ચાલો, ચારસો વર્ષ પુરાણી પરંપરાના સાક્ષી બનવા….
એમ્સ્ટરડેમ નજીક આવેલી આ ખૂબસૂરત નગરીમાં દર શુક્રવારે ભરાતી પારંપરિક ચીઝ માર્કેટની ગતિવિધિ જોવા-માણવા જેવી છે.વિશ્વવિખ્યાત ડચ ચીઝથી લઈને સાડા ત્રણસોથી વધુ નૅશનલ મોન્યુમેન્ટ્સ માટે જાણીતી, એમ્સ્ટરડેમની નજીક આવેલી આ નયનરમ્ય નગરીમાં દર એપ્રિલે ટુરિસ્ટ્સનાં ધાડેધાડાં ઊતરી પડે એવો એનો મહિમા છે. અહીંના બીટલ્સ મ્યુઝિયમમાં જૉન લેનન-પૉલ મેક્કાર્ટની-જ્યોર્જ હૅરિસન-રિંગો સ્ટારનું સૌથી મોટું પ્રાઈવેટ કલેક્શન જોવા મળે છે તો બિયર મ્યુઝિયમ, ચીઝ મ્યુઝિયમ, અર્બન મ્યુઝિયમ આખા-આખા દિવસ ગાળી શકાય એવાં માતબર છે.
1981માં મારા પ્રથમ વિદેશપ્રવાસ દરમિયાન અન્ય દેશોની સાથે નેધરલૅન્ડ્સની મુલાકાત લીધી હતી. એ પછી તો પાંચેક વખત નેધરલૅન્ડ્સ જવાનું થયું. પણ તીવ્ર ઈચ્છા હોવા છતાં ત્યાંના અલ્કમાર નગર જઈ શક્યો નહોતો. થોડા સમય પહેલાં મુલાકાત વખતે આલ્કમારનો મેળ પડ્યો, બલકે કહો કે આ પ્રવાસ મેં અલ્કમારને ધ્યાનમાં રાખીને જ યોજ્યો હતો.અલ્કમાર એક નાનું-રળિયામણું નેશાંત નગર છે. આશરે 50,000 જેટલી વસતિ હશે, પણ દર વર્ષે એપ્રિલથી અહીં પ્રવાસીનાં ધાડેધાડાં ઊતરી પડે છે. કારણ છે આ દિવસો દરમિયાન દર શુક્રવારે અહીં ભરાતી ચીઝ માર્કેટ શહેરની આ ચારસો-પાંચસો વર્ષ પુરાણી પરંપરા છે. રસપ્રદ વાત એ છે કે ચારસો-પાંચસો વર્ષ પહેલાં નગરના જે ચોકમાં આ બજાર ભરાતી એ જ જગ્યાએ પારંપરિક પોશાકમાં કાવડ પર ચીઝની હેર-ફેર આજે થાય છે અને એ જોવું એક લહાવે છે.
આ રોમાંચક વિધિ સવારે બરાબર 10ના ટકોરે શરૂ થાય અને 12:30 વાગ્યે આટોપાઈ જાય. આજુબાજુનાં ગામમાંથી ચીઝ સવારના નવ વાગતાં પહેલાં આવી જાય.મેદાનમાં લાઈનબંધ વ્હીલ (મોટાં ચકતાં) આકારનાં 12 થી 13 કિલો વજન ધરાવતા ચીઝ મોટી મોટી પ્લાસ્ટિકની ટ્રેમાં વ્યવસ્થિત ગોઠવાય. આ સમયે સારી જગ્યા મેળવવા ટુરિસ્ટ્સમાં પડાપડી થાય.
મારી વાત કરું તો સારી જગ્યા મેળવવા હું તો નવ વાગતાં પહેલાં જ પહોંચી ગયો. હું ગયો ત્યારે ત્યાં આશરે અઢી હજાર જેટલાં ચીઝનાં ચકતાં ગોઠવાઈ ગયાં હતાં. ચીઝના એક્સ્પર્ટ કોઈ કોઈ ચકતામાંથી ચીઝ ટેસ્ટ કરતા હતા. એમાંના એક અધિકારી સાથે વાત કરતાં ખબર પડી કે ચીઝ ખૂબ જ ઊંચી કક્ષાનાં અને મોંઘાં હોય છે. 13 કિલોનું એક વ્હીલ અથવા ચકતાની કિંમત આશરે 150 યુરો (આશરે રૂપિયા 12,000) થાય. સોદો ડન થાય એટલે લાઈનબંધ વાહનમાં ગોઠવાઈને એ ખરીદનારાને મોકલી આપવામાં આવે.
