નદી, તળાવ કે સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા અને દરિયામાં નાહવાની મજા સાવ જુદી જ પ્રકારની હોય છે. ડહોળા પાણી કરતાં જે દરિયાકિનારાઓ પર ચોખ્ખું પાણી હોય ત્યાં નાહવાની, પાણીમાં ડૂબકી મારવાની મજા કંઈ ઓર આવે. ભરતીના સમયે દરિયાનું અસલી સ્વરૂપ જોવા મળે. પછી એ સુરતના ઉભરાટનો દરિયાકિનારો હોય, પોરબંદર હોય કે મુંબઈના જુહૂનો દરિયાકિનારો હોય. પરંતુ, વિદેશી સંશોધકોએ કહેલી એક વાતથી દરિયામાં નાહવાના શોખીનો નિરાશ થશે, પણ એમણે સાવધ રહેવાની પણ જરૂર છે.
એમનું કહેવું છે કે જે લોકો દરિયાનાં પાણીમાં તરે, નહાય કે વોટર સ્પોર્ટ્સમાં ભાગ લે એમને પેટનો ફ્લુ થઈ શકે છે, કાનનું દર્દ થઈ શકે છે તેમજ એવી બીજી બીમારીઓ પણ લાગુ પડી શકે છે જે એમને પહેલા નહીં હોય.
આનું કારણ છે, દરિયાનાં પાણીમાં ફેલાયેલું પ્રદૂષણ. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમીઓલોજી સામયિકમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આવું જણાવવામાં આવ્યું છે.
એક અભ્યાસ પરથી એવું માલુમ પડ્યું છે કે દરિયામાં સ્નાન કરવાથી કાનને લગતી બીમારીઓ થવાની સંભાવના બમણી થઈ ગઈ હતી. કાનના દુખાવાની ફરિયાદમાં 77 ટકા વધારો નોંધાયો હતો.
દરિયામાં નિયમિત સ્નાન કરનારાઓમાં પેટને લગતી બીમારીઓનું પ્રમાણ 29 ટકા જેટલું વધી ગયું હતું.
બ્રિટનમાં યૂનિવર્સિટી ઓફ એક્ઝીટર મેડિકલ સ્કૂલનાં એન્ની લિઓનાર્ડનું કહેવું છે કે, દરિયામાં નાહહતા લોકોને કાનની બીમારીઓ થાય છે, પાચન તંત્રને લગતી તકલીફો થાય છે, જેમ કે પેટમાં દુખાવો રહે અને ડાયરીઆ (અતિસાર).
દરિયાનાં પાણીમાં રહેતું પ્રદૂષણ ઘટાડવા માટે તાજેતરના વર્ષોમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે તે છતાં દરિયાનું પાણી હજી પણ પ્રદૂષિત રહે છે, કારણ કે કારખાનાઓમાંથી કચરો અને ગંદું પાણી તથા ગટર-નાળાઓમાંથી ગંદું પાણી દરિયામાં સતત ઠલવાતું જ રહે છે.
દરિયાનાં પાણીમાં નાહવા, તરવાથી શરીરની રચના પર શું માઠી અસર પડે છે એ જાણવા માટે અનેક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે અને હજારો લોકોને એમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ 1,20,000 જેટલા લોકોને આ અભ્યાસોમાં આવરી લેવામાં આવ્યા હતા.
આ અભ્યાસો અનેક સમૃદ્ધ દેશોમાં હાથ ધરવામાં આવ્યા હતા. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ડેન્માર્ક અને નોર્વે સહિતના દેશોમાં દરિયામાં નાહવાથી અને અમુક ખાસ પ્રકારની બીમારીઓ લાગુ પડવા વચ્ચે સંબંધ હોવાનું માલુમ પડ્યું હતું.
વિશ્વના સમૃદ્ધ દેશોમાં પણ દરિયાના પાણીમાં પ્રદૂષણને કારણે તરવૈયા, સ્નાનના શોખીનોને શારીરિક તકલીફો નડી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ બીમારીઓ જીવલેણ હોતી નથી કે અસાધ્ય પણ હોતી નથી. આ એક પ્રકારના ચેપ હોય છે જે કોઈ પ્રકારની મેડિકલ સારવાર વિના પણ સમય જતાં મટી જાય છે. પરંતુ, દરિયાના પાણીમાં નાહવાથી, તરવાથી અમુક બીમારીઓ લાગુ પડે છે એ સાબિત થયું છે.