ઓછું કરીએ: બોજ હળવો કરીએ, જીવન હલકું કરીએ!

જૂનમાં ઍર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટના સર્જાઈ. તે પછી એક કાર્યક્રમમાં મારી બહેનપણીએ મને પૂછ્યું, “વીણા, તને શું લાગે છે, વિમાન શા માટે તૂટી પડ્યું હશે?’ `હજુ મક્કમ રીતે કોઈ કશું કહી શકતું નથી.’ મેં તેને ઉત્તર આપ્યો. જો કે કાર્યક્રમ પછી ઘરે આવવા છતાં તેનો તે પ્રશ્ન મનમાંથી નીકળતો નહોતો. ઓફિસમાં દરેક બાબતમાં `વ્હૉટ્સ ફૉર મી’ શોધવાની એક આદત પડી છે. દુનિયામાં, ભારતમાં, એકદમ આપણા શહેરમાં ક્યાંય પણ કશું પણ બને તેની આપણી વ્યક્તિગત જીવન પર, વ્યવસાય પર કઈ રીતે સારી-ખરાબ અસર થશે, તે ધ્યાનમાં લેતાં આપણે શું કરવું જોઈએ તે અજમાવવું આજની ટોટલી અનપ્રેડિક્ટેબલ દુનિયામાં અનિવાર્ય બની ગયું છે. `વિમાન ઉપર ઊડી શક્યું નહીં એટલે તેનું વજન વધુ થઈ ગયું હશે કે?’ આ મારા જેવા અનેકભોળા મનમાં ઉદભવેલા, કોઈ પણ મજાક ઉડાવી શકે તેવો પ્રશ્ન છે. જો કે હવે તો મનમાં આવી જ ગયો છે ને. સાયન્સ બહુ આગળ વધી ગયું છે, હવે તેના કરતાં ડબલ ક્ષમતાનાં વિમાન આવી રહ્યાં છે તે પણ મારા વાસ્તવલક્ષી મનને ખબર છે. જો કે તેમ છતાં કોઈ પણ દિશામાં ફરી જતું મન સ્વસ્થ બેસવા દેતું નહોતું. વિમાન કંપની `સામાન કેટલો લઈ જવો જોઈએ તે દરેક પ્રવાસે તેની પર મર્યાદા લાવે છે અને તે સાથે એક્સેસ બેગેજને આધારે વધુ પૈસા લઈને વધુ સામાન લઈ જવા પ્રેરિત કરે છે. તેમને રેવેન્યુ મળે છે અને આપણે ખીચોખીચ સામાનથી ભરેલી બેગોની સંખ્યા વધારતા રહીએ છીએ. દુનિયામાં સર્વત્ર બધું મળે છે તે જાણ હોવા છતાં આપણું મન આપણને સ્વસ્થ બેસવા દેતું નથી.

યુ.એસ.એ. કે યુરોપમાં જતી વખતે બેગો પર ઊભા રહીને બેગો બંધ કરવી પડે તેવો વારો આપણા દરેક પર આવ્યો હશે અથવા આપણે તે અનુભવ્યો હશે. મેં પણ અગાઉ અનેક વાર આવું કર્યું છે. નીલ અને રાજ ભણવા માટે વિદેશ ગયા ત્યારે તેમને `અમે અમારાં કપડાં અને જરૂરતની વસ્તુઓ સિવાય કશું લઈ નહીં જઈશું’ એવી ધમકી આપ્યા પછી અમારા ભારતીય મનને કેટલી યાતનાઓ થઈ હતી. આ પછી તો તેમનું આવવાનું-જવાનું એક સ્ટ્રોલર કેબિન બેગ પર આવી ગયું અને `આ આપું કે તે આપું’ કરીને બળવત્તર બનેલી અમારી ભાવના તે સ્ટ્રોલર બેગ આસપાસ ઘૂમરાતી રહી. ધીમે-ધીમે અમેપણ શીખ્યાં અને મારો પછીનો પ્રવાસ એકદમ આઠ-પંદર દિવસ હોવા છતાં એક સ્ટ્રોલર બેગ પર આવી ગયો. વારુ, જાપાની ફિલોસોફી અથવા આપણી સંસ્કૃતિ આપણને સતત કહેતી આવી છે કે ભોજન કરતી વખતે ધરાઈ જવાય તેટલું ખાવું નહીં જોઈએ. ત્રીસ ટકા પેટ ખાલી રાખો, જેથી ખાધેલું અન્ન પચવા માટે જગ્યા મળશે. તે