વડોદરા: આ છે જ્ઞાનપિપાસુની તૃષા તૃપ્ત કરતું પુસ્તકાલય એવું પરબ, જ્યાં વાંચકોના જીવનને નવો દ્રષ્ટિકોણ મળે છે. વડોદરાના આર્ષદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડે તેમના શાસન દરમિયાન વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે 1910માં અલાયદા લાયબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી. એ જ વર્ષમાં વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાયબ્રેરી કાર્યરત થઇ હતી. આપને જાણીને આઆશ્ચર્ય થશે કે એશિયાની એક માત્ર એવી પુસ્તકાલયોની સહકારી મંડળી વડોદરામાં કાર્યરત છે.વડોદરા રાજ્યમાં 1947 સુધીમાં 2,300 જેટલાં પુસ્તકાલયો હતા. 1911માં વડનગર અને એ બાદના વર્ષોમાં અમરેલી, નવસારી, કડી, ઓખા, ડભોઇ, શિનોર, વિસનગર, વરણામા, પલાણા, વસો, ધર્મજ, ઉંઝા, વાઘોડિયા, બિલિમોરા, મહેસાણા, વ્યારા, વિજાપુર, સોજીત્રા, કરનાળી, કરજણ, સંખેડામાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. 1925માં 4 પ્રાંત પુસ્તકાલય, 433 કસ્બાના પુસ્તકાલય, 618 સાર્વજનિક પુસ્તકાલય 87 વાંચનાલય, 84 વિશાળ ખંડો સાથેના પુસ્તકાલય હોવાનું આર્ટ હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ નોંધે છે.
1925 સુધીમાં સેન્ટ્રલ લાયબ્રેરીમાં 1.05 લાખ પુસ્તકો હતા અને વડોદરા રાજ્યની અન્ય લાયબ્રેરીઓમાં કુલ મળી 3.78 લાખ પુસ્તકો હતા. વડોદરા રાજ્યની 70 ટકા સુધીની વસ્તી સુધી પુસ્તકાલયનો લાભ મળ્યો હતો. સેન્ટ્રલ લાયબ્રેરીમાં મહિલાઓ માટે અલગ રિડિંગ રૂમ હતા.આટલી બધી લાયબ્રેરીઓ હોવાના કારણે તેના સંકલિત વહીવટ માટે સર સયાજીરાવ ગાયકવાડે 1924માં પુસ્તકાલયોની સહકારી મંડળી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી. ચરોતરના મોતી તરીકે ઓળખાતા મોતીભાઇ અમીનના સક્રીય પ્રયાસોથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. જેના સભાસદો તરીકે પુસ્તકાલયોને જોડવામાં આવ્યા હતા. આ મંડળના પ્રથમ પ્રમુખ ચુનિલાલ પુરુષોત્તદાસ શાહ બન્યા. વડોદરા રાજ્યના અમલદાર તરીકે નિવૃત્ત થયા બાદ મોતીભાઇ પ્રમુખ બન્યા હતા.
આ સહકારી મંડળીમાં વ્યક્તિ નહી પણ, જાહેર પુસ્તકાલય સભાસદ બની શકે છે. મોટાભાગના લેખકો, પ્રતિષ્ઠિત પ્રકાશકોના પુસ્તકો એક જ સ્થળેથી મળી રહે એ ઉપરાંત ગ્રંથાલયોની જરૂરી સ્ટેશનરી મળી રહે એવા હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં 1200થી વધુ જાહેર ગ્રંથાલયો આ મંડળીના સભાસદો છે. તેમ પ્રમુખ ઠાકોરભાઇ પટેલ જણાવે છે.
સહકારી પ્રવૃત્તિ થકી જ્ઞાન વિસ્તારનો આ માર્ગ 101 વર્ષ જૂનો છે. આ મંડળે 725થી વધુ પુસ્તકોનું પ્રકાશન આ મંડળે કર્યું છે. જેમના પુસ્તક કોઇ પ્રકાશક છાપવા માટે તૈયાર નહોતા થતાં તેવા પ્રસિદ્ધ લેખકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પૂ. યોગેશ્વર, બાબુભાઇ પ્રે. વૈદ્ય, માધવ મો. ચૌધરી, નવનીત જે. સેવક, રસિક મહેતા, જયંતી દલાલ, ગુણવંત ભટ્ટ, ખલીલ ધનતેજવી જેવા લેખકો, કવિઓના પ્રથમ પુસ્તકનું પ્રકાશન કરાયું છે. ડોંગરેજી મહારાજના શ્રીમદ્દ ભાગવત રહસ્યનું વિક્રમ સમાન ૨૦થી વધુ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે.
હાલમાં વડોદરા શહેરમાં સંસ્થા વસાહત ખાતે કાર્યરત આ મંડળ દ્વારા પુસ્તકોનું વેંચાણ કરવામાં આવે છે. જેમાં કાયમી ધોરણે 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન વધારાના 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મંડળ દ્વારા પ્રતિ વર્ષ શિષ્ટ વાંચન પરીક્ષા પણ યોજવામાં આવે છે.
કેરળમાં લેખકોની સહકારી મંડળી છે, પણ પુસ્તકાલયોની સહકારી મંડળી એક માત્ર વડોદરામાં છે.
(દર્શન ત્રિવેદી- વડોદરા)
