91 વર્ષની ઉંમરે કલાકો સુધી, ઉત્સાહ અને ઉમંગથી, પ્રાર્થના, આરતી, ભજન, ગરબા, પિક્ચરનાં ગીતો વગેરે ગાઈ શકે તેવાં પદ્મલતાબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ રજવાડી ગામ વાંસદામાં. પિતા રાજ-દરબારમાં ક્લાર્ક. જમીન ઘણી, ગાય-ભેંસ પણ ઘણાં. 4 ભાઈ-4 બહેનનું સુખી કુટુંબ. ઘરમાં કેળવણીનું ઘણું મહત્વ. પદ્મલતાબહેન વાંસદામાં જ SSC સુધી ભણ્યાં. માતાનું બાળપણમાં અવસાન થયું પણ સંયુક્ત-કુટુંબમાં તેમનું બાળપણ સચવાઈ ગયું. 23 વર્ષની ઉંમરે તેમના લગ્ન અમદાવાદમાં યશવંતભાઈ ભટ્ટ સાથે થયા. સાસરીમાં પણ આઠ ભાઈઓનું સંયુક્ત-કુટુંબ! બધાં એક મોટા બંગલામાં સાથે રહેતાં (હજી પણ બધાં તે બંગલામાં સ્વતંત્ર રહે છે). પતિ ઈજનેર, મ્યુનિસિપાલિટીની ઓફિસમાં કામ કરતા. લગ્નજીવનના 10 વર્ષમાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. યશવંતભાઈની બંને કિડની ખરાબ થવાથી એક વરસની માંદગી બાદ તેમનું અકાળ અવસાન થયું. 32 વર્ષની ઉંમરે પદ્મલતાબહેન વિધવા થયાં. સસરાએ તેમને સરસ સલાહ આપી: ‘સંયુક્ત-કુટુંબ છે એટલે દીકરીઓને ઘરનાં લોકો ભૂખ્યા નહીં મારે, પણ એમનો સરખી રીતે ઉછેર કરવો હોય તો તમારે કામ કરવું જોઈએ.’ પદ્મલતાબહેને શારદા-મંદિર શાળામાં નોકરી લીધી. શાળાની મદદથી મોન્ટેસરી ટ્રેનિંગ લીધી. 25 વર્ષ નોકરી કરી તથા સવાર-સાંજ ટ્યુશન કર્યાં. મુશ્કેલી બહુ પડી, ગામડાનો ઉછેર, હોશિયારી નહીં, પણ ભગવાનની મહેરબાની અને આસપાસ રહેતાં લોકોનો પૂરેપૂરો સહકાર એટલે તેમણે ત્રણે દીકરીઓને સરસ ભણાવી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
6.30 વાગ્યે ઊઠે, નાહી-ધોઈ ચા-પાણી કરે. પૂજા-પાઠ, હનુમાન-ચાલીસા, માતાની માળા, વિષ્ણુ-સહસ્ત્રનામ વગેરે કરતાં દોઢ કલાક થાય. પછી જાતે રસોઈ કરે, સાફ-સૂફી કરાવે, મિત્રોને તથા દીકરીઓને ફોન કરે, છાપુ વાંચે. એક વાગે જમે. પછી કલાક આરામ કરે. ઊઠીને ચા પીએ. ઘરનું કામકાજ કરે. છ વાગ્યે ટીવીમાં ધાર્મિક-કાર્યક્રમમાં આરતી, કથા-વાર્તા વગેરે જુએ. સમાચાર જુએ પછી જમે. થોડું ઘણું વાંચે અને 10:30 વાગ્યે સુઈ જાય. એકદમ નિયમિત જીવન છે. 40 વર્ષથી એકલાં રહે છે.
શોખના વિષયો :
ગાવાનો ખૂબ શોખ. રિટાયર થયાં પછી સી.એન.વિદ્યાલયમાં સંગીતના ક્લાસ કર્યાં! પ્રાર્થના, આરતી, પૂજા, ગરબા, ભજન પિક્ચરનાં ગીતો આવડે. લોકોને હળવા-મળવાનું ગમે. સૂર-સંગમ ક્લબમાં દસ વર્ષથી સભ્ય છે. ઉપવાસ કરવા ગમે. બંને નવરાત્રી કરે. મહિલા-મંડળમાં પ્રમુખ હતાં. શાળાના ગ્રુપમાં પણ એક્ટિવ છે. રસોઈ બનાવવી બહુ ગમે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, હરતાં-ફરતાં છે. પોતે તબિયતનું ઘણું ધ્યાન રાખે જેથી દીકરીઓને તકલીફ પડે નહીં! દિયર-જેઠ અને તેમનાં બાળકો આસપાસ જ રહે છે. સવારે નાસ્તામાં દૂધ સાથે હળદર-સૂંઠ-ગંઠોડા લે, ખાખરો અને કેળું ખાય. સાંભળવાની થોડી તકલીફ છે, મણકાની તકલીફ છે. બંને પગે ઓપરેશન થયાં છે, પણ ભગવાનની કૃપાથી ખુશ-ખુશ છે.
યાદગાર પ્રસંગ:
તેમણે જીવનમાં આર્થિક તકલીફ ઘણી જોઈ છે. પતિની કિડનીની માંદગી એક વર્ષ ચાલી, પણ હવે બધું સરસ છે. દેરાણી-જેઠાણી સાથે સારું ફાવે, તેમને બહેનની જેમ સાચવે. ત્રણે વેવાઈ સારા મળ્યા છે. વચલા વેવાઈ તો કહે: “તમે દીકરીનું એટલે લક્ષ્મીનું દાન કર્યું છે!” લગ્ન વખતે બધું આયોજન તેમણે કર્યું અને પૈસા પણ લીધા નહીં. હમણાં જ સુરતના ગ્રુપમાં ‘માતા’ વિષય ઉપર નિબંધ લખવાનો હતો તેમાં તેમને સરસ ઇનામ મળ્યું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરે છે. નવરાશના સમયમાં ભજનો, પ્રવચનો, કથાઓ શાંતિથી સાંભળે. ઘરનાં સભ્યો સરસ માહિતી મોકલી આપે. અઠવાડિયામાં બે-ત્રણ વાર પરદેશ રહેતાં કાકી અને અન્ય કુટુંબીઓને મોબાઈલ-ફોન કરે. જોકે ટાઈમ-ઝોનનો ખ્યાલ રહેતો નથી એટલે ક્યારેક કસમયે ફોન થઈ જાય!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ગામડામાં માણસો બહુ પ્રેમાળ અને લાગણીશીલ. શારદા-મંદિર શાળાની બહેનો તેમને બહુ સાચવતી. પહેલાં લોકો બીજાને માટે સમય ફાળવી શકતાં. હવે બધાં પોતપોતાના વ્યવસાયમાં એટલાં બધાં બીઝી છે કે બીજાનો વિચાર કરી શકતાં નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો સાથે કામ કર્યું છે, એટલે બાળકો સાથે ફાવે અને બાળકોને પણ તેમની સાથે બહુ ગમે! બાળકોને લીધે જ તેઓ દુઃખ ભૂલી ધગશથી કામ કરી શક્યાં. પૌત્રો સાથે બહુ ફાવે અને પૌત્રોને પણ તેમના હાથની ગરમાગરમ ભાખરી ખાવી બહુ ગમે! સમય હોય ત્યારે સોસાયટીના બાળકોને ભેગાં કરી વાર્તા કરે!
સંદેશો :
જીવન જીવવાનું અઘરું છે. સમજથી અને હિંમતથી કામ કરવું. પોતાની જાતમાં અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવો.