સુરત: રેલવેસ્ટેશનથી ૧૩ કિલોમીટર અને ઍરપોર્ટથી પાંચ કિલોમીટરના અંતરે કરમ યુનિકો નામે એક મ્યુઝિયમ છે. આમ તો આ એક બંગલો છે, પણ બંગલાના માલિકે એમાં મ્યુઝિયમ બનાવ્યું છે. પ્રવેશદ્વાર પાસે હાર્ટ શેપનો પથ્થર તમને આવકારે છે. અંદર પ્રવેશતાં જ પ્રતીતિ થાય કે આપણે પથ્થરોની અલાયદી સૃષ્ટિમાં પ્રવેશી ગયા છીએ. પ્રાંગણમાં પણ કામણ પાથરતા વિવિધ પ્રકારના પથ્થર જોવા મળે છે. પથ્થરો ઉપરાંત અહીંની કાષ્ઠકળાકૃતિઓ પણ ધ્યાનાકર્ષક છે. આ છે: પથ્થરનું મ્યુઝિયમ.
આ પથ્થરપ્રેમી વ્યક્તિનું નામ છે: કનુભાઈ રામજીભાઈ આસોદરિયા. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કનુભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ગોંડલ, પણ પિતા અમદાવાદના જાણીતા વિજ્ઞાની વિક્રમ સારાભાઈના બંગલામાં કામ કરવા ગયા એટલે એ અમદાવાદી પણ ગણાય.
કનુભાઈએ નવમા ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો. ભણવામાં એ હોશિયાર, પણ એ સમયે એટલે કે ૧૯૬૫-૧૯૭૦માં સુરતમાં વિકસતી ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ એમને આકર્ષ્યા. કનુભાઈના મામા સુરતમાં હીરાના વ્યવસાયમાં જ હતા. ૧૯૭૧માં મામાના પગલે એ પણ સુરત આવ્યા અને હીરા ઘસવાનું કામ શીખવા લાગ્યા. ત્રણ મહિનામાં તો એ ઘાટ (હીરા ઘસવાનો એક પ્રકાર)ના અચ્છા કારીગર બની ગયા. ૧૯૭૬માં લગ્ન કર્યાં અને પછી ભાગીદારીમાં સુરતમાં હીરાનું કારખાનું ચાલુ કર્યું. પછી તો એક કારખાનું અમદાવાદમાં પણ ચાલુ કર્યું. અમદાવાદમાં હીરા તોડવાનો પહેલો કાંટો એમની પાસે હતો.
કનુભાઈ હીરામાં ટ્રેડિંગનું કામ પણ કરતા. ધીરે-ધીરે ટ્રેડિંગમાં એમનો રસ વધતો ગયો. જાણીતા વેપારી ગોવિંદ ધોળકિયાની ઑફિસની બાજુમાં જ એમણે એક ઑફિસ ભાડે લીધી અને ત્યાંથી ટ્રેડિંગ શરૂ કર્યું. અવાર-નવાર એમને ગોવિંદભાઈ સાથે પ્રેરક ગોઠડી થતી. કામ પ્રગતિના પંથે ચડ્યું. પછી તો મુંબઈમાં પણ એક ઑફિસ ખોલી.
આ દરમિયાન એમનો વિદેશયોગ સર્જાઈ રહ્યો હતો. ૧૯૯૧માં પ્રથમ વખત વ્યવસાય અર્થે બેલ્જિયમની સફર ખેડી. ત્યાર બાદ વિદેશોની બિઝનેસટ્રિપ વધવા લાગી. ૨૦૦૧માં કારખાનાની ભાગીદારી તૂટતાં કરમ સાથે નવી ભાગીદારીની શરૂઆત થઈ. કરમ એક્સપોર્ટના નામે ૧૯૯૪થી એ ટ્રેડિંગ કરતા. હવે એ જ નામથી સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. કરમ નામ રાખવા પાછળ પણ ખાસ કારણ હતું. એક તો કરમના ત્રણેય અક્ષરમાં એમના પરિવારજનનાં નામ છે અને ગીતાનો કર્મનો સંદેશ છે.
