વાર લાગે છે!

The Art of Stepping Back: Veena Patil on Empowering Teams, Mastering Patience, and the "Ten Thousand Hours Rule"

4

`મૉમ તું પહેલાં બહાર જા, અહીં બિલકુલ આવવાનું નહીં.’ અપમાનિત થવા એકદમ પરફેક્ટ સિચ્યુએશન, હૈ ના, અને ફક્ત તે વખતે જ નહીં, પરંતુ પછી વચ્ચે-વચ્ચે તેને પંપાળતા રહેવાનું અને પછી વારંવાર તે વિચારોને નકારાત્મકતાની ગર્તામાં ધકેલી દેવાનું કોને નહીં ગમશે? એટલે કે, આપણને ગમે કે નહીં, આપણું મન તો સતત ત્યાં જ ખેંચાતું રહે છે, પરંતુ મન કે તે સિચ્યુએશન બિલંદર હોય તો હું મહાબિલંદર, અસલી મરાઠી ભાષામાં તેને `ખમકી’ કહેવાય છે. મેં નીલની વાત મારા મનના પરિઘની બહાર જ રાખી. ત્યાંથી નીકળી ગઈ અને મળેલા સમયનો સદુપયોગ કરીને મારું કેટલાય દિવસોથી અટવાઈ રહેલું પુસ્તક વાંચવા લીધું.

અમારો આ સંવાદ કોવિડ સમયનો હતો. બધા જ ઘરોમાં પોતપોતાના રૂમમાં બંધિયાર હતા. કામ શું કરવાનું, પુસ્તક પણ કેટલાં વાંચવાનાં? આ પ્રશ્ન હતો. મોટો દીકરો રાજે કમ્પ્યુટર ઈન્ટરનેટ ગેમિંગનો સાથ લીધો, જ્યારે નીલ કામ, લેખન, એક્સરસાઈઝ અને કૂકિંગમાં ખોવાઈ ગયો. તેને કૂકિંગની, ખાવાની અને બધાને અલગ અલગ ખવડાવવાનું ગમે છે. વચ્ચે-વચ્ચે તે કિચનનો કબજો લેતો હતો. એક દિવસ આ રીતે જ તે કિચનમાં હતો ત્યારે તેની મદદે હું પણ પહોંચી. `નીલ કોઈ મદદ જોઈએ?’ એવું પૂછતાં જ મારી એકંદર કિચન એક્સપર્ટીઝની, ધાંધલપણાની અને કિચનમાંના ઈન્ટરેસ્ટની સંપૂર્ણ કલ્પના ધરાવતા નીલે મને તે કિચનમાંથી રીતસર `ચલે જાવ’નો ઓર્ડર કાઢ્યો અને હું પણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. જે બાબતમાં આપણને રસ નથી અને ગતિ પણ નથી ત્યાં ચંચુપાત શા માટે કરવાનો? અને આવું કરાય તો જ આપણે આપણને ગમતી અને ફાવતી બાબતો તરફ ધ્યાન આપી શકીએ તેનું મને સંપૂર્ણ ભાન છે. વારુ, આ મહિનાની શરૂઆતમાં અનુરૂપ વિવાહ સંસ્થાના પોડકાસ્ટમાં મેં મારી કિચનની વાર્તા કહી, જાણે એકદમ કૌતુક. હું કઈ રીતે બિલકુલ કિચનમાં જતી નથી વગેરે-વગેરે. મારો મિજાજ દૂર કરવા તે કર્તાહર્તા ઉપરથી જોતો જ હોય છે. તે જ અઠવાડિયામાં અમને સંભાળતી બંને છોકરીઓ તેમની તરફની ઈમરજન્સીને લીધે ગામ ગઈ. હવે ખરી પંચાત થઈ? સવારે જ્યુસ કોણ બનાવશે? અહીંથી અમારી સામે પ્રશ્નચિહન. આખરે અમે પહેલા દિવસે ગણપતિ બાપ્પા મોરયા કહીને કિચનમાં ઘૂસ્યાં.

