અમેરિકા સુખ અને સમૃદ્ધિ સાથે સલામતી ઘરાવતો દેશ છે. અહી અનેક દેશો માંથી આવીને વસેલી પ્રજા છે. મિક્સ સંસ્કૃતિ અને વિચારો સાથે વિવિધતાઓ થી ભરેલો દેશ છે. હજુ ગઈકાલ સુધી સોનેરી સ્વ્પ્નાઓથી ચમકતો દેશ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજાતું નથી.
ટ્રમ્પ સરકાર, તેના કડક વલણને વખોડતી પ્રજા પણ અત્યારે તેના વહીવટને બિરદાવતી થઇ છે. તેનું કારણ હાલનું વધારે પડતું નરમ વહીવટી તંત્ર અને સરકારની ગરીબીની રેખા નીચેનાઓ તરફની વધારે પડતી મીઠી નજરને ગણવામાં આવે તો કઈ ખોટું નથી. વધારે પડતી મીઠાશ મધુપ્રમેહ અને સ્થૂળતા આપે છે તે વાત ભૂલવા જેવી નથી.
ગત વર્ષ કરતા ક્રાઈમનો આંકડો વધ્યો છે. બંધુકનો આડેઘડ વપરાશ સાથે શોપ લીફટીંગ એટલે કે સ્ટોર્સમાં ચોરી લુંટફાટ અને વધારે તકલીફ આપતી કામચોરી વધી છે.
સીએનએન દ્વારા ટાંકવામાં આવેલા ન્યુ યોર્કના પોલીસ વિભાગના આંકડા અનુસાર, અગાઉના વર્ષ કરતા મે ૨૦૨૧ માં ગન શૂટિંગના બનાવોમાં ૭૩ ટકાનો વધારો થયો છે. શિકાગો, લોસ એન્જલસ અને ન્યુ યોર્ક સિટીમાં પોલિસ અધિકારીઓ અને મેયરો દ્વારા બહાર પડાએલા સમાચાર જે ચોંકાવી દે તેવા છે.
૨૦૨૦ના અંતમાં, શિકાગો પોલીસે ૭૫૦ વધુ હત્યાનો અહેવાલ આપ્યો, જે ૨૦૧૯ ની તુલનામાં ૫૦% થી વધારે જમ્પ હતો. ડિસેમ્બરના મધ્યભાગ સુધીમાં, લોસ એન્જલસના ૩૦% લોકોની હત્યા સાથે ગત ડિસેમ્બર સુધીમાં ન્યુયોર્ક સિટીમાં ૪૩૯ હત્યાઓના કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષ કરતા ૪૦ ટકા થી વધારે ગણી શકાય.
મોટા શહેરોનાં અમુક વિસ્તારોમાં પહેલેથી સાંજ પડે બહાર જતા સામાન્ય પ્રજા ડરતી હતી. આજે દરેક જગ્યાઓમાં જરૂર વગર સાંજે બહાર ના જવામાં સલામતી ગણાય છે. ગન ફાયરીંગમાં નિર્દોષ પ્રજાના ઘાયલ થવાના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. દરેક જગ્યા અસલામત છે એવું નથી છતાં પહેલાના જેવું સેફ સલામત પણ નથી.
એક વખત નાના બનાવોમાં પણ પોલીસ મિનિટોમાં હાજર થઈ જતી. જે જ્યોર્જ ફોઈડના બનાવ પછી તેમાય હાલની સરકારના નરમ પગલાઓને કારણે અમેરિકાની પોલીસ પાસેથી ઘણા હક અને કડપ છીનવાઈ ગયા છે જેના પરિણામે દુકાનમાં ચોરી કરનારને કોઈ સજા કરી શકતા નથી. આનો લાભ ચોરી તરકારી કરનાર બરાબર ઉઠાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વોલગ્રીન ફાર્મસી સ્ટોરમાંથી ખુલ્લેઆમ વસ્તુઓની ઉઠાંતરી કરતો વિડીયો વાઈરલ થતા લોકોમાં ખળભળાટ થયો હતો.
સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ગુના કરવાની છૂટ મળી જાય. આ બધાને કાબુમાં રાખવા અંકુશ જરૂરી છે એ માટે સરકાર અને પોલીસતંત્ર કડક હોવું જોઈએ.
રેખા પટેલ (ડેલાવર)
