ના, ના આપણે કોઈ ટૂથબ્રશની જાહેરખબરની વાત નથી કરતા. આ તો વાત થાય છે શરીરની દુર્ગંધની. પાસ આવો તેમ કહે ને પતિ નજીક આવે ત્યાં જ પત્ની નાકનું ટીચકું ચડાવી દે કે દૂર જાઓ, પહેલે નહા કે આઓ. ને બધો મૂડ પડી ભાંગે.
ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમની બગલમાંથી દુર્ગંધ આવે છે. આ એક એવી સમસ્યા છે જે લોકોને શરમમાં મૂકનારી હોય છે. જરૂરી નથી કે માત્ર પત્ની જ તેનાથી અકળાઈ જાય. ભાઈ, આ સંસારમાં માત્ર પત્ની કે પતિની નજીક જ જવાનું નથી હોતું. નજીક જવામાં લિસ્ટ લાંબું હોય છે. જો જો ભાઈ, ઊંધો અર્થ ન કાઢશો. નજીક જવામાં એનો અર્થ છે કે ઑફિસમાં કામ કરવામાં કે બસમાં મુસાફરી કરવામાં તમારે વ્યક્તિઓની નજીક જવાનું થાય.
તમે ઑફિસે જવા નીકળો ને બસમાં જાવ. બસમાં એક તો ગિર્દી હોય અને ગરમી કહે મારું કામ, તેમાં તમારા શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે એટલે બાજુના માણસો મોઢું બગાડે. ઑફિસમાં તો બૉસ નજીક જ ન ફરકવા દે. દુર્ગંધના માર્ગ અપ્રેઝલમાંથી માઇનસ થઈ જાય.
પરંતુ હવે ચિંતા નહીં. તમારી મદદે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી છે. યુકેની એક ચિપ નિર્માત્રી કંપની- ‘આર્મ’ હવે એક નવી જનરેશનની સ્માર્ટ ચિપ પર કામ કરી રહી છે જેમાં તેની અંદર એ.આઈ. સમાવિષ્ટ હશે. આ કંપની સ્માર્ટ ફૉનને ચલાવતા હાર્ડવેર વિકસાવવા માટે વધુ જાણીતી છે. વિચાર એવો છે કે ચિપ નાની હશે અને તેને કપડાંની અંદર સમાવી લેવાશે. તેના લીધે એ.આઈ. આખો દિવસ તમારા શરીરમાંથી નીકળતી દુર્ગંધ પર નજર, સોરી, નાક રાખશે.
આ કંપની તો એમ પણ ઈચ્છે છે કે આવી ચિપને ફૂડ પૅકેજિંગ કંપનીઓને વેચી શકાય જેથી ખાદ્ય સામગ્રી તાજી રહી શકે.
ઇ-નૉઝ એ પ્લાસ્ટિક આર્મપિટ નામના પ્રૉજેક્ટનો ભાગ છે જેમાં આર્મ કંપની પ્લાસ્ટિકના પાતળા પત્રમાંથી બનાવવામાં આવે છે. દરેક ચિપમાં આઠ અલગ-અલગ સેન્સર હસે અને બિલ્ડ ઇન મશીન લર્નિંગ સર્કિટ હશે. તે ક્લિંગ ફિલ્મનો એક ટુકડા જેવી લાગશે. પ્લાસ્ટિક ઇલેક્ટ્રૉનિક્સમાં પ્લાસ્ટિક આર્મ પિટ એ મશીન લર્નિંગની રીતે પહેલી એપ્લિકેશન હશે.
ગંધ, પછી તે સુગંધ હોય કે દુર્ગંધ, તે ખરેખર શું હોય છે? તે વાયુઓનાં અલગ-અલગ મિશ્રણની બનેલી હોય છે. ચિપ પર સેન્સર હવામાં રહેલાં અલગ-અલગ રસાયણોને પકડી પાડશે અને એ.આઈ. તે જટિલ માહિતી લઈ તેને ઓળખશે કે ચોક્કસ ગંધ કઈ છે.
તે પછી ચિપ ગંધનું મૂલ્યાંકન કરશે. જો તે તમારા શર્ટની બગલમાં હશે તો તે તમને તમારા શરીરની વાસની તાકાત ૧થી ૫ની વચ્ચે કહેશે. એ. આઈ.નું કામ માહિતી ભેગી કરવાનું અને તેનું અર્થઘટન કરી વપરાશકારને જો પગલાં લેવાં જરૂરી હોય તો તેના વિશે સાવધ કરવાનું છે.
ઇ-નૉઝ નવાં નથી. યુ. કે.ની યુનિવર્સિટી ઑફ વૉરવિકમાં જુલિયન ગાર્ડનરે ટૅક્નૉલૉજીની શરૂઆત કરી. તેઓ તેને ત્રણ દાયકાથી તેને બનાવી રહ્યા છે. ૧૯૯૩માં તેમણે આલ્ફા એમ.ઓ.એસ. નામની કંપનીની સહસ્થાપના કરી જે ફૂડ ઇન્ડસ્ટ્રીને ઇ-નૉઝ વેચે છે.
મુશ્કેલી એ છે કે આ યંત્રોની કિંમત ૨૦,૦૦૦ ડૉલર જેટલી ઘણી ઊંચી છે. પરંતુ તે પછી ગાર્ડનરે નાનાં અને સસ્તાં સંસ્કરણો બનાવ્યાં છે જેની કિંમત થોડાક ડૉલર જ છે. પરંતુ તેમને ડ્રેસની અંદર સિવવા માટે હજુ સસ્તી બનાવવી પડશે અને આર્મ કંપનીને આશા છે કે તે આમ કરી શકશે.
ગાર્ડનર માને છે કે જો સેન્સર લગભગ મફત મળે તો પછી લોકો ડ્રેસ સાથે તેને ખરીદશે. પરંતુ આ ચિપ કપડાં ધોવામાં ટકી રહે તે જોવું જરૂરી છે. પ્લાસ્ટિક ઇલેક્ટ્રૉનિક્સ માટે પણ તે એક પડકાર હશે. સામાન્ય રીતે નિયમિત ઇલેક્ટ્રૉનિક્સમાં તે સામાન્ય રીતે વધુ ટકાઉ હોય છે.
લંડન સ્થિતનું ફ્રેશ ચૅક નામના સ્ટાર્ટ અપમાં એલેકસ બૉન્ડ ખાદ્ય સામગ્રી પર બૅક્ટેરિયા પકડવા માટે એક રાસાયણિક કસોટી વિકસાવી રહ્યા છે. તે માને છે કે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે ઇ-નૉઝ વધુ સારો રસ્તો છે.