`જો ખાઈશ તો ઘી સાથે નહિતર ભૂખી રહીશ’ પ્રમાણે અમે ક્યારેક `જયુસ મિક્સરમાં નહીં કરતાં કોલ્ડ પ્રેસ જ્યુસરમાં જ કરવાનો, જેથી તેમાંનું જીવનસત્વ જળવાઈ રહે છે’ આ શીખ પ્રમાણે તે કોલ્ડ પ્રેસ જ્યુસરની પ્રતિષ્ઠાપના અમારા ઘરમાં કરી હતી. વર્ષા, સાયલી જો આપણને આટલું  ઈઝિલી જ્યુસ કાઢી આપતી હોય તો આપણને કેમ નહીં ફાવી શકે? એમ વિચારીને અમે કિચનમાં એન્ટ્રી મારી. તે જ્યુસર ચાલુ કરવાનું એટલું આસાન નહોતું તે અમને પહેલી દસ જ મિનિટમાં સમજાઈ ગયું. `નેવર અંડરએસ્ટિમેટ એની ગેજેટ’ પ્રમાણે તે કાંઈ અમને ફાવ્યું નહીં. સુધીરે ડ્રોઅરમાંથી મેન્યુઅલ કાઢ્યું. મેં યુટ્યુબ પર જ્યુસરનું ડેમોન્સ્ટ્રેશન શરૂ કર્યું. પિસ્તાલીસ મિનિટની પ્રચંડ મહેનત પછી જ્યુસરે અમારી દયા ખાઈને અમને જીતવા દીધાં અને તે ચાલુ થયું. મેં ફળ કાપીને રાખ્યાં જ હતાં, પરંતુ ટુકડા મોટા હતા, કારણ કે જ્યુસ સેન્ટર પર મોટા ગાજર, સંત્રા, સફરજન જ્યુસરમાં નાખતી વખતે મેં જોયું હતું. જોકે તે કમર્શિયલ જ્યુસર હોય છે અને આ આપણા ઘરનું જ્યુસર છે તે સમજાવા માટે જ્યુસરે અટકવું પડ્યું. ટ્રાયલ એન્ડ એરર કરીને સવા કલાક અમારી કસોટી પછી આખરે જ્યુસ તૈયાર થયો. સામાન્ય રીતે વર્ષા, સાયલી અને ઘરમાં હમણાં સુધી ખાવાનું પીરસનારા બધા પ્રત્યે મારા અને સુધીરના મનમાં પણ બહુ આદરની ભાવના ઊભરી આવી હતી. પહેલા દિવસે જ્યુસ બનાવવા માટે સવા કલાક રોજ પંદર-પંદર મિનિટ સુધારણા કરીને પાંચ-છ દિવસમાં વીસ મિનિટ પર આવ્યો અને અમને ઓલિમ્પિકમાં એકાદ ગોલ્ડ મેડલ મળે તેવો આનંદ થયો. `વી ડિડ ઈટ – વી કેન ડુ ઈટ’ના હર્ષોલ્લાસમાં મેં સુધીરને કહ્યું, `કોઈ પણ બાબત સાથે ટેવાઈ જવા માટે વાર લાગે છે અને પેશન પણ કામે લાગે છે. આ સાદો જ્યુસ બનાવવામાં પાસ થવા માટે આપણને પાંચ દિવસ લાગ્યા.’ એટલે કે, સમય બચાવવા માટે અથવા જ્યુસ બનાવવાનો સમય ઓછો કરવા માટે અમને વધુ સમય આપવો પડ્યો હતો.

