જવ્હારઃ ટિપ ટિપ બરસા પાની….

દિલધડક વૉટરફૉલ્સ તથા કમનીય કુદરતી નજારા માટે પ્રખ્યાત એવું ગિરિમથક જવ્હાર આમ મુંબઈની નજીક ને આમ મુંબઈની ભાગદોડથી દૂર એવું એક છૂપું રતન છે. કોંકણ વિસ્તારમાં આવેલા આ ફૅન્ટાસ્ટિક મોનસૂન વીકએન્ડ ડેસ્ટિનેશન વિશે કેટલીક અણકહી માહિતી.

હિંદી સિનેમાના વીતેલા જમાનાના ગ્રેટ મ્યુઝિક ડિરેક્ટર રોશન લાલ નાગરથની 101મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. હૃતિક રોશનના દાદાજી અને રાકેશ-રાજેશ રોશનના પિતાશ્રી રોશન સાહેબનાં કંઇકેટલાંય યાદગાર સ્વરાંકન છે, પણ ગયા શનિવારે વહેલી સવારે અમે મોનસૂનનો આનંદ માણવા ને મુંબઈની કુત્તાદૌડ જિંદગીથી ભાગી છૂટવા પૂરપાટવેગે જવ્હાર (મહારાષ્ટ્ર)ની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે કાર હંકારી રહેલા મિત્રએ મોકાને અનુરૂપ રોશન સાહેબનું આ ગીત લગાવ્યુઃ

પડ ગયે ઝૂલે સાવન ઋત આયી રે… અહાહા, 1967માં આવેલી બહુ બેગમનું સોન્ગ, ગાને કે બોલ લિખ્ખે હૈ જાંનિસાર અખ્તર(જાવેદ અખ્તરના પિતા ને ફરહાન અખ્તરના દાદાજી)ને ઔર ઈસે ગાયા હૈ મંગેશકર બહેનોનેઃ લતા-આશા.

શનિ-રવિની છુટ્ટીમાં ખાસ કરીને વરસતા વરસાદની આ ઋતુમાં જોવા-માણવા જેવાં અનેક સ્થળ છે મહારાષ્ટ્ર પાસે, એ પણ મુંબઈની નજીક રળિયામણ દરિયાકાંઠા, હિલસ્ટેશન્સ અને સદીઓથી ઊંચી ટેકરી પર અડીખમ ઊભેલા કિલ્લાથી લઈને થ્રિલિંગ વૉટરફૉલ્સ, પણ અમે આ બધાથી થોડી ડિફરન્ટ જગ્યાએ જવાનું નક્કી કરેલું. થાણે જિલ્લામાં આવેલું જવ્હાર મુંબઈ અથવા પુણેથી એક્સલન્ટ રોડ ટ્રિપ બની રહે છે.

મુંબઈથી આશરે 160 કિલોમીટર ને ત્રણેક કલાક બાદ અમને કંઇક ચમત્કારિક જોવા મળવાનું છે એટલી ખબર હતી, પણ જે જોવા મળ્યું એ કલ્પનાતીત હતું. અમે સ્કૂલી મિત્રોએ શનિરવિનો આ પ્રોગ્રામ બનાવ્યો હતો. એમાં એક વધુપડતા ઉત્સાહી ને સાહસિક મિત્રએ વળી એવું સૂચન કર્યું કે ભોજન પણ રસ્તામાં આપણે જ બનાવીશું. એ માટેની સાધનસામગ્રી પણ લીધી હતી. જોકે મંજિલે પહોંચવા કરતાં અમને રસ હતો વાટમાં આવતાં કુદરતી સૌંદર્યને મનભરીને માણવામાં.

મુંબઈથી નીકળેલી અમારી એસયુવી નેશનલ હાઈ-વે નંબર 48 પર વિરાર ફાંટો વટાવો એટલે મનોર ફાંટાની સાઈન

વચ્ચે વચ્ચે જોવા મળતાં લીલાંછમ ખેતરમાં કામ કરતા ધરતીપુત્ર હતા તો ક્યાંય ચરાણ માટે નીકળેલી ગાય… છેક સુધી ચારે કોર આવો નજારો આંખને તરબતર કરતો હતો.