ચોકમાં આવેલી ખૂબ જ પુરાણી બે મજલાવાળી ઈમારતના ભોંયતળિયે મોટા વજનકાંટા ગોઠવવામાં આવ્યાં હોય છે. મેદાનમાંથી ચીઝનાં આઠ વ્હીલ કાવડમાં ભરી વજન થાય અને પછી ખરીદનારાની રેંકડીમાં મૂકાયા બાદ દૂર ઊભેલી ટ્રકમાં એ ચડાવવામાં આવે.આ વિધિનું મેં વર્ણન બે ફકરામાં કર્યું. પણ ખરેખર તો એ ખૂબ રસપ્રદ છે, જેમ કે બરાબર 10ના ટકોરે અલ્કમાર નગરના મેયર તથા સંસ્થાના પ્રમુખે ઘંટ વગાડી વેચાણની શરૂઆત કરાવી. ઘંટ વાગતાં જ ચારે કોર દોડાદોડ શરૂ થઈ ગઈ. કાવડ લઈને બે માણસ આવ્યા. એમણે કાવડમાં ચીઝનાં આઠેક ચકતાં મૂક્યાં. પછી દોડીને એને વજન કરવા લઈ ગયા. વજન થઈ ગયા બાદ ફરી ભાગંભાગ… જેમણે જેમણે ચીઝ ખરીદ્યું એમની લારીમાં એ ગોઠવવામાં આવ્યાં.
આખી વિધિ ખાસ પોશાકધારી ભાઈઓ દ્વારા વર્ષોથી ચાલી આવતી રીત પ્રમાણે પાર પડે. આશરે અઢી હજાર ચીઝનાં વ્હીલ લારીમાં મૂકવાનાં. આ બધું બપોરે બરાબર સાડા બારતના ટકોરા સાથે આટોપાઈ જવું જોઈએ. માટે સતત દોડતાં રહેવું જરૂરી છે. હું જે શુક્રવારે ચીઝબજાર ગયો એ દિવસે આશરે 30,000 કિલો ચીઝ માર્કેટમાં વેચાવા આવેલું.
અલ્કમાર ચીઝ માર્કેટ 1365માં શરૂ થયેલી. 1612માં એનો વિસ્તાર વધ્યો. 1953થી જ્યાં ચીઝબજાર યોજાવાની શરૂઆત થયેલી એ જ જગ્યા પર આજે પણ યોજાય છે.
સફેદ રંગના ખાસ પોશાક તથા રંગીન હૅટમાં સજ્જ લોકોને ચીઝ કૅરિયર કહે છે. આ ચીઝ કૅરિયર લાકડાંની કાવડમાં વજન કરવા માટેના રૂમમાં ચીઝ લઈ જાય અને ત્યાંથી ખરીદનારાની લાકડાંની રેંકડીમાં ગોઠવી દે. આ આખી ઍક્ટિવિટી ક્રિયા-પ્રક્રિયા લયબદ્ધ સ્ફૂર્તિપૂર્વક થાય. કોઈ રોમાંચક ફિલ્મ જોતાં હોઈએ એવી રીતે એ ખૂબ જ દર્શનીય અને જકડી રાખે છે એવાં એ દરેક કાર્ય માટે જુદા જુદા પોશાક હોય છે, જેથી ખયાલ આવે કે કોનું કયું કાર્ય છે. ચીઝ નિષ્ણાતો ચીઝનું ટેસ્ટિંગ કરી એની શ્રેષ્ઠતાનો અભિપ્રાય આપે છે. પરીક્ષણમાં ખાસ તો ચીઝનાં સ્વાદ, ભેજ, સુગંધ અને ફૅટ ચકાસવામાં આવે છે.
બીજી બાજુ, પુરુષો જેટલા જ આકર્ષક પારંપરક પોશાકમાં ફરતી સુંદર યુવતીઓને ચીઝ-મેઈડ કહે છે, જે અમારા જેવા સહેલાણીઓને ચીઝ ટેસ્ટ કરાવે, જોઈતી જરૂરી માહિતી આપે, મધુર સ્મિત સાથે ટુરિસ્ટ સાથે ફોટા પડાવે.