મને નાઈકી શૂઝ ફાઉન્ડર ફિલ નાઈટનો કિસ્સો યાદ આવ્યો. તેની કંપની આરંભમાં પ્રચંડ રોલર કોસ્ટર રાઈડ હતી. અનેક સમય તે `બાબત આ રીતે કેમ થતી નથી? માણસો જોઈએ તેવું કામ કેમ કરતા નથી?’ આ ફ્રસ્ટ્રેશનમાં જતો. આનો તેને બહુ ત્રાસ થતો હતો. જાપાનમાં કંપનીનું એક્સપાન્શન કરતી વખતે તેની એક જાપાનીઝ ગુરુ સાથે મુલાકાત થઈ હતી. ફિલ નાઈટે તેની ફરિયાદો તેમની સામે મૂકી. ગુરુએ બધું સાંભળી લીધું. કશું પણ બોલ્યા વિના તેઓ ફિલને લઈને તેમના ગાર્ડનમાં ગયા. ત્યાં ઊંચા-ઊંચા બાંબૂના ઝાડ તરફ આંગળી બતાવીને કહ્યું, `આ ઝાડનાં બીજ જમીનમાં રોપ્યા પછી અમુક વર્ષ કશું જ થતું નથી. જોકે ઝાડ ઊગે તે પછી પાંચ-છ મહિનામાં જ તે ખાસ્સી ઊંચાઈ મેળવી લે છે. ઈટ ટેક્સ ટાઈમ.’ તે જાપાનીઝ ગુરુનો નાનો સંદેશ ફિલ નાઈટમાં પ્રચંડ બદલાવ કરી ગયો. તેની બેચેની ઓછી થઈ, તેણે પોતાને ખાસ્સો શાંત કર્યો અને તે પછી નાઈકીનું ભવિષ્ય કઈ રીતે બદલાયું તે ઈતિહાસ આપણે જાણીએ છીએ.

અમારા વીણા વર્લ્ડના નાના કિંગડમમાં પણ થોડા દિવસ પૂર્વે આવું જ કાંઈક બન્યું હતું. માર્કેટિંગ, જાહેરાતો, લેખન, સંવાદ અને વાતો કરવામાં જીવન વિતાવેલું હોવાથી પોતાને આમાંથી ઘણું બધું સમજાય છે એવા અભિમાનનો દીવો બેક ઓફ ધ માઈન્ડ પ્રગટતો જ હોય છે અને આ દીવો ક્યારેય બુઝાતો નથી. આથી મારી અને માર્કેટિંગ ટીમની કાયમ શાબ્દિક ચકમક થતી હોય છે. `તમને આટલી સહેલી વાત કેમ સમજાતી નથી?’ આ દરેક મિટિંગનો સૂર હોય છે. ફિલ નાઈટને મળ્યો હતો તેવો ગુરુ મને મળ્યો નહીં. આથી મારા પ્રશ્ન મારે જ ઉકેલવા પર ભાર આપ્યો. દરેક બાબત માટે, આપણે અન્યો પર – ક્નસલ્ટન્ટ પર આધાર રાખીએ તો ઓર્ગેનાઈઝેશનના ભવિષ્ય માટે તે બહુ સારી વાત નથી તેની પર મારો નક્કર વિશ્વાસ છે. `પહલે દેખતે હૈ અપને બાજુઓ મેં કિતના દમ હૈ’ આ માનસિકતા. આથી દરેક વાતમાંથી માર્ગ કાઢતી વખતે વીણા વર્લ્ડ ટીમ વધુમાં વધુ સ્ટ્રોંગ, પર્સિસ્ટન્ટ અને રેઝિલિયન્ટ બનતી ગઈ, જેનો હાલમાં અને આગળ જતાં પણ ઓર્ગેનાઈઝેશનને ફાયદો થશે. વારુ. તો માર્કેટિંગ ટીમ સાથે આ સતત તૂતૂમૈમૈમાંથી બહાર નીકળવા માટે મેં થોડા દિવસ પૂર્વે નક્કર ભૂમિકા લીધી. ન્યૂઝપેપર્સ માટે અમે જે ફુલ પેજ સપ્લિમેન્ટ્સ બનાવીએ છીએ અથવા આર્ટિકલ લખીએ છીએ તેમાંથી મારું ઈન્ટરફિયરન્સ મેં સંપૂર્ણ કાઢી લીધું છે. મેં એક વાર આર્ટિકલ લખીને આપી દીધો હોય તે પછી તેમાંથી મારું ઈન્ટરફિયરન્સ મેં સંપૂર્ણપણે કાઢી લીધું. મેં એક વાર આર્કિટકલ લખીને આપું એટલે તમે જ તેનું પ્રૂફ રીડિંગ, ડિઝાઈનિંગ કરી લેવાનું. હું ફાઈનલ પ્રોડક્ટ જોઈશ નહીં, ડાયરેક્ટ પેપરમાં વાંચીશ. આ જ રીતે ફુલ પેજ સપ્લિમેન્ટ હોય તેમાં અમારું, એટલે કે, હું, નીલ અથવા સુનિલાનો જે નાનો આર્ટિકલ હોય તે અમે આપીશું, બાકી બધી માહિતી તમે ભેગી કરવાની તમારા વાચકો – પર્યટકોને નજર સામે રાખીને. તેમને કઈ માહિતીની જરૂર છે તેનો વિચાર કરીને તમે પણ સપ્લિમેન્ટ બનાવો. બધી જવાબદારી તમારી.’

