો હતો. ગરબા સાંભળીને સામાન્ય રીતે પગ નાચી ઊઠે છે પરંતુ બેઠા ગરબાની આ સુંદર પ્રસ્તુતિથી હાજર રહેલા સૌના હૈયાં નાચી ઉઠ્યા હતા. અલબત્ત, કાર્યક્રમના અંતે શ્રોતાઓને નૃત્ય સાથે ગરબા રમીને માણ્યા પણ હતા.

શ્રી નાગર મંડળ, અંધેરીની સ્થાપના અને પ્રગતિ

નાગરોની એક વિશેષ સૂઝ અને સમજ તેમ જ એમના સાંસ્કૃતિક તેમ જ સાહિત્યિક પ્રેમથી પ્રેરાઈને ૧૯૬૬ માં આનુભાઈ વસાવડા અને હન્સુબેન વસાવડાએ શ્રી નાગર મંડળ, અંધેરીના બીજ રોપ્યા હતા. અશ્વિનભાઈ વૈષ્ણવ, નવીનભાઈ માંકડ, જયંતભાઈ મહેતા, વિપુલભાઈ વૈદ્ય, સિધ્ધાર્થભાઈ મહેતા, વંદનાબેન મહેતા આ બધાએ સાથે મળીને આ બીજને વટવૃક્ષ બનાવવામાં પોતાનો અથાગ ફાળો આપ્યો છે. વર્ષો દરમ્યાન આ મંડળની કમિટીઓ અવશ્ય બદલાતી રહી છે, પરંતુ બેઠા ગરબાની આ પરંપરા અહીં હજુ પણ યથાવત્ રહી છે. સુગમ સંગીતના જાણીતા ગાયકો આસિતભાઈ દેસાઇ અને હેમાબેન દેસાઈની તાલીમ હેઠળ આ મંડળની સભ્યબેનો તૈયાર થયા છે.

નાગર મંડળનું સભ્યપદ કેવળ નાગરો માટે જ ઉપલબ્ધ છે. આ મંડળમાં પાટોત્સવ તેમ જ દિવાળીનાં પ્રોગ્રામ કરવામાં આવે છે. આવતા વર્ષે શ્રી નાગર મંડળ, અંધેરી ફરતા ગરબાનું આયોજન કરવાનું છે. સુલેખાબેન બક્ષી – સંસ્થાપક આનુભાઈ-હન્સુબેન વસાવડાના સુપુત્રીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમ જ તેમણે એક ગરબાની પ્રસ્તુતિ પણ કરી હતી. આ મંડળના બીજા સ્તંભો છે ટ્રેઝરર નીતિનભાઈ બૂચ, માનદ સભ્ય શ્રીદેવીબેન માંકડ, ચિરાગભાઈ વૈષ્ણવ, જોઇન્ટ સેક્રેટરી હિમાલીબેન દીવાન, ઉપપ્રમુખ ડીમ્પલબેન વૈષ્ણવ, કૉ ઓપ્ટ મેમ્બર પાયલ અંજારિયા.

 

સમય સાથે મિલાવાતો તાલ :

આ મંડળ પ્રાચીન સંસ્કૃતિની માવજત કરવાની સાથે સાથે અર્વાચીન વાઘા પહેરીને આજે સમય સાથે તાલ મેળવવા સજ્જ છે. કોરોના કાળ પછીથી છેલ્લા ત્રણ વર્ષથી ઝૂમ, યૂટ્યૂબ તેમ જ ઑનલાઈન માધ્યમે બેઠા ગરબા સૌ પ્રથમ શરૂ કરનાર શ્રી નાગર મંડળ, અંધેરી છે. ‘શ્રી નાગર મંડળ અંધેરી’ને નામે એમની યૂટ્યૂબ ચેનલ છે જેની ઉપર સતત ઑનલાઈન પ્રોગ્રામ થાય છે. નવરાત્રી દરમ્યાન એક વિશેષ પ્રોગ્રામ પણ આ ચેનલ ઉપર આવી રહ્યો છે, જેનું નામ છે ‘ગરબોત્સવ’. બે વર્ષથી આ ચેનલમાં મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગરનાં મંડળો પણ જોડાયા છે તેમ જ આ વર્ષથી સિડની તેમ જ યુએસએ સ્થિત નાગર મંડળો પણ એમાં જોડાયા છે. અહીં પ્રાચીન, અર્વાચીન તેમ જ બેઠા ગરબાનાં એક થી સવા કલાકના એપિસોડ મૂકવામાં આવે છે.

 

(સોનલ કાંટાવાલા)