ચીઝના પરીક્ષણની વિધિ પણ રસપ્રદ છે. ચીઝના બેથી ચાર ભાગ કરી એમાં કેટલા હોલ (જે આંખ તરીકે પણ જાણીતા છે) છે. એ ચકાસવામાં આવે. આ હોલ ચીઝ પરિપક્વ થતું હોય એ પ્રક્રિયા દરમિયાન સલામત લેક્ટિક ઍસિડ અને બૅક્ટેરિયાથી પડે છે. શ્રેષ્ઠ ચીઝમાં Eyes અથવા Holes સમાંતર અંતરે વિસ્તરાયેલાં હોય છે, જે ચીઝમાં Eyes કે Holes નથી હોતાં એ ચીઝ ઊતરતી કક્ષાનું ગણાય.
પેઢી-દર પેઢીથી ખાસ ફોર્મ્યુલા પ્રમાણે બનતું આ ચીઝ આશરે 400થી પણ વધુ વર્ષોથી આ જ રીત-રિવાજ મુજબ આ જગ્યાએથી જ વહેંચવામાં આવે છે. જે જગ્યાએ ચીઝનું વજન થાય છે એ મકાનને વેઈંગ ટાવર કહે છે ને આ જગ્યા વેઈંગ સ્કવેર તરીકે જાણીતી છે.
અલ્કમાર ચીઝ માર્કેટ વર્ષે દહાડે એક લાખથી પણ વધુ મુલાકાતીને આકર્ષે છે. આ નાનકડા, રળિયામણાગામને 1999માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે. અમુક ચીઝ ઉત્પાદકો આજેય રૂઢિ પ્રમાણે કૅનાલનાં જળમાં હલેસાંવાળી બોટ દ્વારા તથા ઘોડા પર ચીઝ લાવે છે. ચીઝનું વજન કરી એને ખરીદનારાની રેંકડીમાં પહોંચાડનારાને ચીઝ બૅરર તરીકે ઓળખવામાં આવે છે. એની હૅટના રંગ પરથી એના ગ્રુપની જાણ થાય છે. આ બધા જો કે અહીં શોખથી કામ કરતા હોય છે. બાકી તો એમનો પોતાનો ચીઝનો ધીકતો વ્યવસાય કરતા હોય છે.
રસપ્રદ વાત એ છે કે નેધરલેન્ડ્સ વર્ષે 6.4 કરોડ કિલો ચીઝનું ઉત્પાદન કરે છે, જેમાંથી 65 ટકા જેટલું ચીઝ નિકાસ થાય છે.
આ વિસ્તાર સમુદ્ર સપાટીથી ચાર મીટર નીચાણમાં છે. 1612માં દરિયો પૂરીને આ નગરીનું નિર્માણ કર્યું છે. રિક્લેઈમ કરેલી ખનિજવાળી જમીન તથા દરિયા પરથી આવતો પવન ધરતી પર ઉચ્ચ કોટિનું ઘાસ ઉગાડે છે, જે આરોગીને અહીંથી ગાય કઢિયલ દૂધ આપે છે. આથી જ અહીનું ચીઝ દુનિયાભરમાં મશહૂર છે. એ પણ જસ્ટ, જાણી લો કે અહીંનાં દર્જેદાર દસ લિટર દૂધમાંથી બીમસ્ટર તરીકે પ્રસિદ્ધ એવું એક કિલો ચીઝ બને છે. અહીંની આશરે 15 લાખ ગાયનાં દૂધમાંનું અડધોઅડધ તો ચીઝ બનાવવામાં જ વપરાઈ જાય છે. આ ડેરી ઈન્ડસ્ટ્રી આશરે 57 હજાર લોકોને રોજગાર આપે છે.
ચીઝ માર્કેટમાં મુલાકાતીઓ-પર્યટકોને પેલી ફૂટડી ચીઝ-મેઈડ ચીઝ ચાખવા આપે છે. ભાવે તો એ તથા સુવેનિયર બૅગમાં જુદી-જુદી જાતનાં ચીઝનાં નાનાં-નાનાં પૅકેટ 10 યુરોમાં વેચાય છે. ચીઝ વેચાણમાંતી થતી આવક પહેલાંની ડચ કોલોની અને હવે સ્વતંત્ર દેશ સુરીનામમાં આવેલા નાના અલ્કમર ગામની સ્કૂલને મદદ રૂપે મોકલવામાં આવે છે.
અત્યંત મનમોહક અને મનને તરબતર કરી દે એવી આ મુલાકાત યાદગાર બની રહે છે.
( ચિત્રલેખા 2018 )
પ્રવાસ ગાઈડ
|
અહેવાલ-તસવીરોઃ કિરણ ઓઝા