મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની, સંસારની અંગત ઘટમાળની, એક નારીનાં વિવિધ રૂપની, એનાં સંઘર્ષ અને સિદ્ધિની.
એક સમયે દક્ષિણ મુંબઈમાં મેટ્રો અને લિબર્ટી થિયેટર લૅન્ડમાર્ક બિલ્ડિંગ ગણાતાં. બન્ને થિયેટરોની આસપાસ સોળ-સત્તર જેટલાં મકાન. દેશની આઝાદી પહેલાંનાં પાઘડીનાં, ભાડેથી મળતાં ઘર. એ સમયે બહુ ઓછાં ફ્લૅટ સિસ્ટમનાં મકાન હતાં.અમે આ વિસ્તારના ‘ગુલ બહાર’ બિલ્ડિંગમાં ૧૯૫૭-૫૮ની આસપાસ રહેવા આવ્યાં ત્યારે હું ઈન્ટર કે જુનિયર બી.એ.માં હોઈશ. નાટકમાં કામ કરવાનું મને ઘેલું લાગેલું. એક બપોરે હું રિહર્સલમાં જવાની તૈયારી કરી રહી હતી. મમ્મી ઘરે નહોતી. પપ્પા (જાણીતા સર્જક ગુણવંતરાય આચાર્ય) લખતા હતા. અચાનક એ મને કહે: ‘વસુ, તું દાદર પર જા તો, મધુબહેન આવતાં હશે.’
આ મધુબહેન તે વળી કોણ અને અહીં શું કામ આવે છે એની મને ક્યાંથી ખબર હોય?
મારી આંખમાં સવાલ વાંચી પપ્પાએ કહ્યું: ‘આપણી બાજુના ફ્લૅટમાં રહેવાનાં છે.’
બહાર જઈને હું ઉપરના પગથિયે ઊભી રહી. મેં એમને દાદરા ચડતાં જોયાં. આ જ હશે મધુબહેન?
આજે આટલાં વર્ષે પણ મને એ દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. સુરેખ મુખાકૃતિ, એકદમ ઊઘડતો વાન, કાળી સાડી અને બ્લાઉઝ, આંગળીએ સાત-આઠ વર્ષના બે દીકરા અને કાંખમાં નાની દીકરી. ગૌરવશાળી વ્યક્તિત્વની એ નારીની છબિ મનમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ. હા, એ મધુબહેન જ હતાં!
અમે એકમેકને ઓળખતાં નહોતાં, ન એવી જરૂર હતી. હું સત્તર-અઢારની. સંસારની શીળી છાંયમાં ઊછરેલી, સંસારના દુ:ખતાપનો ઓછાયો પણ નહીં. સામે હતી સંસારના અડાબીડ વનમાંથી રસ્તો કરતી, અટવાતી અને પગથિયાં ચડતી કાળાં વસ્ત્રોમાં એક એકલી યુવાન સ્ત્રી અને માતા એનાં નાનાં બાળકોને લઈ નવા ઘરમાં, કદાચ નવા જીવનમાં પ્રવેશવા દાદરા ચડી રહી હતી. એ વખતે મકાનમાં હજી લિફ્ટ નહોતી.
સ્ત્રીસહજ લાગણીથી મેં ઝડપથી દીકરીને તેડી લીધી. સાથે દાદરા ચડી અમે દરવાજા પાસે ઊભાં રહ્યાં અને મધુબહેને સ્વયં કર્યો ગૃહપ્રવેશ. એમની સાથે વર્ષો રહેલો ઓછું ભાળતો નોકર રામજી. ભાઈ-બહેનો કદાચ પછી આવ્યાં હશે કે કેમ, પણ એ દૃશ્ય મારા મનમાં કંડારાયેલું છે. યથાતથ.
‘પપ્પા-મમ્મીએ કહ્યું છે, કંઈ કામ હોય તો કહેજો…’ એટલું કહીને હું ઘરમાં આવી ગઈ રાજી થતી કે હાશ, એક સરસ બાળકોવાળો ગુજરાતી પડોશ મળ્યો.