૨૦૦૩નું વર્ષ. આજે આપણે આ સ્ટોન મ્યુઝિયમમાં છીએ એનું કારણ આ વર્ષ જ છે. કનુભાઈ એ ઘટનાનું સ્મરણ કરતાં કહે છે: ‘બેલ્જિયમમાં ગિરધરભાઈ ગજેરાના કોમલ જેમ્સમાંથી ડાયમંડની રફ ખરીદી હતી, જે મૂળ આફ્રિકાની ખાણની હતી. સુરત આવ્યા પછી મારા પિતાએ કહ્યું કે આ રફની અંદર ગણેશજી આશીર્વાદ આપી રહ્યા હોય એવું લાગે છે. તપાસ કરતાં અંદરથી ખરેખર ગણેશ આકારનો એક હીરો જડ્યો. જાણે રિદ્ધિ-સિદ્ધિનો ખજાનો સાંપડ્યો. એને કરમ ગણેશ નામ આપી, પૂજા કરી એને મંદિરમાં સ્થાન આપ્યું.’
અહીંથી કનુભાઈનાં કરમ અર્થાત્ નસીબ પલટાયું અને કરમ ગણેશ પછી જ કનુભાઈને દુર્લભ પથ્થર એકત્ર કરવાનો શોખ જાગ્યો. ૨૦ વર્ષની રખડપટ્ટી પછી પણ આજે આ શોખ એવો ને એવો તાજો છે. ૨૦ વર્ષ અને ૪૦ જેટલા દેશમાં રખડીને એમણે ૫૦૦૦થી વધુ સ્ટોન એકઠા કર્યા છે, જે આ મ્યુઝિયમમાં જોવા મળે છે.
કનુભાઈ ચિત્રલેખાને કહે છે: ‘હવે મારા માટે આ પથ્થર નથી, રત્ન છે, ઈશ્ર્વરના આશીર્વાદ છે. આ આશીર્વાદ એટલે પથ્થરોની આયુ તો વર્ષો પુરાણી છે ને એના મોલ તો અણમોલ છે.’
મ્યુઝિયમમાં નૅચરલ ડાયમંડની કુદરતી રીતે બનેલી ગણેશજીની ત્રણ મૂર્તિ છે. તો એક ડાયમંડ કોયલ આકારનો છે. આ બધા હીરા સાચા હોવાનાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટનાં સર્ટિફિકેટ પણ છે.
નૅચરલ ડાયમંડ સાથે મ્યુઝિયમમાં બહુધા જેમ્સ અને મિનરલ સ્ટોનની અનેક આકર્ષક કૃતિઓ છે. અહીંની બધી જ પથ્થરની કૃતિ જે કુદરતી આકારમાં મળી એમ જ મૂકવામાં આવી છે. એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સાત સૂંઢવાળા ગણેશ, એમેથિસ્ટ તેમ જ અનેક મુદ્રામાં ગણેશજી, શિવજી, બાલાજી ઉપરાંત અલ્લાહ નામનો પણ એક દુર્લભ સ્ટોન છે. શિવલિંગમાં થાળું કુદરતી છે. જો કે લિંગને આકાર ચોક્કસ આપવામાં આવ્યો છે. આ સિવાય બધું જ કુદરતી છે. દ્રોણ, સંજીવની જેવા પર્વતો, જ્યોતિ, વિષ્ણુનું વાહન ઘુવડ, લક્ષ્મીજીનું કમળ, ચંદ્રમા, કશ્યપ અવતાર, શંખ, વગેરે પચ્ચીસથી વધુ પ્રકારનું ધાર્મિક કલેક્શન છે.
