કચ્છના મોટા રણને છેવાડે, આ જ તો છે સ્વર્ગનો રસ્તો

ધોળાવીરા… સિંધુ વેલી સિવિલાઈઝેશન તરીકે ઓળખાતી સંસ્કૃતિ સદીઓ અગાઉ ભારતીય ઉપખંડમાં જ્યાં જ્યાં પાંગરી હતી એમાંથી એક મહત્વનું સ્થળ એટલે આ ધોળાવીરા. અત્યારના નકશામાં જુઓ તો કચ્છના રણ વચાળે ખડીર ટાપુ પર છે આ સ્થળ. ભુજથી વાગડના રાપર શહેર થઈ ધોળાવીરા સુધીનો રસ્તો થાય ૨૪૫ કિલોમીટર જેટલો. માર્ગ મહદઅંશે સિંગલ. એમાં પણ રાપર પછી તો સો કિલોમીટર સાવ ઉબડખાબડ રોડ. આ રસ્તો ધોળાવીરા જનારા પ્રવાસીને એટલો અકળાવી મૂકતો કે પ્રવાસ અડધેથી મૂકવાનું મન થાય.

વર્ષો સુધી એના વૈકલ્પિક માર્ગની વાતો થતી. જો કે પૂર્વમાં ખાવડાથી ઘડૂલી-સાંતલપુર માર્ગ બનાવવાની ચર્ચા રાજકીય આટાપાટા અને ઈચ્છાશક્તિ વચ્ચે અટવાતી રહેતી, પણ છેવટે એ માર્ગ બન્યો… અને એવો બન્યો કે લોકો આજે એને ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખે છે. રોડ ટુ હેવન: સ્વર્ગ તરફ જતો રસ્તો!

હવે ભુજથી ખાવડા થઈ ધોળાવીરા પહોંચતા ૧૧૦ કિલોમીટરનું અંતર ઓછું થઈ ગયું છે. એ આ માર્ગને કારણે. આ રસ્તો પાકો છે એ કારણ તો છે જ, મૂળ વાત એ છે કે આ  રસ્તો નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલા રણની વચ્ચેથી પસાર થાય છે અને આ હકીકત જ એને અતિ સુંદર બનાવે છે. મંઝિલે પહોંચવા કરતાં મુસાફરી વધુ રોમાંચ આપે એવો આ રસ્તો છે.

આ રસ્તો પ્રમાણમાં એટલો પહોળો નથી કારણ કે બંને બાજુએ સફેદ વિસ્તરેલું રણ છે. આ માર્ગનો હેતુ ધોળાવીરા પહોંચવાનો સમય ઓછો કરવાનો છે, પણ સૌંદર્ય માણવા માગતા સહેલાણીઓ આ ૩૦ કિલોમીટર માર્ગ કાપવામાં સૌથી વધુ સમય લે છે. ખાસ તો ફોટોગ્રાફી ઘણી થાય છે અને સોશિયલ મીડિયા માટે રીલ્સ પણ ચિક્કાર બને છે.એક તો રસ્તો જ આ એકદમ અદભુત છે. છોગામાં, રસ્તા પરથી પસાર થતી વખતે બન્ને તરફ રણમાં સેંકડોની સંખ્યામાં ફ્લેમિંગો, પ્લોવર્સ, ક્રેન્સ, ગલ અને બતક જેવા ઋતુપ્રવાસી (યાયાવરી) પક્ષીઓ નજરે પડે. ધોળાવીરા ગામના સરપંચ જીલુભા સોઢા ચિત્રલેખા.કોમને કહે છે, ‘રાપરથી લોદ્રાણી થઈને ખડીર ટાપુના છેડાનું અંતર ઓછું છે, પણ એમાં વચ્ચે રણનો વિસ્તાર ઓછો આવે. જ્યારે ખાવડાથી ત્રીસેક કિલોમીટરે આવતા કાઢવાંઢ પછી તો બીજા ત્રીસ કિલોમીટરના રસ્તાની બન્ને બાજુએ રણ જ રણ છે. ચોમાસા પછી પાણી સુકાય એટલે ચમકતા મીઠાના કળણ બાકી રહે અને એમાં વચ્ચે ક્યાંક વાદળી રંગના મોસમી તળાવ એક અલગ જ લેન્ડસ્કેપ બનાવે છે. અગાઉ કેટલાક લોકો રણમાં ભરાયેલું પાણી સુકાય ત્યારે થોડે સુધી ફરવા જતા. પછી કાચી સડક બની તો ચારેક વર્ષ વર્ષ પહેલાં પાક્કો રસ્તો બન્યો. હવે તો આ રસ્તા વિશે એટલી ચર્ચા થાય છે કે રણોત્સવમાં આવતા પર્યટકો રોડ ટુ હેવનનો પ્રવાસ માણવા ખાસ વધારે સમય લઈને આવે છે.’