અમે રહેતાં એ ‘ગુલ બહાર’ એટલે ‘સસ્તું સાહિત્ય ટ્રસ્ટ’ના મનુ સૂબેદારની માલિકીનું મકાન. ‘સસ્તું સાહિત્ય’નાં અનેક પ્રકાશનો, મુંબઈમાં અઢળક પ્રૉપર્ટી, લોટસ થિયેટર, બાપનું ઘર, વગેરે. એમની ખાસ ઈચ્છા કે ‘ગુલ બહાર’માં ફ્લૅટ ખાલી થાય ત્યારે એમાં ગુજરાતી સાહિત્યકારોને વસાવવા. ‘ગુલ બહાર’માં ચોથે માળે ઉદેશીપરિવાર (‘સો ટચનું સોનું’થી પ્રખ્યાત), બીજે માળે સોપાન-લાભુબહેન મહેતાને બે ફ્લૅટ આપેલા. સૂબેદાર મારા પપ્પાના ફૅન અને મિત્ર એટલે પપ્પાને એમણે પહેલે માળે પાઘડી લીધા વિના ફ્લૅટ આપેલો.
વજુ કોટક ‘ચિત્રપટ’ સાપ્તાહિકના તંત્રી-લેખક અને ‘ચિત્રલેખા’, ‘બીજ’, ‘જી’ જેવાં ત્રણ પ્રકાશન પણ એમના ખભે. એ પણ અમારી બાજુના જ ફ્લૅટમાં રહેવા આવવાના હતા. બધું નક્કી થયું હતું ત્યાં યુવાવયે એમનું આકસ્મિક અવસાન થયું.
મધુબહેનના ડ્રોઈંગરૂમમાં એક સરસ ફોટો વજુભાઈનો. મેં એમને પહેલી વખત જોયા તસવીરમાં, પણ ફ્રોઝન ન લાગે. ગુચ્છાદાર વાંકડિયા વાળ, ચિંતનશીલ મુખમુદ્રા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તસવીરમાં પણ અછતાં નહોતાં. મને થતું, વ્હૉટ અ હૅન્ડસમ મૅન..! અને મધુબહેન? અ યંગ વેરી બ્યુટિફુલ વુમન. મારું યુવાહૃદય વિચારતું, કેવી સરસ જુગતેજોડી અને અચાનક ખંડિત.
એ સમયે મને ન સાહિત્યની દુનિયાનો પરિચય, ન એમાં ખાસ રસ, પણ હું જોતી કે મધુબહેન સતત દોડાદોડમાં જ હોય. ‘ચિત્રલેખા’ની ઑફિસ ત્યારે ફોર્ટમાં ઘરની પાસે. મૌલિક, બિપિન અને રોનક અમારી સાથે ભળી ગયેલાં એટલે એ ઘરમાં મારી બહુ આવનજાવન.
એમના ઘરે જવાનું બીજું પણ એક આકર્ષણ- ટેલિફોન. ત્યારે ફોન સાત-આઠ વર્ષે મળતા. અત્યારની પેઢીને કલ્પના ન આવે કે એક ફોન કરવાનો કેવો ઝુરાપો થતો. મકાનની નીચે ઈરાની હોટેલમાં ફોન કરવા માટે લાઈનમાં ઊભાં રહેવું પડે, પણ હું મધુબહેનને ત્યાં બેરોકટોક જાઉં.
ટાણું-કટાણું હોય, પણ એમને કદી ખરાબ ન લાગે. અને હા, રૂપિયો નાખવાનું બૉક્સ નહોતું ત્યાં!
મધુબહેન ખૂબ વહેલાં ઊઠે. ઘણી વાર તો નાઈટ શિફ્ટ કરી હોય. બાળકોની શાળાની દોડાદોડી વચ્ચે ઑફિસનાં કામના ફોન. બન્ને દીકરા (મૌલિક-બિપિન)ને આખા દિવસની સ્કૂલ, દીકરી રોનક બપોરે છૂટી જાય. ઘણી વાર મધુબહેન ઘરે ન હોય એટલે એ મારે ત્યાં હોય. મમ્મી અમારી થાળી જોડે જ પીરસે.