સદયા કરદેકરે પ્રશ્ન કર્યો, `આ અઠવાડિયાથી જ આ કરવાનું છે? હવે ફક્ત બે દિવસ બાકી છે, કઈ રીતે બનશે? ગણેશ કદમ, પ્રાજસ રાઉત, જિતેશ ઘાગ અને તેમની હેડ વિભૂતિ ચુરીના ચહેરા પરનું પ્રશ્નચિહન અને ફિકર મને થતી હતી. તેને કહ્યું, આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો છેલ્લા બે દિવસમાં જ બાબતો બની રહી છે. મારો આધાર લેવાનું બંધ કરો, પોતાના એક્સપર્ટ ક્નટેન્ટ રાઈટર, ડિઝાઈનર, પ્રૂફ રીડર, એક પરીક્ષક, વાચક, પર્યટક અને બધું જ બનો. જયાં સુધી તમે મારી પર આધાર રાખશો ત્યાં સુધી તમે ઓનરશિપ લેશો નહીં, રિસ્પોન્સિબલ રહેશો નહીં અને તમારા હાથમાંથી મોટાં કામો થશે નહીં. તમે જસ્ટ એક્ઝિક્યુટર બનશો અને જીવન નીરસ થઈ જશે. ક્રિયેટિવિટીનો આનંદ લો, ઈનોવેશન્સ કરો, ગઈકાલની ડિઝાઈન કરતાં આજની ડિઝાઈન વધુ ઉત્કૃષ્ટ કઈ રીતે થશે તે માટે સતત ઈમ્પ્રુવમેન્ટ કરો. બધાને આવી ક્રિયેશનની ઓપોર્ચ્યુનિટી મળતી નથી. તમને મળી છે તો આ તકનો લાભ લો અને તમારું ક્રિયેશન તમારી કેપેસિટી અને કેપેબિલિટીનો માપદંડ બનીને બધાની પ્રશંસાનો ભાગ નીવડશે ત્યારે તમને તમારી કરિયરમાંનું પહેલું માઈલસ્ટોન પાર કર્યાનો સંતોષ મળશે. તમે પોતાની પર પ્રેમ કરવા લાગશો.તમને પોતાના વિશે અભિમાન થશે. મને ભલે મોડું થયું, પરંતુ તમારો ટેકો પાછો ખેંચી લેવાનો સાક્ષાત્કાર થયો છે. અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં! તમને ફાવશે. આગે બઢો, આપ કર પાઓગે!’ સ્વિમિંગ શીખતી વખતે આપણા પિતા અથવા આપણો કોચ પાણીમાં ધકેલી દેતો તેવી જ આ અવસ્થા છે. છ એપ્રિલે આશંકા સાથે આ પાંચ જણની ટીમ મિટિંગ રૂમમાંથી બહાર નીકળી. હું પણ સંપૂર્ણપણે ડિટેચ થઈ, `વો કરેંગે’ એ આત્મવિશ્વાસથી- હાહાહા.