વરસાદનાં પાણી ઝરણાંમાં પડીને સુરાવલી છેડતાં હતાં તો એ જ વરસાદ નાની નાની ટેકરી અને ડુંગર પરથી ધોધ રૂપે પડતો હતો. અમારામાંના બધા જ એકાએક કવિ, સાહિત્યકાર બની ગયા. જેમ કે એક જણે કહી નાખ્યુંઃ આ જુઓને સામે, જાણે ધરતીનું અંબર સાથે મિલન થયું હોય એવો નજારો… તો બીજો કહેઃ વર્ષાના અમૃત સમાન પાણીનું સેવન કરીને જાણે દિવ્ય વસુંધરાને નવ્ય જીવન મળે છે…

નાગમોડી પાસે વળી વિક્રમગઢ વટાવતાં ઘાટ શરૂ થયો. આ વળી એક જુદું જ આશ્ચર્ય હતું. અહીં અમે ગાડી થોભાવી બહાર નીકળ્યા. સહેજ આળસ મરડી સફરનો થાક ખંખેર્યો. દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું કે ન તો કોઈ અવાજ. નજરે ચડતો હતો કેવળ ચમત્કારિક કુદરતી સૌંદર્યનો નજારો. વરસાદ વરસતો હતો, પણ કોને ચિંતા હતી ભીના થઈ જવાની. આપણા હિતેન આનંદપરાએ ગાયું છે નેઃ દોસ્તી દિલ્લગી, સંબંધના હર સાદમાં/ચાલ, આજે આપણે ભીંજાઈએ વરસાદમાં… ભીંજાઈએ નહીં તો કવિ સંદીપ ભાટિયા કહે છે એવું થાયઃ આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે/હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે… યાર, એટલા માટે તો આવ્યા હતા. ઠેર ઠેર નાના-મોટા ધોધ અચાનક ફૂટી નીકળ્યા હતા.

અહીંથી અમારું નેકસ્ટ સ્ટૉપ હતું જય વિલાસ પેલેસ. જે જવ્હારથી આશરે બે કિલોમીટર પહેલાં આવે છે. ધોધમાર વરસાદ જાણે બંધ થવાનું નામ લેતો નહોતો. અને એને કારણે જ પેલેસનાં દ્વાર બંધ હતાં. ચોકીદારે અમને માહિતી આપી કે અહીં અનેક ફિલ્મ, ઐતિહાસિક પૃષ્ઠભૂવાળી મરાઠી-હિંદી ટીવીસિરિયલ્સનાં શૂટિંગ થયાં છે. પેલેસની આસપાસનો પરિસર ફરી અમે પાછા ગાડીમાં ગોઠવાયા. બપોરનો એક થયો હતો ને હવે સૌને લાગી હતી કકડીને ભૂખ. વરસાદ એવો વરસતો હતો કે રસોઈ બનાવવા ક્યાંય જગ્યા દેખાતી નહોતી. છેવટે એક ઝૂંપડી જેવું દેખાતાં પાકનિષ્ણાત બે મિત્ર એમાં ઘૂસ્યા. દોઢેક કલાકની જહેમત બાદ ગરમાગરમ દાળ-ભાત-અથાણું ને ખાખરાનું લંચ લઈ અમે અમારા રિસોર્ટ પર પહોંચ્યા. દોઢ દિવસ જવ્હાર તથા આસપાસનાં વિસ્તાર-જોવાલાયક સ્થળ માણી રવિવારની સાંજે મુંબઈ આવવા નીકળ્યા ત્યારે અમે મનસૂબો કરી લીધો હતોઃ હવે આવીશું તો થોડો વધારે સમય આપીશું આ છૂપા રતનને.

શા માટે જવ્હાર ?

  • મહારાષ્ટ્રના સુંદરતમ્ પાલઘર જિલ્લામાં કોંકણ વિસ્તારમાં લીલીછમ પશ્ચિમી ઘાટીથી ઘેરાયેલા ને થાણેના મહાબળેશ્વરની ઓળખ મેળવનારા જવ્હાર તથા આસપાસ અનેક જોવાલાયક સ્થળ છેઃ 1343માં સર્જાયેલું ઐતિહાસિક રજવાડું જય વિલાસ પેલેસ, જવ્હારથી આશરે વીસેક કિલોમીટર દૂર આવેલો દાભોસા ફૉલ, ખડખડ ડેમ, હનુમાન પૉઈન્ટ, સનસેટ પોઈન્ટ, ક્લૉક ટાવર, ભોપટગઢ વગેરે.
  • જવ્હારનો ઈતિહાસ ગૂઢ, પણ રસપ્રદ છે. બ્રિટિશરાજમાં જવ્હાર બૉમ્બે પ્રેસિડન્સીનો ભાગ હતું.
  • અહીંના વારળી પેન્ટિંગ્સ દુનિયાભરમાં મશહૂર છે.
  • મુંબઈથી માત્ર 160 કિલોમીટર છેટે છે.

 

અહેવાલ-કેતન મિસ્ત્રી તસવીરો-નીલેશ વાળિંજકર