મધુબહેન અચ્છાં ફોટોગ્રાફર. અચ્છાં એટલે પ્રોફેશનલ જેવાં કાબેલ અને એ વિષયની પૂરી જાણકારી. બે બેડરૂમના ફ્લૅટમાં છેલ્લા રૂમમાં ડાર્કરૂમ બનાવેલો. જાતે ફોટા ડેવલપ કરે. સતત દોડાદોડીમાં આ એક નવું છોગું. હું પણ એમના ડાર્કરૂમમાં ડોકિયું કરું. મને જોવામાં રસ પડે. કેટલીય વાર રોલ ડેવલપ કરતાં કરતાં ફોટોગ્રાફીની ખૂબી, કૅમેરાના એન્ગલ વિશે વાત કરતાં જાય: ‘આ સઘળું શ્રેય (વજુભાઈ) કોટકનું. એમણે જ મને ટપારી ટપારી શીખવ્યું.’
એક વખત કશુંક ખાતાં ખાતાં એમનું ફોટાનું જૂનું આલબમ જોઈ રહ્યાં હતાં. એમના ભાવનગરના ફોટા જોઈ હું નવાઈ પામી ગઈ: ‘આ તમે, મધુબહેન?’
થોડું ભરાવદાર શરીર, ગુજરાતી ઢબે પહેરેલો સાદો સાડલો… અસ્સલ દેશી ગુજરાતણ. અને અત્યારે સામે બેઠેલાં એક હોશિયાર, વિવિધ પ્રકાશનોનાં તંત્રી, સ્ટાઈલિશ મહિલા: વ્હૉટ અ જર્ની!
એમણે વજુભાઈની તસવીર સામે આંગળી ચીંધી: ‘વર્ષાબહેન, કોટકે મને ઘણી તાલીમ આપી. એ મને કહેતા, છોડ ઘરકામ. ચાલ, વહેલી સવારે ચોપાટી પર સૂર્યોદયનો ફોટો તારે લેવાનો છે. કોઈનાં લગ્નમાં, ફંક્શનમાં મને પ્રોફેશનલી ફોટો પાડવા મોકલતાં કોઈ સંકોચ નહીં. એ પૈસા ફોટોગ્રાફીમાં ખર્ચાય.’
ક્યારેક અચાનક મારી ડોરબેલ રણકે. સામે મધુબહેન ઊભાં હોય, હાથમાં કૅમેરા. ‘મારે રોલ ધોવાનો છે, બે ફોટા બાકી છે.’ અને ક્લિક… ક્લિક. પછી એ સમયે મારા ગમે તેવા વેશ હોય.
એક વાર ‘ઝેર તો પીધાં જાણી’નો શો કરીને મોડેથી આવી હું લહેરથી સૂતી હતી. વહેલી સવારે મધુબહેન મમ્મીને કહે: ‘વર્ષાને ઉઠાડો.’ હું ઊંઘરેટી બહાર આવી. એમણે હાથ પકડી દાદરા પર બેસાડી દીધી. હું ઝોકાં ખાતી રહી અને એ હાલતમાં એમણે લીધો મારો ફોટો. આંખો ખોલું તો મધુબહેન અદૃશ્ય. ફોટા ધૂએ ત્યારે મને એક કૉપી આપે. મારું સુપર્બ મહેનતાણું.
એક વાર કહે: ‘ફોટો પાડવો છે.’ મેં કહ્યું: ‘પાડો, એમાં નવું શું છે?’
‘ના, નવું તો છે. એક લીલા કલરની બાંધણી, એને લાલ કલરની જરી બોર્ડર છે. એ કોટક અને મને પ્રિય હતી. તમે એ પહેરો. અંબોડો અને ફૂલ. મારે એવો ફોટો જોઈએ છે.’