અન્નને મોકળો શ્વાસ લેવા મળશે. કાર્ગો એટલે મને વિમાનનું પેટ લાગે છે. વિમાન કંપનીઓ તે કદાચ 20-30 ટકા ઓછું ભરતી હોઈ શકે, પરંતુ એક પ્રવાસી તરીકે ક્યાંય પણ બહાર પ્રવાસે નીકળતી વખતે મને મારી એક નૈતિક જવાબદારી લાગવા માંડી છે તે એ કે `આપણે આપણો બોજ ઓછો કરીએ. વિમાન કંપનીએ 23 કિલોની મર્યાદા આપી હોય તો મારે 20 કિલો જ લઈ જવું જોઈએ. વિમાન કંપનીએ 30 કિલો કહ્યું હોય તો 25 પર જ આપણે સંતોષ માનવો જોઈએ.’ દરેક પ્રવાસે આવું કરવું એટલે અવાસ્તવ અપેક્ષા ઠરશે, પરંતુ 20-30 ટકા પ્રવાસીઓ જો આ રીતે વર્તેતો વિમાનનું વજન તુલનામાં ઓછું થશે, વિમાન હલકું થશે, તેનાથી કદાચ ઈંધણ ઓછું વપરાશે અને આપણને એક પ્રકારનો માનસિક સંતોષ મળશે. પર્યાવરણનો નાશ રોકવા માટે ફૂલ નહીંતો ફૂલની પાંખડીનું યોગદાન આપ્યું. અર્થાત એક્સેસ બેગેજને લીધે મળતી રેવેન્યુ વિમાન કંપનીઓ ગુમાવશે, પરંતુ બધાની સુરક્ષિતતા અને પર્યાવરણનો વિચાર કરીએ તો રેવેન્યુ, તે પણ એડિશનલ એ બાબત નગણ્ય બની જાય છે.

`ઍની, હાઉ ઈઝ યોર શોલ્ડર? શું કહ્યું ડોક્ટર?’ અમારી એચ.આર. મેનેજર ઍનીનો ખભો દુઃખતો હતો તેથી ડોક્ટર પાસે જઈ આવી તે સમયે તેને પૂછ્યું. તેણે કહ્યું, `ડોક્ટર બેરામજીએ કહ્યું, `કોઈ દવા વગેરે લેવાની જરૂર નથી, આઠ દિવસ ટ્રીટમેન્ટ લઈને તારો ખભો ઠીક કરી દઈશ, પરંતુ તે પછી કાળજી લેવી પડશે. પહેલી વાત એ છે કે તારું રોજનું પર્સ, તેનું વજન ઓછું કર. બિનજરૂરી વસ્તુ કાઢી નાખ. પર્સ એકદમ હલકું કર.’ અને ઍનીનો ખભો સારો થયો. મારી પણ સ્થિતિ ઍની જેવી જ થઈ ગઈ હતી. થોડાં વર્ષ પૂર્વે ડોક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે કહ્યું, `તારી પાસે કેટલાં પર્સ છે? તે બધાં આપી દે અને હેવરસેક વાપરવાનું શરૂ કર. તમારા અનેકોનો પ્રોબ્લેમ તમારું પર્સ છે. ગૅટ રિડ ઓફ ઈટ.’ મારો પ્રોબ્લેમ શું? ડોક્ટર શું કહી રહ્યા છે? કોઈ પણ સંદર્ભ મેળ ખાતો નહોતો. મેં કહ્યું, `ડોક્ટર, હવે આ ઉંમરે હું હેવરસેક વાપરીશ તો કેટલું ફની દેખાશે? અને મનગમતાં પર્સીસ આપી દેવાં એટલે થોડું અતિ થાય છે.’ ડોક્ટરે કહ્યું, `તબિયત મહત્વની કે લોકો શું કહેશે તે, યુ ડિસાઈડ!’ અને મેં ફક્ત જરૂરતોની વસ્તુઓ ભરેલી, વજનમાં હલકી હેવરસેક વાપરવાનું શરૂ કર્યું. અગાઉ થોડું ઑડ લાગ્યું, પરંતુ હવે ઉંમરના સાઈઠ વર્ષે જીન્સ ટી-શર્ટ પર હેવરસેક ચઢાવ્યા પછી એકાદ કોલેજમાં જતી યુવતીનો ઉત્સાહ શરીરમાં સંચાર થાય છે. ડોક્ટરોની સલાહ સાથે `એક પર એક ફ્રી’ની જેમ તબિયત સાથે ઉત્સાહ ફ્રી મળ્યો. એકંદરે શરીર પરનો પર્સનો ભાર ઓછો થયો અને તબિયત પણ સારી થઈ.