બાર એપ્રિલે રવિવારે એક ગુજરાતી અને એક મરાઠી પેપરમાં આ બંને ફુલ પેજ સપ્લિમેન્ટ આવી. હું અમારી રાયાની દાદીની ડ્યુટી પર હોવાથી પેપર જોવા મળ્યા નહીં. બપોરે ઘરે આવ્યા પછી થોડા ગભરાટ સાથે પેપર ખોલ્યું અને આશ્ચર્ય? હમણાં સુધી કરેલી, મારી ઈનવોલ્વમેન્ટ ધરાવતી સપ્લિમેન્ટ કરતાં પણ આ ટીમે કરેલી બે સપ્લિમેન્ટ ઉત્તમ હતી. મારી ખુશીનો કોઈ પાર નહોતો. એક તો આપણી ટીમ કેપેબલ છે તેની ખાતરી થઈ ગઈ હતી. મારી પરની ડિપેન્ડન્સી કાઢી નાખવાનો ફાયદો સમજાયો હતો. આ ડિપેન્ડન્સી એટલે તેમની ક્રિયેટિવિટીમાંનો જાણે અવરોધ હતો. સમય અને સ્પેસ પણ આપવા પડે છે. હવે આ નવા બદલાવને લીધે દર અઠવાડિયે મારા અમુક કલાક બચવાના હતા, જેનો ઓર્ગેનાઈઝેશનને ફાયદો થવાનો હતો. ટૂંકમાં, એન્ક્ઝાઈટી, પેનિકનેસ, ડિપેન્ડન્સીને જડમૂળથી અમે બધાએ ઉખાડીને ફેંકી દીધા હતા.

ક્યારેક ક્યારેક ખરેખર આપણે એટલી ખોટી રીતે અમુક બાબતો કરીએ છીએ કે જીવનની દોડધામમાં ધ્યાનમાં પણ રહેતું નથી કે આપણી પદ્ધતિ ખોટી પડી રહી છે અથવા આ જ બાબત કરવાનો કોઈ અન્ય માર્ગ પણ હોઈ શકે છે. હવે ભાન થયું છે કે આ કરવા માટે – કેળવવા માટે ફક્ત આપણે વચ્ચે જ એક `બ્રીફ પૉઝ’ લેવો જોઈએ. ચિકિત્સકની નજરથી પરીક્ષણ કરતાં ફાવવું જોઈએ. ભૂલ સમજાવી જોઈએ, તેની માલિકી સ્વીકારીને સુધારણા કરવી જોઈએ. નીલે એક વખત ટીમ મીટને દાખલો આપ્યો હતો, માલ્કમ ગ્લેડવેલના પુસ્તકમાંના `ટેન થાઉઝન્ડ અવર્સ રુલ’નો. માનસશાસ્ત્રીય દ્રષ્ટિથી કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરવા માટે સામાન્ય રીતે દસ હજાર કલાક લાગે છે. એટલે કે, લગભગ પાંચ વર્ષ લાગે છે કોઈ પણ બાબતમાં નિપુણતા મેળવવા માટે. એક્ચ્યુઅલી આ રુલ કહે છે કે, કન્ઝિસ્ટન્સી મહત્ત્વની છે. સતત, સંયમથી, સતર્કતાથી પ્રયાસ કરતા રહીએ તો બાબત ઘડાય છે, એક્સપર્ટીઝ મેળવી શકાય છે અને આપણે પોતાના સ્વકીયના અભિમાન બનીએ છીએ. ટૂંકમાં જીવનની બધી સારી બાબતો એટલે સગાસંબંધી, વ્યવસાય, સફળતા, વિશ્વાસ, સમાધાન આ બધાને વાર લાગે છે. આથી સમય આપવા શાંતિથી પોતાને તૈયાર કરવા જોઈએ.