આ વખતની જ વાત કરીએ તો  આમ તો કચ્છનો અતિ જાણીતો બનેલો રણોત્સવ આ વર્ષે ૨૩ ઓકટોબરથી શરૂ થવાનો છે, પરંતુ આ રોડનું આકર્ષણ એવું છે કે દિવાળી વેકેશન પહેલાંથી પ્રવાસીઓ અહીં આવવા માંડ્યા છે. વ્યવસાયે ગાઈડ એવા ધોળાવીરાના રહેવાસી શંકરભાઈ ધેડા ચિત્રલેખાને કહે છેઃ રણોત્સવ દરમ્યાન અને એ પછી પણ પ્રવાસીઓ ધોળાવીરા, કાળો ડુંગર અને રોડ ટુ હેવનની મજા લેવા આવતા જ રહે છે. ગત વર્ષે રણોત્સવ દરમ્યાન ૪,૦૯,૮૪૯ પ્રવાસી રોડ ટુ હેવનને માણવા આવ્યા હતા. અમારો અંદાજ છે કે આ વખતે તો પાંચ લાખનો આંક પાર થઈ જશે!’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ ગાઈડનો એવોર્ડ મેળવી ચૂકેલા શંકરભાઈ કહે છે,’રણોત્સવ દરમ્યાન અને એ પછી પણ પ્રવાસીઓ ધોળાવીરા, કાળો ડુંગર અને રોડ ટુ હેવનની મજા લેવા આવતા જ રહે છે.’ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એડ કેમ્પેઈન કરનારા અભિનેતા અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન અને કેટલાક પરિવારજનો આ વર્ષની શરૂઆતમાં કચ્છનું સફેદ રણ જોવા આવ્યા ત્યારે ગાઈડ તરીકે શંકરભાઈ એમની સાથે હતા. એ ઉમેરે છે: ‘પ્રાકૃતિક સુંદરતા, રોડની આસપાસ ક્ષિતિજ સુધી વિસ્તરેલા અફાટ સફેદ રણ ઉપરાંત વાઈલ્ડલાઈફ માટે પણ આ માર્ગ જાણીતો છે. કાઢવાંઢથી ટંગડીબેટ પહોંચ્યા પછી ફોરેસ્ટ વિસ્તાર શરૂ થાય છે, જેમાં ક્યારેક ચિંકારા પણ દેખાઈ જાય. એ જંગલમાં તો ચિંકારા જોવા માટે ખાસ વ્યવસ્થા છે. જો કે આ આખા રસ્તામાં ક્યાંય શૌચાલયની સુવિધા નથી એટલે પ્રવાસીને ખાવડાથી ધોળાવીરા સુધી તકલીફ ભોગવવી પડે છે.’

વળી, પ્રવાસીઓ ઈચ્છે ત્યાં એમના વાહન ઊભા રાખીને ફોટોગ્રાફી કરતાં હોવાથી ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જીલુભા સોઢા એટલે કે કહે છે કે થોડા થોડા અંતરે વ્યુ પોઈન્ટ ઉપરાંત રસ્તાની બંને બાજુ ડોમ જેવાં પાર્કિંગ ઊભા કરવાની જરૂર છે. રસ્તા પરથી રણની સપાટી પર ઉતરવા પગથિયાંની સવલત હોય તો પ્રવાસીઓ અહીં પણ સફેદ રણમાં ફરવાનો આનંદ લઈ શકે.’

આ રસ્તાને રોડ ટુ હેવન નામ આપવા પાછળ અમુક પ્રવાસીઓ જ છે. જીલુભા કહે છે કે રસ્તો નવો નવો બન્યો એ પછી ધોળાવીરા આવેલા કેટલાક બાઈક સવારોએ વાત વાતમાં કહ્યું: આ રસ્તો તો સ્વર્ગમાં જતા હોય એવો છે. બસ, જીલુભાએ આ રસ્તા માટે ફઈબાનું કામ કર્યું અને એમણે ‘રોડ ટુ હેવન’ એવું નામકરણ કરી નાખ્યું!

વેકેશનની ભીડથી બચવા વહેલા અહીં આવી પહોંચેલા મુંબઈના પ્રિયકાંત શર્મા ચિત્રલેખાને કહે છેઃ  ‘આ મનોહર રસ્તો ગ્રેટ રણ ઑફ કચ્છમાંથી પસાર થાય છે. એ જોયા પછી હવે મોકો મળે ત્યારે અહીં આવવાનું પાકું કરી લીધું છે. ખારા રણ અને વિશ્વના સૌથી મોટા મીઠાના મેદાન સમા આ વિસ્તારના સ્ફટિક-સ્વચ્છ પાણી, ચમકતા મીઠાના પટ અને અનંત વાદળી આકાશના આકર્ષક દૃશ્યોએ અમને રીતસર મોહી લીધા છે.’ અહીં પ્રિ-વેડિંગ શૂટિંગ કરવા આવતા યુવા જોડા પણ જાણે સાચે જ સ્વર્ગ જેવાં અનુભવ સાથે ફોટોશૂટ કરાવતા હોય એવા કેફમાં મસ્ત દેખાય છે. આવું જ કપલ તન્મય અને આકૃતિ કહે છે કે કચ્છમાં અનેક સ્થળ સુંદર છે, પણ આ રસ્તા જેવું સૌંદર્ય ક્યાંય સંભવ નથી. અમે લગ્ન પહેલાં આવી જ પ્રાકૃતિક જગ્યાની શોધમાં હતાં, અમારું તો જાણે સ્વપ્ન પૂરું થયું છે.

(સુનીલ માંકડ કચ્છ)

(તસવીરો: અરવિંદ નાથાણી – જીલુભા સોઢા – પ્રવીણ ડોંગેરા)