`અરે વીણા મૅમ કો બોલો ઈતને બડે-બડે પ્લાન્ટ્સ મત લાઓ, બિલ્ડિંગ કા બોઝ બઢતા હૈ. સ્લેબ નીચે ગયા તો? નીચે ભી તુમ્હારા હી ઓફિસ હૈ।’ એકાદ સૂતેલી વ્યક્તિ પર પાણીની ડોલ રેડ્યા પછી તે હચમચીને જાગી જાય છે તેવું મારું બન્યું. કોવિડમાં એક્ચ્યુઅલી સમય વિતાવવા માટે હું `પ્લાન્ટ મૉમ’ બની. પણ આ એક ભયાનક ગાંડપણ છે તે મને પછી સમજાયું. અમારી ઓફિસની એટેચ્ડ ઓપન સ્કાય એમ મસ્ત ટેરેસ છે. બલકે, તે ટેરેસ જોઈને જ અમે જગ્યા પસંદ કરી હતી. આજે તેનો ફાયદો થઈ રહ્યો છે. સાંજે અનેક ટીમ્સ તે ખુલ્લી હવામાં મોકળો શ્વાસ લેતી વખતે જોઈને સારું લાગે છે. જો કે જગ્યા થોડી ડ્રાય લાગતી હતી. અહીં થોડી લીલોતરી લાવીએ એવું વિચારીને એક વખત પુણેથી આવતી વખતે મોટી નર્સરીમાં ગઈ અને કેરી, ચીકુ, પેરૂ, ચેરી, ડ્રેગન ફ્રૂટ, પાલ્મ જામ એમ ટ્રક ભરીને અનેક ઝાડ લઈ આવી. હવે ઝાડથી ભરેલી ટેરેસ સારી દેખાવા લાગી હતી. અમે ફળોની મીઠાશ પણ ચાખતાં હતાં, પરંતુ અમારી બિલ્ડર્સ ટીમમાંથી જયેશ જૈનની સલાહથી હું જાગી ગઈ. સાદી બાબતો હોય છે, પરંતુ મારા ઝાડપ્રેમી મનને આ બાબત ધ્યાનમાં જ આવી નહીં. થોડા મહિના પૂર્વે દાદર શિવાજી પાર્કની ઓફિસ બની અને અમે ઘણાં બધાં ઝાડ ત્યાં ખસેડ્યાં. ટેરેસ પરનો લોડ ઓછો થયો અને મારા મન પરનો પણ.

ફ્રેન્ચ ફિલોસોફર ડેનિસ ડિડરો(ટો)ની બાબતમાં એક કિસ્સો મને ગમે છે. તે એ કે આપણા અસ્થિર મનને, અમેરિકા પાસેથી આપણને બહાર થતા `પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’નો શિકાર બનતા મનને `ઠંડ રાખ’નું ભાન કરાવી આપે છે. ડેનિસ ડિડરોને એકવાર મળી ત્યારે અત્યંત સુંદર લાલ રંગનો ગાઉન મળ્યો. તે એટલો અપ્રતિમ હતો કે તે ગાઉનની આગળ તેને પોતાનું ઘર બહુ નીરસ જૂનું ફિક્કું લાગવા માંડ્યું. તે પછી તેણે ઘરના પડદા બદલ્યા, પડદા બદલ્યા પછી તેને ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ ફિક્કી લાગવા માંડી. તે પછી તેણે તે આખો સૅટ બદલી નાખ્યો. ગાઉન, પડદા અને ડાઈનિંગ ટેબલ સૅટ અત્યંત સુંદર થયા પછી ઘરમાં અન્ય ફર્નિચર સોફા સૅટ્સ કબાટ બધું જ જૂનું લાગવા માંડ્યુ. પછી તેણે તે પણ બધું બદલી નાખ્યું. એક લાલ ગાઉનને લીધે તેણે આખું ઘર નવું કર્યું અને તે કરતી વખતે તેની બેન્ક બેલેન્સ પચાસ ટકા પર આવી એ તેના ધ્યાનમાં આવ્યું જ નહીં. આપણે ત્યાં `નાળ માટે ઘોડો’ ઉક્તિ છે તે તેવો જ આ ઘાટ થયો. આ અનુભવ ડેનિસ ડિડરો એક નિબંધ દ્વારા દુનિયા સામે લાવ્યો અને દુનિયાના વ્યવસ્થાપનમાં તે `ડિડરો ઈફેક્ટ’ તરીકે પ્રસિદ્ધ બન્યો. એક નવી વસ્તુ આવી એટલે તેની સાથે સુમેળ સાધવા માટે આપણે વધુ વસ્તુઓ વેચાતી લઈએ છીએ. તે પછી ક્યારેક તે કપડાં હોય, ક્યારેક ડેકોર હોય કે ક્યારેક ગેજેટ્સ. વસ્તુ વધતી જ જાય છે અને ઘરનું વજન પણ. હું તો જીવનભર તેનો શિકાર બની છું. ભાન થયું ત્યારે આ પાપ પરનો ઉતારો તરીકે ઘરના બે મોટા વોર્ડરોબ કાઢી નાખ્યા. `ના રહેગા બાઝ, ના બજેગી બાસુરી’ની જેમ. વસ્તુ રાખવા જગ્યા જ નહીં હોય તો ઘરમાં અમસ્તા જ આવતી વસ્તુઓ પર નિયંત્રણ આવશે એ વિચારથી. વોર્ડરોબ કાઢવાનો વિચાર અતિશયોક્તિ હોવા છતાં ઘરમાં બહુ મોકળાશ લાગ્યું. ઘર શ્વાસ લઈ રહ્યું છે એવું લાગવા માંડ્યું. મને પણ સારું લાગી રહ્યું છે.