જેફ બેઝોસે એમેઝોન શરૂ કર્યું ત્યારે અનેક વર્ષ તેમણે પ્રોફિટ તરફ ધ્યાન જ આપ્યું નહીં. તેમના ઈન્વેસ્ટર્સ ત્રસ્ત થતા. તેમના `પૈસા ક્યારે કમાશે?’ એવી સતત પૃચ્છાને કારણે જેફ બેઝોસ ઉત્તર આપતાં આપતાં મુશ્કેલીમાં આવતા હતા, પરંતુ તેમનો ફોકસ એક જ હતો `લોંગ ટર્મ બિલ્ડિંગ.’ લોજિસ્ટિક્સ, વેરહાઉસ, નેટવર્ક, કસ્ટમર ટ્રસ્ટ… આ બધાની પાછળ પ્રચંડ મહેનત લેવાનું કામ ચાલતું હતું. બેઝ સ્ટ્રોંગ બનતો હતો. લગભગ પંદર વર્ષ એમઝોન સંયમ રાખીને સતત કામ કરતું રહ્યું અને આજે તે ફક્ત દુનિયામાં એક વિશાળ ઈ-કોમર્સ કંપની હોવા સાથે `એમેઝોન વેબ સર્વિસ’ને લીધે દુનિયાની સૌથી મોટી `ટેક બેકબોન’ કંપનીમાંથી એક છે. `એપલ’ની બાબતમાં પણ તે જ કહી શકાય. તેની વિશિષ્ટતા એ કે તે ક્યારેય ઉતાવળમાં પ્રોડક્ટ લોન્ચ કરતા નથી. આયફોન, આયપેડ કે મેક… દરેક બાબત રિફાઈન કરવામાં આવે છે.સ્ટીવ જોબ્ઝે કહ્યું હતું, `ડિટેઈલ્સ મેટર, ઈટ્સ વર્થ વેટિંગ ટુ ગેટ ઈટ રાઈટ.’ તેમણે અનેક પ્રોડક્ટ્સ ડિલે કરી, રિજેક્ટ કરી, પરંતુ જે પ્રોડક્ટ્સ બહાર આવતી હતી તે કેટેગરી ડિફાઈન કરનારી હતી. તેમણે સમય લીધો, પરંતુ જ્યારે તે પ્રોડક્ટ્સ આવી ત્યારે તેણે માર્કેટ સાથે દુનિયા બદલી નાખી, માણસોનું જીવન સુખમય બનાવી દીધું. આજે એનવિડિયાની સર્વત્ર બોલબોલા છે. જોકે તેમની સફળતા ઓવરનાઈટ સકસેસ નથી. વીસ વર્ષ તેમણે ગેમિંગ માટે ૠઙઞ એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ બનાવ્યા. તે સમયે કોઈને જ એવું લાગ્યું નહોતું કે ગદશમશફ એઆઈનું ફાઉન્ડેશન બનશે. તે પોતાને શાંતિથી તૈયાર કરતા રહ્યા. સમય આવ્યો ત્યારે તેમને એક્સપોનેન્શિયલ ગ્રોથ મળી.

`વાર લાગે છે’ આ વાક્યની બીજી બાજુ પણ છે. તેનો ઉપયોગ આપણે `કારણ’ આપવા માટે કરીએ છીએ. `હજુ સમય છે… આરામ કરીએ… ઉતાવળ શા માટે કરવાની…’ આ બધાનો આધાર લેતાં આપણે અનેક બાબતો ચાલુ જ કરતા નથી અથવા અમસ્તા જ ડિલે કરતા રહીએ છીએ. આ પછી તે આળસ હોય કે ભવિષ્યની ચેલેંજીસ નહીં ઓળખવાની કમજોરી કે ક્યારેક-ક્યારેક આપણે તે પરફેક્ટ મોમેન્ટની વાટ જોતાં રહીએ છીએ,જે ક્યારેય આવતી નથી. જોકે તે સમયે બહુ મોડું થઈ ગયેલું હોય છે.

`સમય આપવો એટલે સમય વિતાવવો એવું નથી.’આ બંને વચ્ચે સૂક્ષ્મ ફરક છે. તેમાં ગફલત નહીં કરવાની… હાલના જ કેટલાક મોટા-મોટા દાખલા આપણી નજર સામે છે. કોડેક, બ્લેકબેરી, નોકિયા, યાહૂ જેવી વિરાટ કંપનીઓએ સમયસર બદલાવ નહીં કરવાની મોટી કિંમત ચૂકવવી પડી. `તક’નો સમય ઓળખતા આવડવો જોઈએ, કારણ કે પછીથી તે ક્યારેય આવવાનો નથી. સમય કાળનું ભાન હોવું જ જોઈએ. તે આપણા સંસ્કાર છે. આપણે ક્યારે થોભવાનું, ક્યારે ચાલતા રહેવાનું? ક્યારે ગતિ વધારવાની? આ ઓળખવું અથવા શીખતા રહેવું તે સફળ જીવનની ચાવી છે, કારણ કે અંતે સમય આપણા માટે થોભતો નથી, આપણે સમય સાથે ચાલતા રહેવું જોઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)