અમે બન્ને થોડું હસ્યાં, પણ બન્નેની આંખો ભીની. મેં બાંધણી પહેરી, મારા અતિશય લાંબા-ઘટાદાર વાળનો અંબોડો વાળ્યો, ફૂલનો પણ જોગ કર્યો. હું દીવાનખંડની ભીંતને અઢેલી ઊભી રહી. એમણે જુદા જુદા પોઝમાં ફોટા પાડ્યા કે કેમ એ મને યાદ નથી. મારી પાસે એ એક ફોટો છે. ક્યાંય છપાયો હોય એવું સ્મરણ નથી, માત્ર એમના સ્મૃતિ-આલબમ માટે હશે.
એ ફોટો મારું મધુર સંભારણું છે. આ લેખ લખતાં જૂની ગમતી ફિલ્મની જેમ સેપિયા કલરમાં એ દૃશ્યની હું દૃષ્ટા પણ છું અને દૃશ્ય પણ. પછી તો વધુ એક વાર એ જ બાંધણીમાં મધુબહેને મારો ફોટોગ્રાફ લીધો. ફોટો અલગ લાગે એ માટે આ વખતે માથામાં ફૂલ નહોતાં. આ એક ફોટોગ્રાફરની સૂઝ.
એમ તો વર્ષો અગાઉ ‘ચિત્રલેખા’ના દિવાળી અંકના મુખપૃષ્ઠ માટે મધુબહેને મારો અને બહેન ઈલા (લેખિકા ઈલા આરબ મહેતા)નો શૃંગાર કરતાં હોય એવો સરસ ફોટો પણ પાડ્યો હતો.
આવા જ એક ફોટા માટે તો હું મધુબહેનની જીવનભરની ઋણી છું.
મારા પપ્પાનો એક પણ ફોટો નહીં. મારા નાટકના શોના ગ્રુપમાં ક્યાંક પાછળ ઊભા હોય એવો કે અમારાં લગ્નના ફોટામાં આવી ગયા હોય એટલું જ. મધુબહેન કહે: ‘આચાર્ય સાહેબનો ફોટો નથી?’ એ પછી એમણે ક્યારે, ક્યાં પાડ્યો હશે એ મને યાદ નથી, પણ પપ્પાનો એમણે પાડેલો એક ફોટો છે મારી પાસે. પપ્પાનું અચાનક જ અવસાન થયું ત્યારે પ્રાર્થનાસભામાં મુકાયો અને ૨૦૦૦માં લંડનની સાહિત્ય અકાદમીએ પપ્પાની જન્મશતાબ્દી ઊજવી ત્યારે અમે બે બહેનોએ પપ્પાનો એ ફોટો જ ત્યાં સ્ટેજ પર મૂક્યો હતો.
સમય પડખું બદલતો રહ્યો.
હું ભણી રહી. લગ્ન કર્યાં અને ‘ગુલ બહાર’ના ફ્લૅટમાં જ મેં સંસાર માંડ્યો એટલે અમે સાખપડોશી જ રહ્યાં. અમારી વચ્ચે ઉંમરનો તફાવત, પણ હવે અમે બે એક વેવલેન્થ પર હતાં. એમણે જેમ પ્રોફેશનલ કારકિર્દી ‘ગુલ બહાર’માં શરૂ કરી એમ મારી પણ લેખનકારકિર્દી અહીં શરૂ થઈ. હું પણ પત્ની, માતા અને વર્કિંગ વુમન હતી. એમની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નહોતી, મારી પાસે પણ નહીં. હા, પતિ મહેન્દ્રના ખભાનો ટેકો હતો, પણ બાળકો ઘરે એકલાં હોય. સંતાનો સ્કૂલેથી ઘરે આવે ત્યારે કોઈ ન હોય એ આપોઆપ થતી ગિલ્ટી ફિલિંગમાં અમે બન્ને સહભાગી.
સત્તાવીસ વર્ષ અમે બાજુ બાજુમાં રહ્યાં. આટલા લાંબા સહવાસમાં મેં એમને ક્યારેય ફરિયાદ કરતાં સાંભળ્યાં નથી કે આંખમાં આંસુ કદી જોયાં નથી. આ એમની વિદાય પછી ગુણગાન ગાવા નથી લખી રહી, પણ ખરેખર લખી રહી છું.
