- “તું તો મારું માનતો જ નથી. લાવ, તારી ગેમ જ લઈ લઉં.”
- “મમ્મી, મારી ગેમનું રિમૉટ કંટ્રૉલ ક્યાં છે?”
- “પહેલાં હૉમ વર્ક કરી લે. પછી જ મળશે.”
- “મમ્મી, આ ટીવીમાં પ્લગ ભરાવી દે ને. મારે ગેમ રમવી છે.”
- “પહેલાં ટૅસ્ટની તૈયારી કરી લે. ટૅસ્ટ નહીં પતે ત્યાં સુધી ટીવી બંધ જ રહેશે, સમજી?”
આ બધા સંવાદો કદાચ ભૂતકાળ બની શકે છે. માતાપિતા માટે તેમનાં બાળકોને વિડિયો ગેમનું વ્યસન જેવી બની ગયેલી ટેવ છોડાવવી અઘરી હોય છે. પરંતુ હવે બાથ યુનિવર્સિટીના એક સ્નાતકે વિકસાવેલી ટૅકનૉલૉજીના લીધે માતાપિતાએ ચિંતા કરવાની જરૂર નથી.
આ ડિવાઇસનું નામ છે QTIME. ક્યૂટાઇમ. તે પીસી, પીએસ૪ કે ઍક્સબૉક્સ કૉન્સૉલમાં જોડાય છે. તે પછી તેનું નિયંત્રણ એક ઍપ દ્વારા થઈ શકે છે. આના દ્વારા માતાપિતા પોતાનાં બાળકો માટે રોજ ગેમ પાછળ કેટલો સમય વિતાવવો તે નક્કી કરી શકે છે. તેઓ એ પણ જોઈ શકે છે કે બાળકો રોજ કેટલો સમય વિડિયો ગેમ રમવામાં વિતાવે છે. એટલું જ નહીં, જો બાળક ન જ માને તો આ ઍપ વડે તેઓ સ્ક્રીન બંધ (શટ ડાઉન) પણ કરી શકે છે.
યુ.કે.ની બાથ યુનિવર્સિટીના બી.એસસી. કમ્પ્યૂટર સાયન્સ સ્નાતક જેમ્સ પૉટર અને તેના પિતા કૈથે આ ટૅક્નૉલૉજી વિકસાવી છે. તેઓ બે વર્ષથી આ ડિવાઇસ વિકસાવી રહ્યા હતાં. આ ડિવાઇસનું આખું નામ છે ક્વિટ ટાઇમ. તેનું ટૂંકું રૂપ ક્યૂટાઇમ કરાયું છે. તે એક સ્માર્ટ એચડીએમઆઈ કૅબલ છે જે ઘરના વાઇફાઇ સાથે વાયર વગર જોડી બનાવે છે અને ઉપર કહ્યું તેમ સ્માર્ટ ફૉન પર પ્રાપ્ય એક ઍપ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.જ્યારે તમારું બાળક તેમનાં ગૅમ્સ કૉન્સૉલ પર રમતું હોય ત્યારે તેમને દસ મિનિટ પહેલાં ચેતવણી મળશે કે રોજ તેમનો રમવાનો જે નિયત સમય છે તે પૂરો થવા આવ્યો છે અને જ્યારે સમય પૂરો થશે ત્યારે આ ડિવાઇસ સ્ક્રીનને બંધ કરી દેશે.
જો બાળક સ્માર્ટ હોય અને તે આ ડિવાઇસને કાઢી લે તો આ સ્થિતિ માટે પણ આ ડિવાઇસ તૈયાર છે. તે એ શોધી શકે છે કે તેને પ્લગમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને તે તરત જ માતાપિતાને ઇ-મેઇલ કરી દેશે!