દેવતાઈ આકારના કદાચ દેશના આ પહેલા અને એકમાત્ર સ્ટોન મ્યુઝિયમના ભોંયતળિયે અને પહેલા માળે બન્ને જગ્યાએ મળીને સ્ટોન ઉપરાંત અન્ય કલેક્શનમાં સ્ટોન બુકે, ડિવાઈન કપલ્સ, હાર્ટ, શાકભાજી, ફળ, આઈસક્રીમ, ઍર જેટ, મોતી, પ્રાણીઓ, વ્હાઈટ ડેઝર્ટ, વગેરે આકારના વિવિધ જેમ્સ અને મિનરલ સ્ટોન છે. આઈસક્રીમ તો એવા કે હમણાં હાથમાં લઈને આરોગવા માંડીએ. વિમાન એવું, જાણે હમણાં જ ઉડાણ ભરશે. ડિવાઈન કપલ્સ સ્ટોન વિશે જરા જાણવા જેવું છે. એક જ સ્ટોનના આમાં બે ભાગ છે, જેને જોડો તો ક્યાંથી જુદા થયા એ કહેવું મુશ્કેલ થઈ જાય. મોટા ભાગે નાળિયેરના બે ભાગ જેવા એ દેખાય ને ભેગા કરો તો આખું નાળિયેર! દિલ આકારના પણ ઘણા સ્ટોન છે. સુપર હિટ ફિલ્મ ટાઈટેનિકનું જહાજ પણ તમારી આંખ સામે તરતું દેખાશે. સર્પમુખ, રાણીનો તાજ, પિરામિડ સાથે ક્રિસ્ટલ બુકેનું પણ અનોખું કલેક્શન છે. રુબી ડાયમંડ પર પ્રકાશ પડે એટલે ઉપર લાલ તારા ટમટમતા થઈ જાય.
મ્યુઝિયમમાં પેટ્રિફાઈડ વૂડ (લાકડાંમાંથી સ્ટોન) કલેક્શન છે, જેમાં પહેલી નજરે તમે કહી જ ન શકો કે આ પથ્થર છે. સ્પર્શ કરો ત્યારે ખબર પડે કે આ કાષ્ઠ નહીં, પાષાણ છે. આવા અનેક પ્રકારનાં સૌંદર્ય અને આશ્ર્ચર્યથી ભરેલા પથ્થરો અહીં નિવાસ કરે છે. દરેક પથ્થરમાં કનુભાઈનો પ્રેમ તરવરતો જણાય. એ કહે છે: ‘જો જડ પદાર્થ તરીકે મારો જન્મ થાય તો મારો એ જન્મ પથ્થર તરીકે જ હોય.’
કનુભાઈ હીરા ટ્રેડિંગ ઉપરાંત કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. અમરેલીમાં લેઉઆ પટેલ સમાજની હૉસ્ટેલના એ સ્થાપક ટ્રસ્ટી છે.
પથ્થરોના આ સંગ્રહ માટે કનુભાઈનાં અમેરિકા અને ઈંગ્લૅન્ડમાં તથા દેશમાં સમ્માન થયાં છે. સુરત, ગુજરાત અને દેશભરમાંથી તેમ જ વિદેશમાંથી પણ લોકો આ મ્યુઝિયમની મુલાકાત અર્થે આવી રહ્યા છે. (અત્યારે મ્યુઝિયમમાં પ્રવેશ-ફી લેવામાં આવતી નથી.) હૈદરાબાદનાં જેમોલૉજિસ્ટ મીનુબહેન વ્યાસ મુલાકાત બાદ નોંધે છે કે કટ પથ્થરનાં ઘણાં સંગ્રહાલય છે, પણ કુદરતી આકારમાં જ પથ્થરો રાખ્યા હોય એવું આ પહેલું સંગ્રહાલય છે. આવું કામ એક પૅશનેટ માણસ જ કરી શકે.
કનુભાઈ આસોદરિયા ચિત્રલેખાને કહે છે: ‘કરમ ગણેશ આવ્યા બાદ મારા સહિત કેટલાય લોકોનાં ભાગ્ય બદલાયાં છે. પથ્થર સાથે પ્રેમમાં પડવાની પળ પણ આ જ ગણેશ છે. આ દિવ્ય પથ્થરો માણસને દિવ્ય ઊર્જા પૂરી પાડે છે. આ પથ્થરો સુરતને એક આગવી ઓળખ આપે એ જ અભ્યર્થના છે.’
કવિ નિરંજન ભગતની કાવ્યપંક્તિ પથ્થર થર થર ધ્રૂજેમાં થોડા ફેરફાર સાથે કહી શકાય (અહીંના) પથ્થર પળ પળ બોલે…
(અરવિંદ ગોંડલિયા- સૂરત)
(તસવીરો: ધર્મેશ જોશી)