૧૯૬૦ના દાયકામાં મહિલાઓ પત્રકારત્વ કે બીજાં ક્ષેત્રમાં ઓછી દેખાતી. એમાં પણ જેના હાથમાં ઉદ્યમ જ ન હોય, પણ પ્રકાશનગૃહો ચલાવવાનાં હોય, જ્યાં પુરુષોનું વર્ચસ હોય, સખત હરીફાઈ હોય, સમાજની પણ પરંપરાગત વિચારધારા હોય ત્યારે ભાંખોડિયાં ભરતાં મૅગેઝિનોને બેઠાં કરવાં એટલું જ નહીં, એને સિદ્ધિને શિખરે પહોંચાડવાં એ અત્યંત કપરું, અશક્ય લાગતું કામ મધુબહેને સખત પરિશ્રમ અને નિષ્ઠાથી કર્યું. મૅનેજમેન્ટ કે ટેક્નોલોજીની ડિગ્રી વિના, માત્ર કોઠાસૂઝથી. હૅટ્સ ઑફ ટુ હર. હા, હરકિસન મહેતા અને પછીથી અન્ય તંત્રીઓ, સંતાનો સૌનો એમાં મોટો ફાળો, પણ પડદા પાછળ રહીને મધુબહેન સમગ્ર તંત્રને ઊર્જા આપતાં રહ્યાં.
‘ચિત્રલેખા’ની ઑફિસ ફોર્ટમાં હતી ત્યારે ઘણી વાર સાંજે ‘ગુલ બહાર’માં મધુબહેનના ઘરે મીટિંગ થતી. અંદર તો ન જાઉં, પણ બહાર કોરીડોરમાં હરકિસનભાઈ મળે. ઊભાં ઊભાં જ વાત થાય. આખો દિવસ ઑફિસની દોડાદોડી પછી મધુબહેન સાંજે બારોબાર ઑફિસેથી ઘરે મીટિંગમાં આવે ત્યારે એક ગૃહિણીને નડતી તકલીફો એમને પણ નડે. કોઈક દિવસ ખાંડ ખૂટી ગઈ હોય. ક્યારેક મેળવણ, લીલું મરચું કે ચમચી રાઈ… અનેક વાતોની જેમ અમારો વાટકીવ્યવહાર પણ ચાલતો રહે.
ગૃહિણી અને વર્કિંગ વુમનનું કૉમ્બિનેશન જેનામાં હોય એને જ અમુક મુશ્કેલી સમજાય. બાકી, ઈન્દ્રા નૂયીને પેપ્સિકોનાં સીઈઓનું પ્રમોશન મળ્યું ત્યારે મોડી રાત્રે થાકીપાકી ઘરે આવીને માતાને આ ન્યૂઝ આપવા થનગનતી દીકરી ઈન્દ્રાને એની માતાએ રાત્રે દૂધ લેવા મોકલી દીધી. એમ કહીને કે તારો સીઈઓનો તાજ બહાર ઉતારીને ઘરમાં આવજે! વત્તેઓછે અંશે પ્રોફેશનલ કારકિર્દી હોય એ સ્ત્રી આવા અનુભવમાંથી પસાર થતી જ હોય છે.
હું માનું છું કે ‘ચિત્રલેખા’ના પત્રકારોને ભેગા રાખી ટીમવર્ક કરાવવામાં, સૌને ઉડાન ભરવાની સ્વતંત્રતા આપવામાં, સંતાનોને પણ મનગમતી પ્રવૃત્તિ કરવા દેવામાં મધુબહેન એક વ્યવસ્થાપક અને વ્યવસાયી તરીકે કદી બાધારૂપ નહીં બન્યાં હોય. વ્યવસ્થાની સફળતાની આ ચાવી એમણે કેટલી સૂઝબૂઝથી હાંસલ કરી હશે?
