સંસ્કૃત ભાષાના શિક્ષણ અને પ્રસાર માટેનું ભૂજ, અમદાવાદ અને સરી( વેનકુંવર, કેનેડા) ખાતેનું મોટું નામ! સંસ્કૃત નાટકોના વાંચન, શ્રવણ અને અનુવાદ, વાગ્માધુરી અને સંસ્કૃત ગીત-ગરબામાં હરદમ મહાલતો જીવ એટલે ‘માં’!
મુંબઈમાં છ ભાઈ-બહેનના બહોળા સંસ્કારી કુટુંબમાં જન્મ. ગીતાનો વારસો ગળથૂથીમાંથી જ મળ્યો. રોજ સવારે ગીતાના અધ્યાય બોલે નહીં ત્યાં સુધી જમવાનું મળે નહીં, એવો ઘરનો નિયમ! કોલેજના પહેલા જ વર્ષમાં હતાં અને લગ્ન થયાં, ભૂજ આવ્યાં. ત્યાંથી રાપર… ઘરમાં ફાનસ તો શું ઘડિયાળ પણ ન મળે! આવા સંજોગોમાં પણ અભ્યાસ ચાલુ રાખી મુંબઈની SNDT કોલેજમાંથી BA, MA (સંસ્કૃત) કર્યું! ભૂજની શાળામાં થોડો વખત નોકરી કરી પણ વારંવાર બદલીને લીધે નોકરીમાં ઠેકાણું ન પડ્યું. આકાશવાણીમાં બહેનો માટે ગીત, ગરબા અને ભજનનું ગ્રુપ 40 વર્ષ ચલાવ્યું અને લાઇબ્રેરીની જવાબદારી પણ સંભાળી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સંસ્કૃત નાટકોનું વાંચન, શ્રવણ અને ભાષાંતર, સંસ્કૃત ગરબા, સામયિક માટે લેખ, કેનેડાના મંદિરના ત્રિમાસિકમાં નિયમિત લેખ વગેરે…..કેનેડામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભાષા પરિષદમાં વૈદિક સોસાયટીનું પ્રતિનિધિત્વ કરેલ. વૈદિક હિન્દુ કલ્ચરલ સોસાયટી તરફથી સંસ્કૃત ભાષાના શિક્ષણ અને પ્રસાર માટે લાઈફટાઈમ એવોર્ડ મળ્યો. તેમના દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો, સંચાલન કર્યું. સંસ્કૃત શ્લોકોની હરીફાઈ, ગીતાના શ્લોકોની અંતાક્ષરી, ધ્વજ-ગીત વગેરેથી સંસ્કૃત ભાષાનું શિક્ષણ બહુ રસપ્રદ બનાવ્યું. સાથે સાથે રંગોળી પૂરવી અને મહેંદી લગાવવી પણ ગમે.
એકવાર નરેન્દ્ર મોદી કેનેડા આવ્યા હતા. સરીના મંદિરમાં પણ આવ્યા. સંસ્કૃત ભજનો તથા ગરબા ગાવાના શોખને લીધે તેમની બિલકુલ સામે બેસીને સંસ્કૃતમાં ગીત ગાવાનો લહાવો મળ્યો. તે જ મંદિરમાં ૪૦૦ લોકોની ઉપસ્થિતિમાં પાઠશાળાના વિદ્યાર્થીઓ પાસે “શાકુંતલ” નાટક સંસ્કૃતમાં કરાવી અનોખો વિક્રમ સર્જ્યો! મારા વિદ્યાર્થીઓ જ મારા ગુરુ છે!
ઉમરની સાથે કેવી રીતે કદમ મિલાવો છો ?
ભગવાનની મહેરબાનીથી મને કોઈ મોટી બીમારી આવી નથી. મારી મનપસંદ પ્રવૃત્તિઓ સાથે આખો દિવસ સંકળાયેલી રહું છું. યુવાનો સાથે તેમની ઉમરની થઈને વાતો કરું છું. જે વાતાવરણ મળે તેનો પૂરતો લાભ ઉઠાવું છું.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?
નવી ટેકનોલોજીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરું છું, ખાસ કરીને કોમ્યુનિકેશન માટે. અત્યારે માહિતી અને અભ્યાસ માટે વૈશ્વિક ફલક ઉપલબ્ધ છે જેનો મહત્તમ લાભ હું મારા શોખના વિષયો માટે કરું છું. પુત્રોની મહેરબાનીથી લેટેસ્ટ I-Phone જ વાપરું છું! YouTube ઉપર મારી જરૂરી બધી માહિતી જાતે મેળવી શકું છું. શરૂઆતમાં થોડી તકલીફ પડતી, ખોટા નંબર લાગી જતા પણ હવે આ બાબતમાં સાવ સ્વ-નિર્ભર બની ગઈ છું! કેનેડામાં રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થતાં કાર્યક્રમોમાં વાર્તાલાપ આપતી જેને માટે ઇન્ટરનેટનો જ ઉપયોગ કરતી. કેનેડાથી પાછી આવી ત્યારે ઘણાં લોકો માટે ચંડીપાઠ, ગીતા, વગેરેનું રેકોર્ડીંગ કરી આપ્યું હતું. હવે અમે બધાં પુસ્તકોને બદલે સોફ્ટકોપી જ વાપરીએ છીએ.
નવી ટેકનોલોજીના ફાયદા / ગેરફાયદા / ભયસ્થાનો ?
ટેકનોલોજીનો ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં કરવો જોઈએ પણ વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે, કાનને અને મગજને બંનેને માટે. બદલાતો સમય અને ટેકનોલોજીનો વિકાસ, સાથે જીવનધોરણ અને વિચારો પણ બદલાય એ સ્વાભાવિક છે. પરંતુ વધતી જતી અપેક્ષાઓ, અસંતોષ, દેખાદેખી, ફાસ્ટ-ફૂડ અને ફાસ્ટ-લાઈફની નેગેટિવ અસર આજની પેઢી ઉપર વધારે પડી છે.
આજની પેઢી સાથે સંકળાયેલાં છો?
ગીત, ગરબા, લાઇબ્રેરી અને સંસ્કૃત ભાષાના શિક્ષણને લીધે દેશ અને પરદેશમાં સતત યુવાનોના સંપર્કમાં છું. કેનેડાના સંસ્કૃત વર્ગમાં વયસ્કો, યુવાનો અને બાળકો પણ હતાં. મારા સંતાનો, પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર સાથે નિયમિત વાતો કરું છું. તેમની પ્રવૃત્તિ અને વિચારોની માહિતી મેળવતી રહું છું. વડીલો બાળકો સાથે તેમની ઉંમરના થઈને વાતો કરે અને યોગ્ય સંવાદ રાખે તો બાળકો અને યુવાનોને જનરેશન ગેપનો અનુભવ ન થાય અને યોગ્ય સંસ્કારો મળે.
સંદેશો :
શાળાના શિક્ષણકાર્ય અને કેનેડાના વસવાટ દરમિયાન થયેલા અનુભવ પરથી યુવાનોને એટલું તો જરૂર કહીશ કે ભાષા અને ભાષાશુદ્ધિનું મહત્ત્વ તેમના વ્યવસાયિક જ્ઞાનથી ઓછું નથી. કાર્ય-નિષ્ઠા અને કાર્ય-દક્ષતા સાથે વ્યવસાયના દરેક ક્ષેત્રમાં વિચારોની સ્પષ્ટતા વિચારોનું આદાન-પ્રદાન અસરકારક રજૂઆત અને તેના પાયામાં ભાષાનું જ્ઞાન છે.
(દર્શા કીકાણી)