આસપાસ ધ્યાન આપ્યું તો આપણને આવી અનેક બાબતો અથવા માણસો દેખાશે. તેમણે આવા અનેક બિનજરૂરી બોજ ઓછા કરીને પોતાનું જ નહીં, અનેકોનું, એકદમ દેશનું, દુનિયાનું ભલું કર્યું છે. સ્ટીવ જોબ્ઝ વિશે કહેવાય છે ને કે તેણે તેની જે પ્રોડક્ટ્સ હતી. તેમાં કપાત કરીને ફક્ત અમુક ઉત્કૃષ્ટ પ્રોડક્ટ્સ જ રાખી અને તેમની પર ધ્યાન કેન્દ્રિત કરીને તે અદ્વિતીય બનાવી. રોજર ફેડરરને એકવાર પુછાયું હતું કે તું રમતી વખતે આટલો સહજ, એફર્ટલેસ કઈ રીતે હોય છે? તો તેણે કહ્યું કે અભ્યાસ કરીને રમતી વખતે શરીરની બિનજરૂરી હિલચાલ મેં ઓછી કરી નાખી અને મહત્વના સ્ટ્રોક્સ પર ધ્યાન આપ્યું. તેમાં વધુ નિપુણતા અને પ્રાવીણ્ય મેળવ્યું. મહાત્મા ગાંધીની બાબતમાં પણ તેવું જ કહી શકાય. કપડાં જરૂરી વસ્તુ ઓછી કરીને તેમણે ચળવળ- સત્યાગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દુનિયા માટે આદર્શ બન્યા. બરાક ઓબામાની બાબતમાં પણ એવું જ કહેવાય છે. અશાંતિ, અવિચાર, મથામણ આ બિનજરૂરી બાબતોને તેમણે પોતાના જીવનમાંથી હદપાર કરી દીધી અને સંકટના સમયમાં પણ શાંત વિચારી નેતા તરીકે તેમની ઓળખ ઊભી થઈ. પક્ષી સ્થળાંતર કરવા પૂર્વે તેમની ચરબી અને પીંછાં કાઢી નાખે છે અને હલકાં થાય છે. તૈયાર થાય છે ફેધરલાઈટ બનીને સ્થળાંતર કરવા માટે, નિસર્ગનો આ ચમત્કાર જ છે ને. શિવાજી મહારાજના જગપ્રસિદ્ધ ગનિમી કાવામાં `ઓછો સામાન જોડે રાખવાથી સૈનિકોને હલકું લાગે અને વૈકલ્પિક રીતે ગતિ વધે છે’ આ બાબત મહત્વની હતી. એકંદરે હલકું થવું, હલકું રહેવું, બોજો ઓછું કરવાને આપણે જીવનમાં બહુ મહત્વનું સ્થાન આપવું જોઈએ. આજે આપણે જે યુગમાં છીએ તેમાં `વધુ મેળવવું’ તે સફળતાનું લક્ષણ છે. જો કે બોજ જેટલો ઓછો તેટલી ખુશી વધુ તેની પર મારો વિશ્વાસ વધી રહ્યો છે. આપણા મનમાં પણ ગુસ્સો, યાદો, અપરાધીપણું, અપેક્ષા અથવા તુલના સાથે સંબંધિત કેટલો બોજ ભરી રાખીએ છીએ. ચાલો, જાગરૂકતાથી આ બધાનો બોજ ઓછો કરીએ. ઘરમાં, પ્રવાસમાં, વ્યવસાયમાં, શરીરમાં, મનમાં, સર્વત્ર બિનજરૂરી બોજો ઓછો કરવાની આદત લગાવીએ તો આપણા જીવન માટે, આનંદ માટે અને અન્યોને આપવા માટે બહુ સમય ઊર્જાઅને ઉત્સાહ મળશે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)