મંજુલાબહેન સોમાણી (૯૨) એટલે એક સંનિષ્ઠ શિક્ષિકા અને આદરણીય આચાર્યા. સાસુમા તથા ઘરનાં અન્ય વડીલોની અપાર સેવા કરનાર સેવામૂર્તિ! વધુમાં એક જીવદયા-પ્રેમી વ્યક્તિ. શેરીનાં કૂતરાંઓને કે આસપાસની ગાયોને ભૂખ લાગે તો એમનું ઘર શોધતાં આવે! એમની વાત સંભાળીએ એમની જ પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સરે :
ત્રણ ભાઈ અને ત્રણ બહેનના મધ્યમવર્ગી કુટુંબમાં જન્મ. ભાવનગરમાં પિતાની લાઠીમાં દુકાન. સ્કૂલનો અભ્યાસ ભાવનગરમાં કર્યો અને રાજકોટમાં પીટીસી કર્યું. લગ્ન પહેલાંથી નોકરી ચાલુ હતી. 25 વર્ષે લગ્ન કરી અમદાવાદ આવ્યાં અને એલિસબ્રિજની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી. 33 વર્ષ શિક્ષણ કાર્ય કર્યું, જેમાં છેલ્લાં આઠ વર્ષ આચાર્ય તરીકે કામ કર્યું. ઘરમાં એક પુત્રી, પુત્ર અને પુત્ર-વધૂ તથા દીકરાનાં બાળકો સાથેનું ભર્યું-ભાદર્યું કુટુંબ. સાસુની સેવામાં જ ઈશ્વરની સેવા જોઈ. છેલ્લા ૩૦ વર્ષ સાસુનો પડછાયો બનીને રહ્યાં અને તેમની અનન્ય સેવા કરી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રોજ સવારે ઘરે સામાયિક કરી ઉપાશ્રય દર્શન કરવા જવાનું. સાધુ-સાધ્વીજી હોય તો પ્રવચન સાંભળવાનો લાભ મળે. ઘરે આવીને ધાર્મિક તથા અન્ય વાંચન કરવાનું. ઉપાશ્રય અને તેને લગતી પ્રવૃત્તિઓમાં તથા કુટુંબ સાથે મોજ-મસ્તી કરવામાં દિવસનો મોટા ભાગનો સમય જતો રહે છે. ફરવાનો શોખ હતો પણ હવે ઉંમરને હિસાબે ફરવાનું થોડું ઓછું થઈ ગયું છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો ? કોઈ મોટી બીમારી?
તબિયત એકદમ સારી છે. નાની ઉંમરમાં એકવાર ટીબી થઈ ગયો હતો, પણ જરૂરી સારવારથી સારું થઈ ગયું હતું. અત્યારે આ ઉંમરે પગ થોડા દુઃખે છે, પણ બીજી કોઈ મોટી બીમારી નથી. એનું કારણ જિંદગીની નિયમિતા છે. રોજ થોડી કસરત કરું છું અને નિયમિત રીતે (લગભગ ચાલીને) ઉપાશ્રય જાઉં છું. ભૂખથી થોડું ઓછું ખાવું છું, એટલે ઉણોદરી કરું છું. રોજ સવારે કરિયાતું પીઉં છું, જેનાથી નિરોગી રહેવાય છે.
યાદગાર પ્રસંગ :
૨૦૧૭માં સાસુમાએ સંથારો (આમરણાંત ઉપવાસ) કર્યો તે દિવસ યાદ રહી ગયો છે. દિવસ-રાત તેમના પડછાયાની જેમ તેમની સાથે રહી તેમની સેવા કરી હતી. બીજો એક પ્રસંગ…. ૧૯૫૯માં ગુડ-ફ્રાઈડેના દિવસે મને હિપ્નોટાઈઝ કરીને એક ભાઈ લગભગ આઠ કિલોમીટર દૂર સુધી લઈ ગયા હતા! મારા સોનાના દાગીના ઊતારી લીધા હતા. જોકે મને કોઈ ઈજા કરી ન હતી. પ્રભુકૃપાથી હેમખેમ ઘરે પાછી આવી ગઈ હતી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેઓ કોઈ જાતના ટ્યુશન કરતાં નથી એટલે રોજિંદા અભ્યાસક્રમ સાથે તેમનો ટચ નથી, પરંતુ કુટુંબનાં બાળકો તથા ઉપાશ્રયમાં પાઠશાળાનાં બાળકો અને સોસાયટીનાં બાળકો સાથે સંકળાયેલાં છે.
શું ફેર પડ્યો લાગે છે ત્યારમાં અને અત્યારમાં
દુનિયા આખી જ બદલાઈ ગઈ છે! ઘણી વસ્તુઓ ગમે નહીં તેવી થતી હોય પણ ના કહેવાય નહીં, એટલે સ્વીકાર કરવો જ પડે! પહેલાં છોકરાઓ બિચારા હતા. માબાપ, વડીલો અને શિક્ષકોનું કહેલું માની જતા. આજકાલના બાળકો શિક્ષકોને માન નથી આપતા. શિક્ષકો કંઈ કહે તો તેમની સામે ફરિયાદ કરે છે! પહેલાના સમયમાં કરકસર કરી જીવન ગુજારતા. ટૂંકા પગારમાં પૂરું કરવાનું હોય. મારો પહેલો પગાર પાંચ રૂપિયાનો હતો! પગાર વધ્યો એમ ખર્ચા વધ્યા, મોંઘવારી વધી. અત્યારે તો વસ્તુ જોઈએ એટલે જોઈએ જ! જેટલા પૈસા હોય તેટલા વાપરી નાંખો! કોના બાપની દિવાળી! પહેલાં મારાથી બહુ સહન થતું નહીં, અને ઘણો ગુસ્સો આવતો. જતું કરવું, સ્વીકાર કરવો એવી માનસિકતાથી હવે ગુસ્સો શાંત થઈ ગયો છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેના ભયસ્થાનો :
પૌત્ર અને પૌત્રી બંને વિદેશ રહે છે એટલે તેમની સાથે વાતો કરી શકાય તેટલો મોબાઈલનો ઉપયોગ કરી જાણું છું. બાકી નવી ટેકનોલોજી વિષે માહિતી નથી. પણ બાળકો મોબાઈલ અને ટીવીમાંથી ઊંચા આવતા જ નથી. તેનાથી તેમની આંખો, કાન અને મગજ બગડે છે તે જોઈને દુઃખ થાય છે.
સંદેશો :
મા-બાપે સમજવું જોઈએ. ટીવી પર ગમે તેવા પ્રોગ્રામો આવે, લૂંટફાટના પ્રોગ્રામ આવે તે મા-બાપે જાતે ન જોવા જોઈએ અને બાળકોને પણ તેનાથી દૂર રાખવા જોઈએ. જીવ માત્ર પર દયા રાખવી જોઈએ. ઘરનાં વડીલોની સેવા કરવી જોઈએ. કૂતરાં, ગાય તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ!