મુંબઈ: જાણીતા લેખક, પ્રકાશક અને મોટિવેશનલ સ્પીકર ચંદ્ર ખત્રીનું હમણાં 5 ઑક્ટોબરના રોજ નિધન થયું. 76 વર્ષીય ચંદ્ર ખત્રી ફક્ત એક જ ક્ષેત્રમાં નહીં, પણ લેખન, પત્રકારત્વ અને મોટિવેશનલ સેમિનાર સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત રહેનાર એવા કર્મશીલ વ્યક્તિ હતા. એ ‘પ્રસન્ન જીવન’ શિબિરના સર્જક અને ડિજિટલ મૅગેઝિન ‘વન્સમોર’ના તંત્રી તથા ઉમંગ પબ્લિકેશન્સના સ્થાપક હતા.
એમના નિધન બાદ વિલેપાર્લે ખાતે એક પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી કળા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રના અનેક જાણીતા લોકોએ હાજરી આપી હતી અને તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અનેકવિધ ક્ષેત્રે સક્રિય એવા ચંદ્ર ખત્રીએ 1977માં મુંબઈસ્થિત સામયિક ‘યુવદર્શન’થી પોતાની પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દૈનિકો જેવા કે, ‘ફુલછાબ’, ‘જયહિન્દ’ અને ‘સાંજ સમાચાર’ માં પણ તેમના લેખો પ્રગટ થયા હતાં.
વર્ષ 1998માં તેમણે ઉમંગ પબ્લિકેશનની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ વાચકો જીવન પ્રત્યેનો ખરો અભિગમ કેળવીને પોતાની જાતને ઓળખી શકે તેવું વાંચન આપવાનો છે. તેમણે પાંચ પુસ્તકો લખ્યા હતા અને સાથે સાથે આઠ પુસ્તકોનું સંપાદન પણ કર્યું હતું.
મુંબઇ સહિત ભારતના અનેક શહેરોમાં મોટી સંખ્યામાં વાચકવર્ગ સુધી પહોંચતા ડિજીટલ મેગેઝીન ‘વન્સમોર’ના તંત્રી તરીકે પણ એમણે ફરજ બજાવી હતી.
લોકોને જીવન પ્રત્યે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવા માટે, લોકોમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય એ માટે ચંદ્ર ખત્રીએ વિચાર પ્રસારના અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરીને મુંબઈમાં અંદાજીત 50 થી વધારે કાર્યક્રમો યોજ્યા હતાં, જેમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક વર્તુળ સાથે જોડાયેલા લોકોને નિમંત્રણ આપીને વાર્તાલાપો ગોઠવતા. સાથે સાથે ઢળતી ઉંમરે વૃદ્ધોને જીવન જીવવાનો નવો જુસ્સો પ્રદાન કરવા માટે સિનિયર સિટિઝન્સ માટે એ ખાસ કાર્યક્રમોનું આયોજન કરતા અને જાણીતા વક્તાઓને એમાં બોલાવીને સિનિયર સિટિઝન્સ જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ કેળવે એ માટે પ્રયત્નશીલ રહેતા.
ચંદ્ર ખત્રી હંમેશાં કહેતા હતા કે, ‘જીવનના સત્ય અંદર જ પડેલા હોય છે. જરૂર છે અભિગમ બદલવાની’. આ અને આવા અનેક વિચોરાનું એમણે લોકોમાં સિંચન કર્યુ છે. ગુજરાતી કળા અને સાહિત્ય ક્ષેત્રમાં તેમની વિદાયથી ન પૂરાય એવી ખોટ વર્તાશે.