એક દાખલો આપું. ચુનીલાલ મહારાજ, જેમના પરથી મેં ‘ગાંઠ છૂટ્યાની વેળા’ નવલકથા લખી હતી એ સૌથી પહેલાં તો હરકિસનભાઈને મળ્યા હતા. હરકિસનભાઈ એમના જીવન પરથી નવલકથા લખવાના હતા. નિયતિનું કરવું કે અચાનક મહારાજ મને મળ્યા અને મેં નવલકથા લખવાનું નક્કી કર્યું. મેં હરકિસનભાઈને ફોન કર્યો: ‘તમે ન જ લખવાના હો તો અને ત્યારે મને લખવા દેજો.’ હરકિસનભાઈ દિલેર માણસ. ત્યારે ને ત્યારે કહી દીધું: ‘હવે તો તમે જ લખો. હું એ વિષય છોડી દઉં છું.’ મારી વિનંતી છતાં ના જ પાડી. ‘ચિત્રલેખા’ માટેની નવલકથા એમણે મને આપી દીધી. એ વખતે મધુબહેન એમના આ નિર્ણય સાથે સહમત થશે એવો એમને વિશ્વાસ હશે જ ને?
ના, મધુબહેનની પ્રોફેશનલ લાઈફનાં લેખાં-જોખાં લેવાનો આ સમય નથી અને મને એની જાણ પણ નથી. હશે. ઊંચું-નીચું થયું હશે. કોઈ રાજી કે નારાજ થયા હશે એમનાથી. પ્રોફેશનલ લાઈફના આરોહ-અવરોહથી આજે તો કોણ અજાણ છે?
એમના વિશે વિચારું છું કે મારી નજર સામે એ ચિત્ર ફરી તાદૃશ્ય થાય છે. ત્રીસેક વર્ષની ભરયુવાન વયે એક એકલી મહિલા શોકનાં વસ્ત્રોમાં ત્રણ સાવ નાનાં સંતાનો અને બીજાં ત્રણ સંતાન જેવાં મૅગેઝિનને લઈ એકલપંડે દાદર ચડી રહી છે, એ પગથિયાં છે નવજીવનનાં, સિદ્ધિનાં. છ-છ સંતાનોનાં પાલનપોષણ સાથે પોતાનું પોષણ કરવાનું છે. અસ્તિત્વની ઓળખ મેળવવાની છે. એકલવાયા ગૃહપ્રવેશ વખતે પોતે જ પોતાને પોંખવાની છે. એ સમયે એક બીજી પણ પોટલી છે એની પાસે, એમાં છે પતિએ જોયેલાં સપનાં. એ પણ સાકાર કરવાનાં છે.
રેસ જીવનની હોય કે વ્યવસાયની, પુરુષો એમાં સીધા દોડી શકે છે. સ્ત્રી માટે એવી દરેક રેસ એ એક હર્ડલ રેસ છે. એણે અનેક અવરોધો કુદાવતાં, દોડતાં વિનિંગ પોસ્ટ પર પહોંચવાનું છે. આવી એક હિંમતવાન નારીની જીવનસફરનાં આ બહુ ઓછાં પૃષ્ઠો છે. એમણે જો પુસ્તક લખ્યું હોત તો ઘણાં પૃષ્ઠો પ્રકાશમાં આવત. ૧૯૭૫માં હું મહિલા સાપ્તાહિક ‘સુધા’ની તંત્રી હતી ત્યારે એમને મેં સંભારણાં લખવા-લખાવવાનો આગ્રહ કરેલો, પણ મધુબહેન ટાળતાં રહ્યાં.
આ લેખ લખવાનું શરૂ કર્યું ને થોડી વાર હું અટકી ગઈ. મારે ઝીણી ઝીણી વાતોથી એક સુંદર પોત વણવું છે, પણ વર્ષો પહેલાંનું મને યાદ આવશે?
જો કે કેટલીક સ્મૃતિઓ માળિયે પડેલાં જૂનાં તાંબા-પિત્તળનાં, કાળાં પડી ગયેલાં વાસણો જેવી હોય છે. એને માળિયેથી ઉતારી આંબલીથી ઘસીએ એટલે એ ઝગમગતાં સુવર્ણપાત્ર બની જાય છે.
(વર્ષા અડાલજા)
(સાહિત્યકાર)